Home Gujarat Modi Cabinet Rajya Sabha Elections 12 Ministers Change Portfolios New Faces Get Chance

રાજ્યસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં મોટો ફેરબદલ? : 12 જેટલા મંત્રીઓના વિભાગ બદલાઈ શકે, નવા ચહેરાઓને તક મળવાના અણસાર

PM Modi Cabinet Reshuffle
Published by: Nirali Gohil
Last Updated: Jun 09, 2026, 04:59 AM IST

PM Modi Cabinet Reshuffle: આગામી 18 જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણીને લઈને દેશના રાજકીય ગલિયારાઓમાં ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ ચૂંટણી કરતાં પણ વધુ ચર્ચા કેન્દ્ર સરકારના સંભવિત કેબિનેટ ફેરબદલને લઈને થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર રાજ્યસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો કરી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે આશરે 10થી 12 જેટલા મંત્રીઓના વિભાગોમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે કેટલાક મંત્રીઓને કેબિનેટમાંથી બહારનો રસ્તો પણ બતાવવામાં આવી શકે છે.

આગામી વર્ષોમાં ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના મહત્વના રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠન અને સરકાર બંને સ્તરે નવા સમીકરણો ગોઠવવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને યુવા ચહેરાઓને તક આપવા અને પ્રાદેશિક સંતુલન જાળવવા માટે આ ફેરબદલ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

કેટલાક વરિષ્ઠ મંત્રીઓની ખુરશી જોખમમાં?

સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારના મંત્રીમંડળમાંથી ઓછામાં ઓછા બે કેબિનેટ મંત્રી અને ત્રણ રાજ્ય મંત્રીઓને હટાવવામાં આવી શકે છે. આ ઉપરાંત કેટલાક વરિષ્ઠ નેતાઓને સરકારમાંથી સંગઠનમાં મોકલવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. ખાસ કરીને રાજ્યસભાના એવા સભ્યો કે જેઓ 70 વર્ષથી વધુ ઉંમરના છે અથવા ટૂંક સમયમાં નિવૃત્ત થવાના છે, તેમની જગ્યાએ નવા અને યુવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. ભાજપ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે, જેના ભાગરૂપે કેટલાક અનુભવી નેતાઓને રાજ્યોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે.

NDAના સાથી પક્ષોને મળી શકે વધુ પ્રતિનિધિત્વ

કેન્દ્રની NDA સરકારમાં આ વખતે સહયોગી પક્ષોને વધુ પ્રતિનિધિત્વ આપવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને બિહારમાં નીતીશ કુમારની JD(U) અને આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની TDPને કેબિનેટમાં વધુ સ્થાન મળવાની ચર્ચા છે. આ ઉપરાંત NCP, RLM અને અન્ય સાથી પક્ષોના કેટલાક સાંસદોને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે મોટાભાગના નેતાઓને કેબિનેટ મંત્રીના બદલે રાજ્ય મંત્રી તરીકે સ્થાન મળવાની શક્યતા વધુ માનવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાત-રાજસ્થાન સરહદે પોલીસની મોટી કાર્યવાહી: ટ્રાવેલ બસમાંથી ₹4 કરોડના સોના-ચાંદીના દાગીના જપ્ત, 3ની ધરપકડ

કયા મંત્રાલયોમાં ફેરફાર થઈ શકે?

રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક મહત્વપૂર્ણ મંત્રાલયોમાં ફેરફાર થવાની શક્યતા છે. જેમાં રેલવે, નાણાં, કોર્પોરેટ અફેર્સ, કોલસા, ટેક્સટાઈલ, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, ગ્રામીણ વિકાસ, રસાયણ અને ખાતર, સહકારિતા, જળ શક્તિ, કૃષિ, પર્યાવરણ અને કાયદા મંત્રાલય જેવા વિભાગોનો સમાવેશ થાય છે. જોકે કેન્દ્ર સરકાર અથવા ભાજપ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી હાલ આ તમામ ચર્ચાઓને રાજકીય અટકળો તરીકે જ જોવામાં આવી રહી છે.

સંગઠન અને સરકાર વચ્ચેનું સંતુલન સાધવાનો પ્રયાસ

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, ભાજપ આગામી વર્ષોમાં યોજાનારી વિવિધ રાજ્યોની ચૂંટણી માટે સંગઠનને વધુ સક્રિય બનાવવા માંગે છે. આ કારણે કેટલાક મંત્રીઓને સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપી શકાય છે.

ખાસ કરીને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં ભાજપ પોતાનું રાજકીય વિસ્તરણ કરવા માંગે છે. તેથી આ વિસ્તારોના નેતાઓને વધુ પ્રાધાન્ય મળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

18 જૂને યોજાશે રાજ્યસભાની 26 બેઠકો માટે ચૂંટણી

ઉલ્લેખનીય છે કે આગામી 18 જૂને દેશના વિવિધ રાજ્યોની કુલ 26 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી અને પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત અને કર્ણાટકની 4-4 બેઠકો, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 3-3 બેઠકો, ઝારખંડની 2 બેઠકો તેમજ મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની 1-1 બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એક-એક બેઠક પર પેટાચૂંટણી પણ યોજાશે. મહત્વની વાત એ છે કે આ 26 બેઠકોમાંથી 18 બેઠકો હાલમાં NDA પાસે છે, જેમાંથી 12 બેઠકો ભાજપના કબજામાં છે.

રાજ્યસભા ચૂંટણી બાદ રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે

રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે રાજ્યસભા ચૂંટણીના પરિણામો બાદ જ કેન્દ્ર સરકાર કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે. જો અટકળો સાચી સાબિત થાય તો મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ સૌથી મોટો મંત્રીમંડળ ફેરબદલ બની શકે છે. હાલ દેશની રાજકીય નજર 18 જૂનની ચૂંટણી અને તેના બાદ સરકાર તરફથી આવનારા સંભવિત નિર્ણયો પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now