આજના સમયમાં મોબાઇલ ફોન જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. ખાસ કરીને Gen Z માટે તો એક ક્ષણ પણ ફોન વગર રહેવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ શું તમને ખબર છે કે ટોયલેટમાં મોબાઇલ લઈ જવાની આદત માત્ર અસ્વચ્છતા જ નહીં, પરંતુ વાસ્તુ અને જ્યોતિષ મુજબ તમારા જીવનમાં નકારાત્મક અસર પણ પેદા કરી શકે છે? ચાલો વિગતવાર સમજીએ.
વાસ્તુ અનુસાર બાથરૂમ અને રાહુનો સંબંધ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના દરેક ખૂણામાં અલગ-અલગ ઊર્જા વસે છે. બાથરૂમ અને ટોયલેટને એવી જગ્યા માનવામાં આવે છે, જ્યાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધારે હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ જગ્યા ‘રાહુ’ સાથે જોડાયેલી માનવામાં આવે છે. રાહુ ગ્રહને ભ્રમ, અસ્થિરતા અને ગૂંચવણનું પ્રતિક માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં રાહુનો પ્રભાવ ખરાબ હોય, તો તે ખોટા નિર્ણયો, ખોટી સંગત અને માનસિક અશાંતિ તરફ દોરી શકે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ટોયલેટમાં મોબાઇલ લઈ જવું રાહુ દોષને વધુ સક્રિય બનાવી શકે છે.
મોબાઇલ: ઊર્જા શોષણ કરતું સાધન?
આધુનિક દૃષ્ટિકોણથી મોબાઇલ માત્ર કમ્યુનિકેશનનું સાધન છે, પરંતુ જ્યોતિષ અને વાસ્તુ મુજબ તે સતત ઊર્જાનો આપ-લે કરતું એક સક્રિય માધ્યમ છે. જ્યારે તમે મોબાઇલને બાથરૂમમાં લઈ જાઓ છો, ત્યારે તે ત્યાંની નકારાત્મક ઊર્જાને ‘શોષી’ લે છે એવી માન્યતા છે. આ પછી જ્યારે એ જ મોબાઇલ તમે તમારા બેડરૂમ, પૂજા રૂમ અથવા કાર્યસ્થળ પર વાપરો છો, ત્યારે આ નકારાત્મકતા પણ સાથે ફેલાય છે. વાસ્તુ મુજબ આ પ્રક્રિયા ધીમે ધીમે ઘરના વાતાવરણને પ્રભાવિત કરી શકે છે અને માનસિક તણાવ, અશાંતિ અથવા અવરોધ ઉભા કરી શકે છે.
શું કહે છે વિજ્ઞાન?
વાસ્તુ અને જ્યોતિષ સિવાય જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ, તો ટોયલેટમાં મોબાઇલ વાપરવો ખરેખર નુકસાનકારક છે. ટોયલેટમાં ભેજ, બેક્ટેરિયા અને ગંદકીનું પ્રમાણ વધુ હોય છે. મોબાઇલ ફોનને ટોયલેટમાં લઈ જવાથી તેમાં બેક્ટેરિયા ચોંટે છે, જે પછી તમારા હાથ અને ચહેરા સુધી પહોંચે છે. આથી સંક્રમણ અને બીમારીઓનો જોખમ વધી શકે છે. ઘણી સ્ટડીઝમાં જોવા મળ્યું છે કે ટોયલેટમાં વપરાયેલા ફોનમાં બેક્ટેરિયાનો સ્તર ખૂબ ઊંચો હોય છે.
માનસિક સ્વાસ્થ્ય પર અસર
એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જ્યારે તમે ટોયલેટમાં મોબાઇલ વાપરો છો, ત્યારે તમારું ધ્યાન સંપૂર્ણ રીતે વિખેરાય છે. શરીર અને મન બંને આરામની સ્થિતિમાં હોવા જોઈએ, પરંતુ મોબાઇલ સ્ક્રીન તમારું ધ્યાન સતત ખેંચતી રહે છે. આથી દિમાગને પૂરતો આરામ મળતો નથી અને લાંબા ગાળે તણાવ, ચિંતા અને થાક જેવી સમસ્યાઓ વધી શકે છે. આ ટેવ ધીમે ધીમે ‘ડિજિટલ ડિપેન્ડન્સી’નું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.





