Christmas Day 2024: આજે 25મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવશે. જો કે, ક્રિસમસ મુખ્યત્વે ખ્રિસ્તી સમુદાયનો તહેવાર છે, જે ભગવાન ઇસુને સમર્પિત છે. પરંતુ આ તહેવાર દેશ અને દુનિયામાં વિવિધ ધર્મના લોકો દ્વારા પણ ઉજવવામાં આવે છે. ધીમે-ધીમે ક્રિસમસની લોકપ્રિયતા પણ ઘણી વધવા લાગી છે.
ક્રિસમસ પર લોકો ચર્ચમાં જાય છે, ક્રિસમસ ટ્રીને શણગારે છે, રંગબેરંગી મીણબત્તીઓ પગટાવે છે, ઘરને લાલ અને લીલા રંગોથી સજાવે છે, કેક કાપીને, બાળકોને ભેટ આપે છે અને એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવીને આ દિવસની ઉજવણી કરે છે.
પરંતુ તેમ છતાં પણ ઘણા લોકો જાણતા નથી આખરે આજે એટલે કે 25 ડિસેમ્બરના રોજ જ કેમ ક્રિસમસની ઉજવણી કરાવમાં આવે છે? અન્ય તહેવારોની જેમ ક્રિસમસની તારીખ કેમ બદલાતી નથી. શા માટે દર વર્ષે 25મી ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરવામાં આવે છે? ચાલો તેના વિશે જાણીએ.
ક્રિસમસ માત્ર 25મી ડિસેમ્બરે જ કેમ?
25મી ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણીને લઈ અનેક કહાનીઓ પ્રચલિત છે. એવી માન્યતા છે કે, 25 ડિસેમ્બર એ તારીખ છે કે જે દિવસે ભગવાન ઇસુનો જન્મ થયો હતો. જો કે, બાઈબલમાં ઈશુના જન્મની તારીખ આપવામાં આવી નથી. 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરવાનું એક કારણ એ છે કે, 25 ડિસેમ્બરના દિવસે જ રોમનના પહેલા ખિસ્ત્રી સમ્રાટે ક્રિસમસની ઉજવણી કરી હતી.
ત્યારબાદ પોપ જુલિયસે સત્તાવાર રીતે 25મી ડિસેમ્બરે ક્રિસમસ ઉજવવાની જાહેરાત કરી હતી. આ કારણોસર દર વર્ષે આપણે બધા 25મી ડિસેમ્બરે ક્રિસમસનો તહેવાર ઉજવીએ છીએ.
બાઇબલમાં ઈસુની જન્મ તારીખના વર્ણનની ગેરહાજરીને કારણે કેટલાક ધાર્મિક અનુયાયીઓ 25 ડિસેમ્બરને માત્ર પ્રતીકાત્મક જન્મદિવસ તરીકે માને છે. કેટલાક ઈતિહાસકારો ક્રિસમસને રોમન તહેવાર સેન્ચુનેલિયાનું જ નવું રૂપ માને છે. ઉલ્લેખનીય છે કે, સેન્ચુનેલિયા રોમન દેવતા છે.






