Gold Silver Price: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ સોનાએ સતત તેજી સાથે નવા રેકોર્ડ સ્તરો સર કર્યા હતા અને દેશના અનેક શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1.53 લાખ પ્રતિ 10 ગ્રામને પાર પહોંચ્યો હતો, તો બીજી તરફ હવે વાયદા બજારમાં અચાનક જોરદાર કરેકશન જોવા મળ્યું છે. MCX પર સોનું એક જ દિવસમાં ₹2,500થી વધુ તૂટીને દોઢ લાખ રૂપિયાની મહત્વની સપાટી નીચે સરકી ગયું હતું, જ્યારે ચાંદીમાં પણ ₹4,500થી વધુનો કડાકો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં વધતી અનિશ્ચિતતા, મિડલ ઈસ્ટમાં ભૌગોલિક-રાજકીય તણાવ અને રોકાણકારોની નફાખોરીના કારણે કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. જોકે નીચલા સ્તરે ખરીદી પાછી ફરતાં સોનું અને ચાંદી બંનેમાં આંશિક સુધારો નોંધાયો છે, પરંતુ બજારમાં હજુ પણ ભારે અસ્થિરતા યથાવત્ છે.
સોનામાં એકઝાટકે ₹2,500થી વધુનો ઘટાડો
સોનાના વાયદા બજારમાં આજે ભારે દબાણ જોવા મળ્યું હતું. અગાઉના ટ્રેડિંગ સત્રમાં સોનું ₹1,52,443ના સ્તરે બંધ થયું હતું. જોકે નવા કારોબારી દિવસની શરૂઆત જોરદાર નકારાત્મક સંકેતો સાથે થઈ હતી અને સોનું સીધું ₹1,49,926ના સ્તરે ખુલ્યું હતું. આ ઓપનિંગ સાથે જ સોનું દોઢ લાખ રૂપિયાની માનસિક સપાટીથી નીચે સરકી ગયું હતું, જેના કારણે બજારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ટ્રેડિંગ દરમિયાન સોનાનો ભાવ ₹1,49,888 સુધી નીચે ગયો હતો, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ ભાવ ₹1,50,500 નોંધાયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી સોનું ₹1,50,118ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. જોકે અગાઉના બંધ ભાવની સરખામણીએ તેમાં હજુ પણ ₹2,325નો ઘટાડો નોંધાઈ રહ્યો હતો. ટકાવારીની દૃષ્ટિએ સોનામાં લગભગ 1.53 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.
ચાંદીમાં પણ ભારે ધોવાણ
સોનાની સાથે ચાંદીના વાયદા બજારમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી હતી. અગાઉના સત્રમાં ₹2,38,528 પર બંધ થયેલી ચાંદી આજે સીધી ₹2,34,009ના સ્તરે ખુલતાં રોકાણકારોમાં ચિંતા વધી હતી. ઓપનિંગ દરમિયાન જ ચાંદીમાં ₹4,528નો મસમોટો ઘટાડો નોંધાયો હતો. દિવસ દરમિયાન ચાંદીનો સૌથી નીચો ભાવ ₹2,34,000 અને સૌથી ઊંચો ભાવ ₹2,36,060 રહ્યો હતો. જોકે નીચલા સ્તરે ખરીદી આવતાં ચાંદીમાં થોડી રિકવરી જોવા મળી હતી અને સમાચાર લખાય છે ત્યાં સુધી તે ₹2,35,797ની આસપાસ ટ્રેડ થઈ રહી હતી. તેમ છતાં અગાઉના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં ₹2,731નો ઘટાડો યથાવત રહ્યો હતો, જે લગભગ 1.14 ટકાનો ઘટાડો દર્શાવે છે.
કયા કારણોસર આવ્યો આ મોટો કડાકો?
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોનું અને ચાંદી સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યા હતા. આવા સંજોગોમાં ઘણા મોટા રોકાણકારો અને ફંડ હાઉસોએ નફો બુક કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે બજારમાં વેચવાલી વધી છે. આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતી જતી તણાવપૂર્ણ પરિસ્થિતિએ વૈશ્વિક નાણાકીય બજારોમાં અનિશ્ચિતતા ઊભી કરી છે. ડોલરની ચાલ, આંતરરાષ્ટ્રીય બોન્ડ યિલ્ડ અને કેન્દ્રીય બેંકોની વ્યાજદર નીતિઓ પણ કિંમતી ધાતુઓના ભાવ પર સીધી અસર કરી રહી છે. વિશ્લેષકો માને છે કે, સોના અને ચાંદીમાં તાજેતરમાં આવેલા ઝડપી ઉછાળાને કારણે બજારમાં કરેકશન આવવું સ્વાભાવિક હતું અને હાલનો ઘટાડો એ જ પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે.
આ પણ વાંચો: બજારમાં બુલ્સનો કબજો!: સેન્સેક્સ 430 અંક ઉછળ્યો, નિફ્ટી 23,350 પાર; જાણો કયા શેર દોડ્યા
રોકાણકારો માટે તક કે ચેતવણી?
બજારના જાણકારોનું માનવું છે કે લાંબા ગાળાના રોકાણકારો માટે આ ઘટાડો એક તક તરીકે પણ જોવામાં આવી શકે છે. સોનું અને ચાંદી હજુ પણ વૈશ્વિક અનિશ્ચિતતા સામે સુરક્ષિત રોકાણ (Safe Haven Asset) તરીકે ગણાય છે. લજો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય તણાવ વધુ વધશે અથવા વૈશ્વિક અર્થતંત્ર અંગે ચિંતા વધશે તો કિંમતી ધાતુઓમાં ફરીથી ખરીદી જોવા મળી શકે છે. જોકે ટૂંકા ગાળામાં ભાવમાં વધુ વધઘટની શક્યતા નકારી શકાય નહીં. નિષ્ણાતો રોકાણકારોને સલાહ આપે છે કે, ઉતાવળે નિર્ણય લેવાના બદલે તબક્કાવાર રોકાણની રણનીતિ અપનાવવી જોઈએ અને બજારની દિશા સ્પષ્ટ થાય ત્યાં સુધી સાવચેતી રાખવી જરૂરી છે.





