વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વારને ઉર્જાનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. ઘરના દરવાજાની દિશા માત્ર રહેણીકરણી જ નહીં પરંતુ પરિવારના સભ્યોના ભાગ્ય અને આર્થિક સ્થિતિ પર પણ સીધી અસર કરે છે. વાસ્તુના નિયમો મુજબ જો ઘરનો દરવાજો યોગ્ય દિશામાં હોય તો સુખ અને સમૃદ્ધિ આવે છે જ્યારે ખોટી દિશામાં હોય તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ઉત્તર દિશા: ધન અને ઉન્નતિનો માર્ગ
વાસ્તુ શાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરી દિશા ગણવામાં આવે છે. આ દિશામાં આવેલો મુખ્ય દરવાજો આર્થિક મજબૂતી લાવે છે. કારકિર્દીમાં નવી તકો અને સતત પ્રગતિ માટે આ દિશા સર્વોત્તમ છે. ખાસ કરીને જ્યારે દરવાજો યોગ્ય માપ અને ચોક્કસ સ્થાન પર હોય ત્યારે તેની શુભ અસરો અનેકગણી વધી જાય છે.
પૂર્વ દિશા: સકારાત્મક ઉર્જાનો સ્રોત
પૂર્વ દિશા સૂર્યની દિશા હોવાથી આ દિશામાં બનેલો પ્રવેશદ્વાર અત્યંત મંગલકારી સાબિત થાય છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે જેનાથી માનસિક શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય જળવાય છે. સામાજિક પ્રતિષ્ઠા અને પદમાં વધારો કરવા ઈચ્છતા લોકો માટે પૂર્વ દિશાનો દરવાજો વરદાન સમાન છે.
દક્ષિણ દિશા અને સાવચેતી
સામાન્ય રીતે દક્ષિણ દિશામાં મુખ્ય પ્રવેશદ્વાર હોવું શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે આ દિશામાંથી નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે જે ઘરના સભ્યોમાં તણાવ માંદગી અને આર્થિક ભીંસ વધારી શકે છે. જોકે યોગ્ય વાસ્તુ ઉપાયો અને રેમેડીઝ દ્વારા તેની અશુભ અસરોને ચોક્કસપણે ઘટાડી શકાય છે.
આ દિશામાં દરવાજો હોવો જોખમી
વાસ્તુ નિયમો મુજબ દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમની વચ્ચે બનેલો મુખ્ય દરવાજો સૌથી વધુ નુકસાનકારક હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તે ખોટા પદ પર હોય ત્યારે વ્યક્તિની નિર્ણયશક્તિ નબળી પાડે છે. આ સ્થિતિ દેવું વધારી શકે છે અને સંબંધોમાં અસુરક્ષા તેમજ આર્થિક પતન જેવી ગંભીર સમસ્યાઓ લાવે છે. ઘણીવાર અચાનક બીમારી કે દુર્ઘટના પાછળ પણ આ દિશાનો દોષ જવાબદાર હોય છે.
મુખ્ય દ્વાર માટે યાદ રાખવા જેવી બાબતો
ઘરનો દરવાજો મજબૂત સાફ અને આકર્ષક હોવો અનિવાર્ય છે. તૂટેલો કે ગંદો દરવાજો નકારાત્મકતા ફેલાવે છે. પ્રવેશદ્વાર પર પૂરતી રોશની રાખવી જોઈએ અને શુભ પ્રતીકો તેમજ નેમપ્લેટ લગાવવાથી પોઝિટિવિટી જળવાઈ રહે છે. પ્રવેશદ્વારની સામે કોઈ અવરોધ કે અંધારું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.




















