હિંદુ ધર્મમાં દેવોના દેવ મહાદેવની ઉપાસનાનું વિશેષ મહત્વ છે, પરંતુ તેમાંય 'મહાશિવરાત્રી'નો દિવસ ભક્તો માટે સર્વોપરી માનવામાં આવે છે. દર વર્ષે મહા મહિનાના વદ પક્ષની ચૌદશના દિવસે ઉજવાતો આ તહેવાર માત્ર ધાર્મિક વિધિ નથી, પણ આધ્યાત્મિક જાગૃતિનો પર્વ છે. આ વર્ષે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીની સાથે શનિ પ્રદોષનો અદભૂત સંયોગ સર્જાયો છે, જે આ દિવસના ફળમાં અનેકગણો વધારો કરે છે. 33 કરોડ દેવતાઓમાં શિરોમણિ ગણાતા ભોળાનાથના આ મહોત્સવ પાછળ કઈ પૌરાણિક કથાઓ છુપાયેલી છે અને શિવ શબ્દનો ગૂઢ અર્થ શું છે, ચાલો વિગતવાર જાણીએ.
1. જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવનું પ્રાગટ્ય
પૌરાણિક ગ્રંથો અનુસાર, આ દિવસે મધ્યરાત્રિએ ભગવાન શિવ નિરાકાર સ્વરૂપમાંથી સાકાર ‘જ્યોતિર્લિંગ’ સ્વરૂપે પ્રગટ થયા હતા. પૌરાણિક કથા મુજબ, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે સર્વોપરિતાને લઈને વિવાદ સર્જાયો હતો, ત્યારે શિવજી એક અનંત અગ્નિસ્તંભ (જ્યોતિર્લિંગ) સ્વરૂપે પ્રગટ થયા. આ જ્યોતિર્લિંગનો આદિ કે અંત કોઈ જાણી શક્યું નહીં, જેના દ્વારા મહાદેવે સંસારને પોતાની અનંત શક્તિનો પરિચય આપ્યો. આ પ્રાગટ્યની યાદમાં દર વર્ષે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.
2. શિવ-શક્તિના પવિત્ર મિલનનો દિવસ
મહાશિવરાત્રી સાથે જોડાયેલી સૌથી લોકપ્રિય માન્યતા ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહની છે. કહેવાય છે કે, આ દિવસે મહાદેવે વૈરાગ્ય છોડીને ગૃહસ્થ જીવન સ્વીકાર્યું હતું. આ પવિત્ર મિલનની યાદમાં દેશભરના શિવાલયોમાં શિવજીની ભવ્ય જાન નીકળે છે. ખાસ કરીને ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ૯ દિવસ સુધી શિવ નવરાત્રીની ઉજવણી થાય છે, જ્યાં બાબા મહાકાલને વરરાજાની જેમ શણગારવામાં આવે છે.
3. 12 જ્યોતિર્લિંગોનું પૃથ્વી પર આગમન
શાસ્ત્રો જણાવે છે કે મહાશિવરાત્રીની આ પવિત્ર તિથિએ જ ભારતના વિવિધ 12 ભાગોમાં ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થયા હતા. સોમનાથથી લઈને રામેશ્વર સુધી ફેલાયેલા આ 12 જ્યોતિર્લિંગો (સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને ઘૃષ્ણેશ્વર) ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. આ દિવસે આ સ્થળોએ પૂજા-અર્ચના કરવાથી જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળે છે તેવી શ્રદ્ધા છે.
શિવ અને શંકર: શબ્દ પાછળનો છુપાયેલો આનંદ
'શિવ' શબ્દની ઉત્પત્તિ 'વશ કાન્તૌ' ધાતુ પરથી થઈ છે, જેનો અર્થ છે 'જેને સૌ પ્રેમ કરે છે'. શિવ એટલે કલ્યાણ અને આનંદ. તેવી જ રીતે, 'શંકર' શબ્દમાં 'શં' એટલે સુખ/આનંદ અને 'કર' એટલે કરનાર. આમ, જે હંમેશા ભક્તોનું કલ્યાણ કરે છે અને પરમાનંદ આપે છે તે જ મહાદેવ.
રાત્રિ જાગરણ અને પૂજાનું ફળ
મહાશિવરાત્રી એટલે 'મહાન રાત'. માન્યતા છે કે,આ રાત્રિના ચારેય પ્રહરમાં જાગરણ કરી શિવજીની ઉપાસના કરવાથી અશક્ય કાર્યો પણ શક્ય બને છે. એવી શ્રદ્ધા છે કે, આ રાત્રે મહાદેવ અને માતા પાર્વતી પૃથ્વી પર ભ્રમણ કરે છે, તેથી જાગરણ અને અભિષેક કરનાર ભક્ત પર શિવજીની વિશેષ કૃપા ઉતરે છે.




















