મહાશિવરાત્રી એ માત્ર આસ્થાનું પર્વ નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની પ્રતિકૂળ અસરોને શાંત કરવાનો એક અદભૂત અવસર પણ છે. 15 ફેબ્રુઆરી 2026ના રોજ આ પવિત્ર દિવસ ઉજવવામાં આવશે. શિવજીની આરાધના અને વ્રત કરવાથી અનિષ્ટ ગ્રહોની શાંતિ ખૂબ જ સરળતાથી થાય છે. જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય, રાહુ-કેતુની મહાદશા પરેશાન કરતી હોય, અથવા શનિની સાડાસાતી કે ઢૈયા કષ્ટદાયક હોય, તો મહાશિવરાત્રીનું પૂજન અને વ્રત વિશેષ રાહત પ્રદાન કરે છે.
અસંભવને સંભવ બનાવે છે શિવ ભક્તિ
મહાશિવરાત્રીના દિવસે શિવ-પાર્વતીની પૂજા કરવાથી લગ્ન યોગ્ય કન્યાઓને મનગમતો વર પ્રાપ્ત થાય છે. ધન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા ભક્તોએ આ દિવસે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. જે પરિવારમાં બીમારીઓનો પ્રકોપ હોય ત્યાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી સભ્યો સ્વસ્થ રહે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. શિવરાત્રીના વ્રતથી પૃથ્વીના તમામ સુખ ભોગવીને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
રૂદ્રાભિષેક: તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ
શિવરાત્રીના દિવસે શિવજીનો જે અભિષેક કરવામાં આવે છે તેને રૂદ્રાભિષેક કહેવામાં આવે છે. વિવિધ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આ ઉપાય અત્યંત અસરકારક સાબિત થાય છે. જો તમને ગ્રહદશાની સચોટ જાણકારી ન હોય પણ જીવનમાં કષ્ટો આવી રહ્યા હોય, તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ચાંદીના નાગ-નાગણીની જોડી અર્પણ કરવાથી ભગવાન શિવની કૃપાથી તમામ દુઃખ દૂર થાય છે.
ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ
શાસ્ત્રોમાં શિવરાત્રી દરમિયાન ચાર પ્રહરમાં ચાર વખત પૂજનનું વિધાન છે.
પ્રથમ પ્રહર: દૂધ દ્વારા શિવના ઈશાન સ્વરૂપનો અભિષેક.
દ્વિતીય પ્રહર: દહીં દ્વારા અઘોર સ્વરૂપનો અભિષેક.
તૃતીય પ્રહર: ઘી (ઘૃત) દ્વારા વામદેવ સ્વરૂપનો અભિષેક.
ચતુર્થ પ્રહર: મધ દ્વારા સદ્યોજાત સ્વરૂપનો અભિષેક.
જો કોઈ સાધક ચાર વખત પૂજા ન કરી શકે, તો તેણે પ્રથમ પ્રહરમાં એક વાર પૂજા તો અવશ્ય કરવી જોઈએ. મહાશિવરાત્રીની રાત્રિ મહાસિદ્ધિદાયિની માનવામાં આવે છે, આ સમયે કરેલા દાન-પુણ્ય અને શિવલિંગની સ્થાપનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.




















