12 વર્ષે અવસર આવ્યો મહા કુંભનો
બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે પર્વના પર્વ મહાપર્વ એવા મહાકુંભ- 2025ની. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ આયોજિત કરવામાં આવ્યો છે. બાર વર્ષે એક વાર યોજાતા મહાકુંભમાં લાખો હિન્દુ સંતો-મહંતો ઉમટે છે અને પવિત્ર અનુષ્ઠાનમાં સંમ્મેલિત થાય છે.
મહાકુંભ ભારતના આદ્યાત્મિક વિરાસતનો ઉત્સવ જ નથી પરંતુ આંતરિક શાંતિ, આત્મ સાક્ષાત્કાર અને સામૂહિક એકતાનો ત્રિવેણી સંગમ છે.
હિન્દુ શાસ્ત્રો મુજબ મહાકુંભના મેળામાં સામેલ થઈ તીર્થયાત્રિકો પોતે કરેલા પાપોમાંથી મુક્ત થાય છે, પુર્નજન્મના ચક્રને તોડીને આદ્યાત્મિક મુક્તિની પ્રાપ્તિ કરે છે. 12 વર્ષ બાદ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. 13 જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ માટે નાગાસાધુઓના અખાડાઓ ધીમે ધીમે પ્રયાગરાજના સંગમ સ્થાને પહોંચી રહ્યા છે.
શાહી સ્નાનનું સવિશેષ મહત્વ
મહાકુંભમાં શાહી સ્નાનનું સૌથી વિશેષ મહત્વ હોય છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી 45 દિવસ ચાલનારા મહાકુંભમાં દેશ- વિદેશમાંથી આવતા ભક્તો અને સંતો ગંગા, યમુના અન સરસ્વતીના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. આ મહાકુંભમાં કુલ 6 શાહી સ્નાન થવાના છે. 13 જાન્યુઆરીથી પોષ પૂર્ણિમાના રોજથી શાહી સ્નાનની શરૂઆત થાય છે અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના પર્વ પર અંતિમ સ્નાન સાથે મહાકુંભનો સમાપન થાય છે. ત્યારે એ સમજીએ કે મહાકુંભમાં ભક્તો અને સંતો શા માટે શાહી સ્નાન કરે છે?
હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ મુજબ મહાકુંભમાં ત્રિવેણી સંગમનું પવિત્ર પાણી અમૃતમાં ફેરવાઈ જાય છે. શાહી સ્નાન માટેની તિથી હિન્દુ પંચાગ અંતર્ગત નક્કી કરવામાં આવે છે. સંગમના કિનારા પર જ્યા ગંગા, યમુના અને સરસ્વતીનો પવિત્ર સંગમ થાય છે જેથી તેને ત્રિવેણી ઘાટ પણ કહેવાય છે. આ ત્રિવેણી ઘાટ પર શાહી સ્નાન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ શાહી સ્નાનના પર્વ પર બ્રહ્મ મુહૂર્તમાં દેવી-દેવતાઓ સ્નાન માટે પૃથ્વી પર ઉતરે છે. શાહી સ્નાન કરવાથી તમામ પાપો નાશ પામે છે અને તેનાથી મુક્તિનો માર્ગ ખુલે છે.
ક્યારે અને ક્યાં થાય મહાકુંભનું આયોજન?
મહાકુંભનું આયોજન દર 12 વર્ષે ભારતમાં ચાર સ્થાને કરવામાં આવતું હોય છે. પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન.આ ચાર સ્થળોએ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર, હરિદ્વાર, ઉત્તરાખંડમાં ગંગા ઘાટ પર. નાસિકમાં મહારાષ્ટ્રના ગોદાવરી તટ પર તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના ઘાટ પર આયોજન કરાય છે. મહાકુંભમાં સૌથી પહેલા નાગા સાધુઓ શાહી સ્નાન કરતા હોય છે, તે બાદ સામાન્ય ભકતોને શાહી સ્નાનનો અવસર મળતો હોય છે.
કઈ છે મહાકુંભમાં શાહી સ્નાનની તારીખ અને તિથી
13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાએ મહાકુંભની શરૂઆત શાહી સ્નાનથી થશે તે બાદ 14 જાન્યુઆરીએ મકરસંક્રાતિના પર્વ પર, 29 જાન્યુઆરીએ મૌની અમાસના પર્વ પર, 12 ફેબ્રુઆરીએ માદ્ય પૂર્ણિમા અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિએ છઠ્ઠા શાહી સ્નાન સાથે મહાકુંભની પૂર્ણાહૂતિ થશે.
કેવી છે મહાકુંભની તૈયારી?
મહાકુંભ- 2025 માટે ભવ્યતિવ્ય તૈયારી કરવામાં આવી છે. યોગી સરકારે છેલ્લા ઘણા મહિનાઓથી મહાકુંભ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે..મહાકુંભ માટે તમામ ઘાટને શણગાર આપવામાં આવ્યો છે. આ વર્ષે મહાકુંભ મેળામાં 10 કરોડ શ્રદ્ધાળુઓ ઉમટી શકે તેવી સંભાવના છે. મહાકુંભ માટે 6 હજાર હેકટર જમીન યોગી સરકારે ફાળવી છે, ચાર હજાર ફેકટર જમીનમાં મેળાનું આયોજન કરવામાં આવશે તો 1,900 હેકટર જમીનમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પણ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે, સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સંગમ પર સ્નાન કરવાવાળામાં જો કોઈ ડૂબી જાય તો તેમની મદદ માટે અલગ રેસ્ક્યૂ ટીમ તૈનાત કરવામાં આવી છે. સંગમમાં અંડરવૉટર ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે.આ ડ્રોન 300 મીટરના વિસ્તારમાં ડૂબતી વ્યક્તિને શોધવામાં સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો છે.. મહાકુંભમાં ભીડને ધ્યાનમાં રાખીને પાર્કિંગ વ્યવસ્થા શહેરની બહાર રાખવામાં આવી છે.
પ્રયાગરાજમાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓના રહેવા માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.. યોગી સરકારે ટેન્ટ સિટી પણ તૈયાર કરી છે..શ્રદ્ધાળુઓ માટે અંદાજે 25 હજાર ટેન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ત્રણ પ્રકારના ટેન્ટ ઉપલબ્ધ રહેશે જેના દર જુદા જુદા નક્કી કરવામાં આવ્યા છે. બેઝિક કેટેગરીમાં આવતા 10 હજાર ટેન્ટ છે, જેમાં દૈનિક ભાડું 2થી 5 હજાર વચ્ચે રાખવામાં આવ્યું છે, ડિલક્સ કેટેગરીમાં 8 હજારથી વધુ ટેન્ટ બનાવવામાં આવ્યા છે, જેનું દૈનિક ભાડુ રૂ.5 હજારથી 10 હજાર સુધીનું છે. તો વૈભવી કેટેગરીમાં 5 હજાર ટેન્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં દૈનિક ભાડું રૂ.10થી 20 હજાર સુધી રાખવામાં આવ્યું છે.ઉત્તર પ્રદેશ ટુરિઝમની વેબસાઈટ પરથી ટેન્ટ બુકિંગ કરી શકાશે.





















