Home National Lucknow Coaching Centre Building Fire 15 Live Lost Rescue Operation Cm Yogi Canceled Program

લખનઉમાં બન્યો સુરત તક્ષશિલા જેવો કાંડ : CM યોગીએ રદ કર્યો કાર્યક્રમ, અત્યાર સુધી 15નાં મોત, અનેક ઘાયલ

Lucknow Coaching Centre Fire
Published by: Nirali Gohil
Last Updated: Jun 22, 2026, 12:52 PM IST

Lucknow Coaching Centre Fire: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજે બપોરે સર્જાયેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. અલીગંજ વિસ્તારમાં આવેલી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલી આગમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનો કાર્યક્રમ રદ કરીને લખનૌ પરત ફરવાનો નિર્ણય લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે, બિલ્ડિંગમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, થોડા જ સમયમાં આખી ઇમારત ધુમાડા અને જ્વાળાઓની ચપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગમાં કોચિંગ સેન્ટર અને અન્ય ઓફિસો કાર્યરત હોવાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ અંદર હાજર હતા. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો જીવ બચાવવા માટે બહાર નીકળવાના પ્રયાસો કરતા જોવા મળ્યા હતા.

વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં મચી ભાગદોડ

પ્રાથમિક માહિતી મુજબ આગ બપોરે લગભગ 3 વાગ્યે લાગી હતી. આગના કારણે સમગ્ર બિલ્ડિંગ ધુમાડાથી ઘેરાઈ જતા અંદર હાજર લોકો માટે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક લોકો જીવ બચાવવા માટે ઉપરના માળેથી નીચે કૂદ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે, ફાયર ફાઇટરોને બિલ્ડિંગની દીવાલ તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. બચાવ કામગીરી દરમિયાન અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

માતા-પિતાની ચિંતા, હોસ્પિટલોમાં દોડધામ

ઘટનાની જાણ થતાં જ કોચિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા-પિતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બિલ્ડિંગની બહાર ચિંતિત પરિવારજનોની ભીડ જોવા મળી હતી. પોતાના બાળકો સુરક્ષિત છે કે નહીં તેની માહિતી મેળવવા માટે લોકો સતત પ્રયાસ કરી રહ્યા હતા. આગની ઘટનાએ પરિવારોમાં ભારે ચિંતા અને ગમગીનીનું વાતાવરણ સર્જ્યું છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબી ટીમો સતત સારવાર આપી રહી છે.

આ પણ વાંચો: લખનઉ કોચિંગ સેન્ટરમાં લાગી ભીષણ આગ : જીવ બચાવવા બિલ્ડિંગ પરથી કૂદ્યા વિદ્યાર્થીઓ, અનેક ઘાયલ

બચાવ દરમિયાન માનવતાનું ઉદાહરણ

બચાવ કામગીરી દરમિયાન એક પોલીસકર્મીએ આગમાં દાઝી ગયેલી બિલાડીને બચાવીને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસકર્મી બિલાડીને પોતાના હાથમાં ઉઠાવીને તાત્કાલિક મેડિકલ ટીમ સુધી લઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આગના કારણોની તપાસ શરૂ

અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ કેવી રીતે લાગી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ સહિતના વિવિધ કારણો પર તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક અને ટેકનિકલ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે. પ્રશાસને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગની આ દુર્ઘટનાએ ફરી એકવાર કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના ધોરણો અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now