Lakshadweep Liquor Ban: દેશના સૌથી સુંદર અને વ્યૂહાત્મક દ્વીપસમૂહોમાંના એક લક્ષદ્વીપમાં લગભગ પાંચ દાયકાથી અમલમાં રહેલી દારૂબંધી હવે ઇતિહાસ બની ગઈ છે. કેન્દ્ર સરકારે 1979થી લાગુ 'લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન'ને રદ કરીને નવા 'લક્ષદ્વીપ એક્સાઇઝ રેગ્યુલેશન-2026'ને અમલમાં મૂક્યો છે. આ નિર્ણય સાથે હવે નિયંત્રિત અને લાઇસન્સ આધારિત વ્યવસ્થા હેઠળ દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે, આ પગલાથી લક્ષદ્વીપને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન મળશે અને તે માલદીવ્સ જેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો સાથે સ્પર્ધા કરી શકશે. જોકે આ નિર્ણયને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા અને મતભેદો પણ જોવા મળી રહ્યા છે.
47 વર્ષ જૂના કાયદાનો અંત
લક્ષદ્વીપમાં વર્ષ 1979થી સંપૂર્ણ દારૂબંધી અમલમાં હતી. સ્થાનિક ધાર્મિક અને સામાજિક પરંપરાઓને ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો હતો. હવે કેન્દ્ર સરકારે આ કાયદાને રદ કરીને નવી આબકારી નીતિ અમલમાં મૂકી છે. નવી નીતિ હેઠળ દારૂના ઉત્પાદન, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ અને વપરાશ માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. માત્ર લાઇસન્સ ધરાવતા વેપારીઓ અને સરકારી એજન્સીઓને જ વેચાણની મંજૂરી આપવામાં આવશે.
દારૂ પર વસૂલાશે ભારે ટેક્સ
લક્ષદ્વીપમાં દારૂની ઉપલબ્ધતા વધશે, પરંતુ તેની કિંમત સામાન્ય રાજ્યો કરતાં ઘણી વધારે રહેશે. પ્રશાસને દારૂ પર ભારે એક્સાઇઝ ડ્યુટી લગાવવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL) અને આયાતી દારૂ પર 400 ટકા સુધી એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે. બિયર પર 200 ટકા અને વાઇન પર 80 ટકા ટેક્સ લાગુ રહેશે. સરકારનું માનવું છે કે ઊંચા ટેક્સ દ્વારા દારૂના અનિયંત્રિત વપરાશને રોકી શકાશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રનાં થાણેમાં આગનું તાંડવ: ટાયરના ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાથી ઢંકાયું આકાશ
21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પ્રતિબંધ
નવી નીતિમાં યુવાનોના હિતોને ધ્યાનમાં રાખીને ખાસ જોગવાઈ કરવામાં આવી છે. 21 વર્ષથી ઓછી ઉંમરની કોઈપણ વ્યક્તિને દારૂ વેચી શકાશે નહીં. આ ઉપરાંત લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટરને જરૂર જણાય ત્યારે દારૂના વેચાણ પર નિયંત્રણ લાદવાની અથવા કોઈપણ ટાપુમાં ફરીથી દારૂબંધી લાગુ કરવાની સત્તા આપવામાં આવી છે.
મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશમાં મોટો ફેરફાર
વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ લક્ષદ્વીપની લગભગ 97 ટકા વસ્તી મુસ્લિમ સમુદાયની છે. ઇસ્લામિક પરંપરાઓમાં દારૂના સેવનને પ્રોત્સાહન આપવામાં આવતું નથી, જેના કારણે વર્ષો સુધી અહીં દારૂબંધી અમલમાં રહી હતી. જોકે અગાઉ પણ કેટલાક સરકારી રિસોર્ટ અને પ્રવાસન કેન્દ્રોમાં વિદેશી પ્રવાસીઓ માટે મર્યાદિત પ્રમાણમાં દારૂની સુવિધા ઉપલબ્ધ હતી.
માલદીવ્સ સાથે સીધી સ્પર્ધાની તૈયારી
પ્રશાસનનું માનવું છે કે કડક દારૂબંધીના કારણે લક્ષદ્વીપ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે માલદીવ્સની સરખામણીએ ઓછું આકર્ષક બની રહ્યું હતું. માલદીવ્સ મુસ્લિમ દેશ હોવા છતાં ત્યાંના ટૂરિસ્ટ રિસોર્ટ્સમાં વિદેશી મહેમાનો માટે દારૂ સરળતાથી ઉપલબ્ધ છે. હવે લક્ષદ્વીપ પણ સમાન સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો: ખાન સરને કોર્ટથી મોટી રાહત: પરંતુ રોશન આનંદની જામીન અરજી પર કોર્ટનો નિર્ણય બાકી; જાણો સમગ્ર મામલો
PM મોદીની મુલાકાત બાદ વધી હતી લોકપ્રિયતા
જાન્યુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. તેમની સ્નોર્કલિંગ અને બીચ પરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લક્ષદ્વીપને વૈશ્વિક ઓળખ મળી હતી. તે બાદથી કેન્દ્ર સરકાર આ દ્વીપસમૂહને આંતરરાષ્ટ્રીય સ્તરના ટૂરિઝમ હબ તરીકે વિકસાવવા માટે અનેક પગલાં લઈ રહી છે.
સ્થાનિક વિરોધ છતાં આગળ વધી યોજના
વર્ષ 2021માં જ્યારે અન્ય ટાપુઓ પર પણ દારૂ વેચાણનો પ્રસ્તાવ આવ્યો હતો ત્યારે સ્થાનિક સંગઠનો અને રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો.n વિરોધીઓનું માનવું છે કે, દારૂની ઉપલબ્ધતા વધવાથી સ્થાનિક યુવાનોમાં વ્યસન અને સામાજિક સમસ્યાઓ વધી શકે છે. જોકે પ્રશાસનનું કહેવું છે કે કડક નિયમો અને નિયંત્રણો સાથે આ નીતિ અમલમાં રહેશે.
લક્ષદ્વીપ વિશે જાણો
લક્ષદ્વીપ અરબી સમુદ્રમાં આવેલો ભારતનો એકમાત્ર કોરલ આઇલેન્ડ સમૂહ છે. અહીં કુલ 36 ટાપુઓ આવેલા છે, જેમાંથી માત્ર 10 ટાપુઓ પર જ વસતિ રહે છે. અગાત્તી, કવરત્તી, કદમત, મિનિકોય અને અન્ય ટાપુઓ તેમની કુદરતી સુંદરતા, બ્લૂ લગૂન અને એડવેન્ચર ટૂરિઝમ માટે જાણીતા છે. અહીં પ્રવાસ માટે ભારતીય અને વિદેશી બંને પ્રવાસીઓને વિશેષ પરમિટ લેવી ફરજિયાત છે.





