Home Sports Kolkata Lionel Messi Event Controversy Organiser Files Complaint Against Former Minister And Dgp

કોલકાતામાં મેસીનો જીવ જોખમમાં મૂકાયો હતો! : જેલમાંથી છૂટતાં જ આયોજકે પૂર્વ રમતગમત મંત્રી અને તત્કાલીન DGP વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

Messi Kolkata Event, Shatadru Dutta FIR
Image Credit: Twitter
Published by: Nirali Gohil
Last Updated: May 19, 2026, 08:57 AM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગત વર્ષે આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસીના હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમ દરમિયાન થયેલી ભારે અરાજકતા અને ગેરવ્યવસ્થાના મામલે હવે એક નવો અને અત્યંત સ્ફોટક વળાંક આવ્યો છે. મેસીના 'GOAT ઇન્ડિયા ટૂર-કોલકાતા એડિશન'ના મુખ્ય આયોજક શતાદ્રુ દત્તાએ જેલમાંથી બહાર આવ્યા બાદ પશ્ચિમ બંગાળના પૂર્વ રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસ વિરુદ્ધ બિધાનનગર સાઉથ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવી છે. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયા બાદ શતાદ્રુ દત્તાએ આ ચકચારી મામલે પહેલીવાર મૌન તોડતાં સીધો જ રાજકીય અને વહીવટી સ્તરે મોટો પ્રહાર કર્યો છે.

આ સનસનાટીપૂર્ણ ફરિયાદમાં માત્ર પૂર્વ રમતગમત મંત્રી જ નહીં, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાઉન્સિલર અને અરૂપ બિસ્વાસના ભાભી જુઈ બિસ્વાસ તેમજ રાજ્યના તત્કાલીન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રાજીવ કુમાર સામે પણ ગુનાહિત કાવતરું ઘડવાનો અને સુરક્ષામાં ગંભીર બેદરકારી રાખવાનો આરોપ લગાવી તાત્કાલિક કડક કાનૂની પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. આયોજકના આ આકરા વલણને કારણે કોલકાતાના રાજકારણથી લઈને રમતગમત જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

"મેસીની સુરક્ષા સાથે થયું મોટું જોખમ": પૂર્વ મંત્રી પર ગંભીર આક્ષેપો

પોલીસને આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં આયોજક શતાદ્રુ દત્તાએ પૂર્વ રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસ પર પદનો દુરુપયોગ કરવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. ફરિયાદ અનુસાર, 13 ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ કોલકાતાના પ્રખ્યાત સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે આયોજિત આ વૈશ્વિક સ્તરના કાર્યક્રમમાં અરૂપ બિસ્વાસે પોતાના પાવરનો ઉપયોગ કરીને પ્રોટોકોલ તોડ્યા હતા અને સુરક્ષાના અત્યંત પ્રતિબંધિત વિસ્તારોમાં ગેરકાયડેસર રીતે પ્રવેશ કર્યો હતો. તેમના આ અનધિકૃત પ્રવેશ અને દખલગીરીને કારણે સ્ટેડિયમની આખી સિક્યોરિટી લાઇન સંપૂર્ણપણે તૂટી ગઈ હતી, જેના લીધે ફૂટબોલ લેજન્ડ લિયોનલ મેસીનો જીવ અને સુરક્ષા પણ જોખમમાં મુકાઈ ગયા હતા.

આ પણ વાંચો: ODI વર્લ્ડ કપ 2027 માટે આજે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત: રોહિત-વિરાટના ભવિષ્ય પર મોટો નિર્ણય! જાણો શું છે BCCI માટે સૌથી મોટો પડકાર

રણમેદાન બન્યું સ્ટેડિયમ: એ રાત્રે મચેલી ધમાલ અને તોડફોડની આખી કહાની

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 13 ડિસેમ્બરની એ રાત્રે સોલ્ટ લેક સ્ટેડિયમની અંદર ભારે અફરાતફરી અને હિંસક માહોલ જોવા મળ્યો હતો. લિયોનલ મેસીને એક નજર જોવા માટે હજારો ચાહકો લાખો રૂપિયાની મોંઘી ટિકિટો ખરીદીને સ્ટેડિયમ પહોંચ્યા હતા. પરંતુ ગેરવ્યવસ્થાના કારણે મેસી ગ્રાઉન્ડ પરથી ખૂબ જ ઝડપથી બહાર નીકળી જતાં ગુસ્સે ભરાયેલા દર્શકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ફેન્સે સ્ટેડિયમમાં ભારે તોડફોડ શરૂ કરી દીધી હતી. સ્ટેન્ડ પરથી મેદાનમાં પ્લાસ્ટિકની બોટલો અને ખુરશીઓ ફેંકવામાં આવી હતી, કેટલાય દર્શકો લોખંડના ગેટ તોડીને સીધા મેદાનની અંદર ઘૂસી ગયા હતા, જેના કારણે સ્ટેડિયમની ગેલેરી અને શૌચાલયોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

આયોજકની એરપોર્ટ પરથી ધરપકડ અને 37 દિવસનો જેલવાસ

મેસીના આ કાર્યક્રમમાં થયેલી વૈશ્વિક સ્તરની બદનામી બાદ તત્કાલીન રાજ્ય સરકારે બચાવ મુદ્રામાં આવીને તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી હતી. આ સમગ્ર હોબાળા માટે મુખ્ય આયોજક શતાદ્રુ દત્તાને દોષિત ઠેરવી, ઘટનાના દિવસે જ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ કોર્ટ દ્વારા બે વખત તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આખરે ૩૭ લાંબા દિવસો જેલના સળિયા પાછળ વિતાવ્યા બાદ, આ વર્ષે 19 જાન્યુઆરીના રોજ કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા.

આ પણ વાંચો: SRHની ચેન્નઈ પર શાનદાર જીત: ઈશાન કિશનની તોફાની બેટિંગ, CSK માટે પ્લેઑફનો રસ્તો મુશ્કેલ

પૂર્વ મંત્રીનું રાજીનામું અને IPS અધિકારીઓ પર એક્શન

કોલકાતાના ઇતિહાસમાં રમતગમતના નામે થયેલી આ સૌથી મોટી ફજેતી બાદ તત્કાલીન રમતગમત મંત્રી અરૂપ બિસ્વાસે ભારે દબાણ હેઠળ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેલા તત્કાલીન ડીજીપી રાજીવ કુમાર સહિતના રાજ્યના ટોચના આઈપીએસ (IPS) અધિકારીઓને પણ સરકારે કારણદર્શક નોટિસ ફટકારી હતી. હવે જેલમાંથી બહાર આવીને આયોજકે સીધો જ પૂર્વ મંત્રી અને તત્કાલીન પોલીસ વડા સામે મોરચો ખોલતા આગામી દિવસોમાં આ મામલે મોટા ધરખમ ખુલાસા થવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now