ક્રિકેટ જગતમાં અત્યારે ધ હન્ડ્રેડ 2026ના ઓક્શનની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાવ્યા મારનની માલિકીની ટીમ સનરાઈઝર્સ લીડ્સ (SunRisers Leeds) દ્વારા પાકિસ્તાનના 27 વર્ષીય સ્પિનર અબરાર અહમદની પસંદગી કરવામાં આવતા સોશિયલ મીડિયા પર વિવાદ ફાટી નીકળ્યો છે. આ વિવાદનું મુખ્ય કારણ અબરાર અહમદનું ભૂતકાળનું ભારત વિરોધી વલણ છે, જેમાં તેણે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય સેનાનું અપમાન કર્યું હતું.
હરાજીમાં અબરાર પર લાગી મોટી બોલી
શરૂઆતમાં એવી અટકળો વહેતી થઈ હતી કે IPL સાથે સંકળાયેલી ફ્રેન્ચાઈઝીઓ ધ હન્ડ્રેડ લીગમાં પાકિસ્તાની ખેલાડીઓને ખરીદવાનું ટાળશે, પરંતુ સનરાઈઝર્સ લીડ્સે આ ધારણાઓને ખોટી સાબિત કરી છે. અબરાર અહમદને પોતાની ટીમમાં સામેલ કરવા માટે સનરાઈઝર્સે 190,000 પાઉન્ડ એટલે કે અંદાજે 2.34 કરોડ રૂપિયાની મોટી રકમ ખર્ચી છે. આ ખેલાડી માટે ટ્રેન્ટ રોકેટ્સ દ્વારા 100,000 પાઉન્ડની બોલી સાથે શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ અંતે કાવ્યા મારનની ટીમે તેને પોતાના ખેમે કરી લીધો હતો.
ભારતીય સેનાના અપમાનનો ઈતિહાસ
અબરાર અહમદ સામે ભારતીયોનો રોષ તેના મે મહિનાના વિવાદાસ્પદ કૃત્યને કારણે છે. ઓપરેશન સિંદૂર બાદ આ પાકિસ્તાની સ્પિનરે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાન દ્વારા બંદી બનાવવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ભારતીય સૈન્યની મજાક ઉડાવી હતી. આ વિવાદાસ્પદ તસવીરો અને નિવેદનો ફરી એકવાર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે ફેન્સ સનરાઈઝર્સના મેનેજમેન્ટ સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
મુસ્તફિઝુર રહેમાન જેવો વિવાદ થવાની ભીતિ
ક્રિકેટ વર્લ્ડમાં આ અગાઉ પણ આવા કિસ્સાઓ જોવા મળ્યા છે. IPL 2026 ના ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થયેલા અત્યાચારોને પગલે ભારતમાં ભારે વિરોધ પ્રદર્શન થયા હતા. અંતે BCCI ના હસ્તક્ષેપ બાદ KKR એ મુસ્તફિઝુરને રિલીઝ કરવો પડ્યો હતો. હવે અબરાર અહમદના કિસ્સામાં પણ ભારતીય ફેન્સ એ જ પ્રકારે આકરા તેવર બતાવી રહ્યા છે.




















