Home Entertainment Kapil Sharma Amritsar House Firing News May 2026

અમૃતસરમાં Kapil Sharmaના ઘરની બહાર ફાયરિંગ : પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા

કપિલ શર્માના દ્રશ્યો
Image Credit: Instagram
Published by: Chintan Chavda
Last Updated: May 25, 2026, 11:34 AM IST

પંજાબના અમૃતસર શહેરમાં સોમવારે વહેલી સવારે જાણીતા કોમેડિયન અને અભિનેતા Kapil Sharma ના નિવાસસ્થાન બહાર ફાયરિંગની ઘટના સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, અમૃતસરના પોશ હોલી સિટી વિસ્તારમાં આવેલા ઘરની બહાર અજાણ્યા હુમલાખોરોએ બાઇક પર આવીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે ઘર તથા આસપાસના VIP મકાનોની બહાર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ કબજે કર્યા છે. હુમલાખોરો કઈ દિશાથી આવ્યા અને ઘટનાના બાદ કઈ તરફ ભાગ્યા તેની તપાસ હાલ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરોની ઓળખ અને ઘટનાનો હેતુ જાણવા માટે ટેકનિકલ સર્વેલન્સ, લોકલ ઇનપુટ અને આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.

મહત્વની વાત એ છે કે ઘટના સમયે Kapil Sharma મુંબઈમાં પરિવાર સાથે હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં તે સમયે કોણ હાજર હતું અને ફાયરિંગથી કોઈ નુકસાન થયું કે નહીં તેની માહિતી પોલીસે એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: Instagram પરથી અચાનક ગાયબ થયા સલમાન ખાન! : સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો, શું છે આ પાછળનું કારણ?

પોલીસે અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી

અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે ઘટનાને ગંભીર ગણાવીને જણાવ્યું કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો બિનપુષ્ટ માહિતી ફેલાવી રહ્યા છે. પોલીસ ટૂંક સમયમાં સત્તાવાર વીડિયો નિવેદન જાહેર કરશે અને લોકો માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે તેવી અપીલ કરવામાં આવી છે.

તપાસ એંગલમાં માત્ર સ્થાનિક દુશ્મનાવટ અથવા ધમકી નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કેનેડામાં આવેલા Kap's Cafe પર અગાઉ થયેલા હુમલાઓના સંદર્ભમાં આ ઘટનાની પણ તપાસ થઈ રહી છે.

આ પણ વાંચો: Prime Video ની 5 પાવરફુલ સીરીઝ જે દરેક એપિસોડમાં આપશે જોરદાર સરપ્રાઈઝ! : સસ્પેન્સ, એક્શન અને ચોંકાવનારા ટ્વિસ્ટ્સ જોઈને ફાટી જશે આંખો!

કેનેડાના ‘Kap’s Cafe’ પર અગાઉ પણ થઈ ચૂક્યા છે હુમલા

કેનેડાના સરે શહેરમાં આવેલા Kap's Cafe પર છેલ્લા એક વર્ષમાં અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે. 2025માં કેફે શરૂ થયા બાદ થોડા જ સમયમાં ગોળીબાર થયો હતો, જેમાં ખાલિસ્તાની સમર્થક તત્વો અને ગેંગસ્ટર નેટવર્કના નામ ચર્ચામાં આવ્યા હતા. કેટલાક કેસોમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જવાબદારીનો દાવો પણ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં મે 2026માં પણ કેનેડાના સરે શહેરમાં આવેલા કેફેની બાજુમાં ફાયરિંગની ઘટના બની હતી. સ્થાનિક અહેવાલો મુજબ, આ ઘટનાની જવાબદારી લેતાં કેટલાક ગેંગ સંકળાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે Kapil Sharmaને ધમકીભર્યા સંદેશાઓ આપ્યા હતા. જોકે, સત્તાવાર રીતે આ દાવાઓની પુષ્ટિ કરવામાં આવી નથી.

આથી હવે અમૃતસરમાં બનેલી તાજી ઘટનામાં પણ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું કોઈ જૂના ધમકી કેસ, ખંડણી રેકેટ અથવા આંતરરાષ્ટ્રીય ગેંગ નેટવર્ક સાથે તેનો સંબંધ હોઈ શકે.

હાલ સુધી કોઈ જાનહાનિ કે ઇજા અંગે માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. હુમલાખોરો સુધી પહોંચવા માટે CCTV, મોબાઇલ લોકેશન અને અન્ય ટેક્નિકલ પુરાવાઓની મદદ લેવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now