હસ્તરેખા શાસ્ત્ર મુજબ મનુષ્યની હથેળીમાં પ્રત્યેક ગ્રહ માટે ચોક્કસ સ્થાન નિર્ધારિત કરવામાં આવ્યા છે જે વ્યક્તિના જીવનની મહત્વની ઘટનાઓ વિશે સંકેત આપે છે. જે રીતે જન્મકુંડળીમાં ગ્રહોની ચાલ આપણા નસીબ પર અસર કરે છે તેવી જ રીતે હાથની રેખાઓ અને પર્વતો પણ અનેક રહસ્યો ઉજાગર કરે છે. હથેળીમાં તર્જની આંગળીની નીચે અને મંગળ પર્વતની બરાબર ઉપર સ્થિત ક્ષેત્રને બૃહસ્પતિ એટલે કે ગુરુ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહ ખાસ કરીને બુદ્ધિ, શિક્ષણ, સત્તા, ભાગ્ય અને નેતૃત્વ ક્ષમતાનો કારક મનાય છે. ગુરુ પર્વતની સ્થિતિનું વિશ્લેષણ કરીને કોઈ પણ વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવ વિશે ઊંડાણપૂર્વક જાણી શકાય છે.
જે વ્યક્તિના હાથમાં ગુરુ પર્વત સુવિકસિત અને ઉપસેલો હોય છે તેમનામાં દિવ્ય ગુણોનો વાસ હોવાની માન્યતા છે. આવા લોકો માત્ર પોતાની પ્રગતિ નથી કરતા પરંતુ અન્ય લોકોને પણ આગળ વધવામાં મદદરૂપ બને છે. ન્યાયપ્રિયતા અને આપેલા વચનોનું પાલન કરવું તે તેમનો મુખ્ય સ્વભાવ હોય છે. કરિયરની દ્રષ્ટિએ જોઈએ તો આવા જાતકો ન્યાયતંત્રમાં ઉચ્ચ પદ અથવા વહીવટી ક્ષેત્રમાં ટોચના અધિકારી તરીકે સ્થાન પ્રાપ્ત કરે છે. ગમે તેવી વિષમ પરિસ્થિતિઓમાં પણ તેઓ હિંમત હાર્યા વગર લડવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે જ ધાર્મિક કાર્યોમાં તેમની વિશેષ રુચિ હોય છે અને તેઓ હંમેશા પોતાના સ્વાભિમાનને પ્રાધાન્ય આપે છે.
જો કોઈ વ્યક્તિની હથેળીમાં ગુરુ પર્વત થોડો ઓછો વિકસિત હોય તો પણ તેઓ સ્વભાવે ખૂબ જ મિલનસાર અને હસમુખ હોય છે. આવા જાતકોમાં દયા અને પરોપકારની ભાવના કૂટી કૂટીને ભરેલી હોય છે. તેમને નાણાકીય લાભ કરતા સામાજિક પ્રતિષ્ઠા અને યશ મેળવવામાં વધુ રસ હોય છે. સ્વતંત્ર વિચારધારા અને નેતૃત્વ કરવાના ગુણોને લીધે તેઓ કાર્યક્ષેત્રમાં માન સન્માન મેળવે છે. શારીરિક રીતે તેઓ તંદુરસ્ત રહે છે અને તેમની લવ લાઈફમાં પણ હંમેશા મધુરતા જળવાઈ રહે છે.
હસ્તરેખા વિજ્ઞાનના અન્ય પાસાં પર નજર કરીએ તો જો ગુરુ પર્વતનો ઝુકાવ શનિ પર્વત તરફ હોય તો તે વ્યક્તિ સતત કામમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે. આવા લોકો ગંભીર પ્રકૃતિના હોય છે અને સતત ચિંતન કરતા રહે છે. જોકે ઘણીવાર અપેક્ષા મુજબ સફળતા ન મળવાને કારણે તેઓ નિરાશાનો અનુભવ પણ કરી શકે છે. જો ગુરુ પર્વત નીચેની તરફ નમેલો હોય તો પ્રતિષ્ઠાને હાની પહોંચવાની સંભાવના રહે છે પરંતુ સાહિત્યના ક્ષેત્રમાં તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. આ સામાન્ય રીતે જોવા મળે છે કે જેમના હાથમાં ગુરુ પર્વત સંતુલિત હોય છે તેમના લગ્ન જલ્દી થઈ જાય છે અને તેમનું લગ્નજીવન પણ ખૂબ જ સુખી રહે છે.




















