Jana Nayagan: થલપતિ વિજયના ચાહકો માટે લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ 'જના નાયકન' અંગે આખરે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ફિલ્મની રિલીઝ તારીખને લઈને છેલ્લા ઘણા અઠવાડિયાથી વિવિધ અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે નિર્માતાઓએ નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાં જાહેરાત કરી છે કે 'જના નાયકન' 23 જુલાઈ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. પોસ્ટર સાથે લખવામાં આવ્યું હતું, "Jana Nayagan – From July 23." આ સત્તાવાર જાહેરાત બાદ ફિલ્મની રિલીઝ અંગેની તમામ અટકળોનો અંત આવ્યો છે.
લાંબી રાહ બાદ ચાહકોમાં ઉત્સાહ
થલપતિ વિજયની આ ફિલ્મની જાહેરાત થયા બાદથી જ ચાહકો આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાથી ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. હવે તારીખ જાહેર થતાં ચાહકો રાહત અનુભવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક ચાહકોએ ખુશી વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું, "આખરે રાહ પૂરી થઈ, હવે 23 જુલાઈની રાહ છે." અન્ય એક ચાહકે લખ્યું, "23 જુલાઈએ બોક્સ ઓફિસ પર થલપતિ વિજયનો જલવો જોવા મળશે." કેટલાક ચાહકોએ આ ફિલ્મને વિજયની રાજકીય સફર પહેલાંની છેલ્લી ફિલ્મ ગણાવી તેને લઈને ભાવુક પ્રતિક્રિયાઓ પણ વ્યક્ત કરી.
ફિલ્મને લઈને વધી રહી છે અપેક્ષા
'જના નાયકન' થલપતિ વિજયની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે. એક્શન અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મને લઈને શરૂઆતથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મનું દરેક અપડેટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બનતું રહ્યું છે અને હવે રિલીઝ ડેટ જાહેર થતાં તેની ચર્ચા વધુ તેજ બની છે. ટ્રેડ વર્તુળોનું માનવું છે કે ફિલ્મની એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ તેને સારો પ્રતિસાદ મળી શકે છે. જોકે બોક્સ ઓફિસ પર ફિલ્મ કેવો દેખાવ કરશે તેનો અંદાજ રિલીઝ બાદ જ આવશે.
આ પણ વાંચો: ટીવીના સુપરહિટ શો 'Kumkum'ના 24 વર્ષ પૂર્ણ : જુહી પરમારે શેર કર્યો ભાવુક વીડિયો, ચાહકોનો માન્યો દિલથી આભાર
જેશન સંજયની 'સિગ્મા' પણ ચર્ચામાં
'જના નાયકન'ની રિલીઝ તારીખ જાહેર થતાં જ થલપતિ વિજયના પુત્ર જેશન સંજયની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ 'સિગ્મા' પણ ચર્ચામાં આવી ગઈ છે. ઉપલબ્ધ માહિતી મુજબ 'સિગ્મા' 31 જુલાઈ 2026ના રોજ રિલીઝ થવાની છે. એટલે કે બંને ફિલ્મોની રિલીઝ વચ્ચે માત્ર એક અઠવાડિયાનું અંતર રહેશે. આ પરિસ્થિતિમાં ફિલ્મપ્રેમીઓમાં ચર્ચા શરૂ થઈ છે કે શું જેશન સંજયની ફિલ્મ નક્કી કરેલી તારીખે જ આવશે કે પછી બોક્સ ઓફિસ પર સીધી ટક્કર ટાળવા માટે તેની રિલીઝમાં ફેરફાર કરવામાં આવશે. જોકે આ અંગે નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.





