મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે કે આગામી 30 દિવસમાં હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતાં કોમર્શિયલ જહાજોની સંખ્યા ફરી યુદ્ધ પહેલાંના સ્તર સુધી પહોંચી શકે છે. આ નિવેદનને વૈશ્વિક સ્તરે મોટી રાહતના સમાચાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઈરાનની મડિયા એજન્સીના અહેવાલ મુજબ, હોર્મુઝ જળમાર્ગને લઈને પ્રાથમિક સ્તરે એક સમજૂતી ઉભી થતી દેખાઈ રહી છે. જોકે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેનો અર્થ એ નથી કે હોર્મુઝની પરિસ્થિતિ સંપૂર્ણપણે યુદ્ધ પહેલાં જેવી બની જશે. હાલ ચર્ચા માત્ર વ્યાપારી જહાજોની અવરજવર ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહી હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: આફ્રિકામાં ફેલાતા ઇબોલા સંકટ વચ્ચે ભારતે મોકલી તાત્કાલિક મેડિકલ મદદ : એસ. જયશંકરની જાહેરાત
વિશ્વ માટે જીવનરેખા સમાન છે હોર્મુઝ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંનો એક છે. વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસનું પરિવહન આ જળમાર્ગ મારફતે થાય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈરાન અને પશ્ચિમ દેશો વચ્ચે વધેલા તણાવ તથા સૈન્ય અથડામણો બાદ આ માર્ગ પરથી પસાર થતાં જહાજોની સંખ્યા ઘટી ગઈ હતી.
તેના કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી હતી અને ઘણા દેશોમાં ઇંધણના ભાવ તથા સપ્લાય ચેઇન પર દબાણ વધ્યું હતું. શિપિંગ કંપનીઓ અને તેલ વેપારીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વધી હતી, જેના કારણે ઘણા જહાજો લાંબા અને ખર્ચાળ વિકલ્પ માર્ગો અપનાવી રહ્યા હતા.
ઈરાનના નિવેદન બાદ હવે વૈશ્વિક બજારોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે કે આગામી સમયમાં ઊર્જા સપ્લાય વધુ સ્થિર બની શકે છે.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન યુદ્ધ પૂર્ણ? : હોર્મુઝ જળમાર્ગ ખોલવા અને યુરેનિયમ સ્ટોક છોડવા ઈરાન તૈયાર હોવાનો દાવો
ટ્રમ્પે પણ કરાર નજીક હોવાનો કર્યો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે અમેરિકા, ઈરાન અને પશ્ચિમ એશિયાના કેટલાક દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી લગભગ તૈયાર થઈ ગઈ છે.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ સંભવિત કરારમાં હોર્મુઝ જળમાર્ગને ફરી ખુલ્લો કરવાની બાબત પણ સામેલ છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
બીજી તરફ ઈરાને પશ્ચિમ મીડિયામાં ચાલી રહેલા તેવા દાવાઓને નકારી કાઢ્યા છે કે હોર્મુઝ સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહ્યો છે. ઈરાનનું કહેવું છે કે હાલની સમજૂતી મર્યાદિત દાયરાની છે અને સુરક્ષા સ્થિતિ હજુ પણ સંવેદનશીલ છે.
પાકિસ્તાન અને બ્રિટનના નિવેદનો પણ આવ્યા સામે
પાકિસ્તાનના વડાપ્રધાન Shehbaz Sharifએ જણાવ્યું કે પાકિસ્તાને ઈરાનના નેતાઓ સાથે ચર્ચા કરી છે અને અમેરિકા-ઈરાન વચ્ચે આગામી વાટાઘાટો જલદી થવાની શક્યતા છે.
બ્રિટનના વડાપ્રધાન Keir Starmerએ પણ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે યુદ્ધ સમાપ્ત થાય અને હોર્મુઝ સંપૂર્ણપણે ફરી ખુલ્લો થાય તે માટે સ્થિર સમજૂતી જરૂરી છે.
આ પણ વાંચો: વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ કરનાર પહેલાં પણ 2 વખત કરી ચૂક્યો છે પ્રયાસ : પોતાને 'ભગવાન' અને 'બિન લાદેન' કહે છે
ભારત માટે કેમ મહત્વનું છે?
હોર્મુઝ જળમાર્ગ ભારત માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકાથી વધુ કાચું તેલ આયાત કરે છે અને તેનો મોટો હિસ્સો આ જ માર્ગથી આવે છે.
યુદ્ધ અને તણાવના કારણે જહાજોને લાંબા રૂટ અપનાવવા પડી રહ્યા હતા, જેના કારણે પરિવહન ખર્ચ અને વીમા ખર્ચમાં વધારો થયો હતો. જો હોર્મુઝ ફરી સુરક્ષિત અને સ્થિર બને તો ભારત માટે આયાત ખર્ચમાં ઘટાડો થઈ શકે છે અને તેલ પુરવઠામાં સ્થિરતા આવી શકે છે.





