ઈરાનમાં મોંઘવારીનો પાયમાલ: યુદ્ધની અસરો વચ્ચે લોકો હવે EMI પર રોટલી અને રાશન ખરીદવા મજબૂર
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ અને હુમલાઓની સીધી અસર હવે ઈરાનના સામાન્ય નાગરિકોના રસોડા પર જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે લોકો માટે રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ છે. રાજધાની તેહરાન સહિત દેશના અનેક મોટા શહેરોમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો હવે રોટલી, કરિયાણું અને સુપરમાર્કેટના પેકેજ પણ EMI (સરળ હપ્તા) પર ખરીદવા માટે મજબૂર બન્યા છે.
મોંઘવારીના કારણે લોકોના માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે અને પગાર મહિનાની અધવચ્ચે જ પૂરો થઈ જાય છે. દુકાનો પર ઉધાર સામાન લેવાના બીજા જ દિવસે ભાવ બમણા થઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં હવે બોમ્બ બ્લાસ્ટ કરતાં પણ વધુ ડર પોતાના ઘરના રસોડાનો લાગી રહ્યો છે.
યુદ્ધ બાદ આસમાને પહોંચ્યા ખાદ્ય પદાર્થોના ભાવ
યુદ્ધ અને આર્થિક પ્રતિબંધોના કારણે દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. જો આંકડાઓ પર નજર કરીએ તો, ઈરાનમાં કુકિંગ ઓઇલ (તેલ) ના ભાવમાં 430% અને ઇંડાની કિંમતોમાં 345% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. આ ઉપરાંત, રોજિંદા ખોરાકમાં મુખ્ય ગણાતા ચોખા 287% અને દૂધ 139% સુધી મોંઘા થઈ ગયા છે, જેને કારણે સામાન્ય પરિવારો માટે બે ટંકનું ભોજન મેળવવું પણ અતિ મુશ્કેલ બન્યું છે.
લાંબા સમય સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રહ્યા બાદ જ્યારે મે મહિનાના અંતમાં સેવાઓ પુનઃસ્થાપિત થઈ, ત્યારે સોશિયલ મીડિયા પર લોકોની દર્દનાક વાર્તાઓ સામે આવી હતી. હુમલાઓમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોવાની માહિતી ઇન્ટરનેટ શરૂ થયા બાદ જ મળી શકી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પનો સૌથી મોટો દાવો | ઇરાને પરમાણુ હથિયારો પર 'સરેન્ડર' કર્યું, શું હવે થશે મોટી ડીલ? | Offbeat Stories
હોસ્પિટલો અને ફાર્મસીઓમાં દવાઓની ભારે અછત
આ યુદ્ધની વિપરીત અસર ઈરાનના મેડિકલ સેક્ટર પર પણ પડી છે. ઇઝરાયેલી હુમલાઓથી પેટ્રોકેમિકલ ઉદ્યોગ પ્રભાવિત થતાં અને કાચા માલની અછતને કારણે અનેક ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. પરિણામે, ફાર્મસીઓમાં દવાઓ પણ હવે રાશનની જેમ મર્યાદિત માત્રામાં આપવામાં આવી રહી છે. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે ડોક્ટરોને માત્ર અતિ આવશ્યક દવાઓ જ પ્રિસ્ક્રિપ્શનમાં લખવાની સૂચના આપી છે. ખાસ કરીને હિમોફીલિયા (રક્તસ્ત્રાવ સંબંધિત બીમારી) જેવા ગંભીર રોગોથી પીડિત દર્દીઓ માટે જરૂરી દવાઓનો સ્ટોક હવે દેશમાં બચ્યો નથી અને નવી આયાત પણ મુશ્કેલ બની છે.
લાંબા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે ઈરાન
ઈરાન માટે આ આર્થિક સંકટ નવું નથી. અગાઉ December 2025 માં પણ દેશની કરન્સી 'રિયાલ' ડોલરની સરખામણીમાં રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. તે સમયે તેહરાનના ગ્રાન્ડ બજાર, ઇસ્ફહાન, શિરાઝ અને મશહદ જેવા મોટા શહેરોમાં હજારો વેપારીઓ અને નાગરિકો મોંઘવારી સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આંકડા શું કહે છે: December 2025 ના સરકારી આંકડા મુજબ દેશમાં સામાન્ય મોંઘવારી દર 42% થી વધુ હતો, જ્યારે ખાદ્ય પદાર્થોની કિંમતોમાં 70% થી વધુનો વધારો ઝીંકાયો હતો. આ વ્યાપક વિરોધ પ્રદર્શનોને કારણે ઈરાનની સેન્ટ્રલ બેંકના પ્રમુખ મોહમ્મદ રઝા ફરઝીને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
હવે ઈરાનના શાસન વિરોધી નાગરિકો અને વિશ્લેષકો પણ સ્વીકારી રહ્યા છે કે યુદ્ધથી કોઈ પરિવર્તન આવવાનું નથી. દેશને સંપૂર્ણપણે બરબાદ થતો બચાવવા માટે અન્ય દેશો સાથે રાજદ્વારી વાતચીત જ હવે છેલ્લો રસ્તો બચ્યો છે.






