દેશની સૌથી મોટી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની Indian Oil Corporation (IOC)એ દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઇંધણની કોઈ વ્યાપક કમી નથી. કંપનીએ જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં થોડાક પેટ્રોલ પંપ પર ઇંધણની અછત જેવી સ્થિતિ સર્જાઈ છે, પરંતુ તે સંપૂર્ણપણે સ્થાનિક અને તાત્કાલિક પ્રકારની છે.
IOC એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે કેટલીક જગ્યાએ ડીઝલ અને પેટ્રોલની માંગ અચાનક વધી જતાં સ્થાનિક સ્તરે પુરવઠા પર દબાણ સર્જાયું હતું. જોકે દેશભરમાં IOC અને અન્ય સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ પાસે પૂરતો ઇંધણ જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે.
કેમ વધી માંગ?
કંપની અનુસાર હાલ ખેતીની કાપણી સીઝન ચાલતી હોવાથી ડીઝલની માંગમાં મોસમી વધારો થયો છે. ખેતી સંબંધિત વાહનો અને મશીનરીમાં ડીઝલનો વધુ ઉપયોગ થવાથી કેટલાક વિસ્તારોમાં વપરાશ સામાન્ય કરતાં વધારે નોંધાયો છે.
IOCએ વધુમાં જણાવ્યું કે ખાનગી પેટ્રોલ પંપોની સરખામણીએ સરકારી કંપનીઓના પંપ પર ભાવ ઓછા હોવાના કારણે ઘણા ગ્રાહકો સરકારી પંપ તરફ વળી રહ્યા છે. તેના કારણે કેટલીક જગ્યાએ સરકારી પંપ પર વધુ ભીડ જોવા મળી રહી છે.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થતા થોક ઇંધણના ભાવમાં પણ ફેરફાર થયો છે, જેના કારણે સંસ્થાગત ખરીદીમાં વધારો થયો હોવાનું કંપનીએ જણાવ્યું છે.
આ પણ વાંચો: 119 કરોડના બેંક કૌભાંડમાં ત્રાટક્યું CBI! : અમદાવાદ સહિત 7 સ્થળોએ દરોડા, અનેક મહત્વના અને શંકાસ્પદ દસ્તાવેજો
પેટ્રોલ અને ડીઝલ વેચાણમાં મોટો વધારો
IOCના જણાવ્યા અનુસાર 1 મે થી 22 મે વચ્ચે પેટ્રોલના વેચાણમાં વર્ષદર વર્ષની સરખામણીએ 14 ટકા વધારો નોંધાયો છે. જ્યારે ડીઝલનું વેચાણ લગભગ 18 ટકા વધ્યું છે. કંપનીએ કહ્યું કે માંગમાં સતત અને નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, છતાં કંપની દેશભરમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરી રહી છે.
કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દેશવ્યાપી ઇંધણ સંકટ જેવી કોઈ સ્થિતિ નથી. કેટલાક રિટેલ આઉટલેટ્સ પર દેખાતી સમસ્યા માત્ર સ્થાનિક માંગ અને પુરવઠાના તાત્કાલિક અસંતુલનના કારણે છે.
42 હજારથી વધુ પેટ્રોલ પંપ પર પુરવઠો સામાન્ય
IOCના જણાવ્યા મુજબ દેશભરમાં તેના 42,000થી વધુ પેટ્રોલ પંપોના નેટવર્કમાં બહુ ઓછી જગ્યાઓએ જ પુરવઠા સંબંધિત વિક્ષેપ નોંધાયો છે. મોટાભાગના પેટ્રોલ પંપ પર ઇંધણનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે અને સપ્લાય સામાન્ય રીતે ચાલુ છે.
કંપનીએ જણાવ્યું કે સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જ્યાં જ્યાં સ્થાનિક સ્તરે અછત જેવી સ્થિતિ સર્જાઈ રહી છે ત્યાં વધારાની સપ્લાય મોકલવામાં આવી રહી છે. નિરંતર અને અવરોધરહિત ઇંધણ પુરવઠો જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી આગ! : 10 દિવસમાં જ ત્રીજી વાર વધ્યા ભાવ, પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘુ
પેનિક બાયિંગથી દૂર રહેવા અપીલ
IOCએ ગ્રાહકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાઈને વધારાનું ઇંધણ ભરાવવાનું ટાળવા અપીલ કરી છે. કંપનીએ જણાવ્યું કે પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી.
ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોના મતે, કેટલીકવાર સ્થાનિક સ્તરે માંગ અચાનક વધી જાય અથવા ગ્રાહકોમાં અફવાઓ ફેલાય ત્યારે ટૂંકા ગાળાની અછત જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. પરંતુ તે દેશવ્યાપી સંકટનું સંકેત નથી.
હાલ IOC સહિતની સરકારી કંપનીઓએ ખાતરી આપી છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સામાન્ય અને પૂરતો છે.





