Home National India Nuclear Weapons Increase Sipri Report

ભારતની પરમાણુ શક્તિમાં વધારો : હથિયારોનો આંકડો 190 પર પહોંચ્યો

Increase in India's nuclear power
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 09, 2026, 04:38 AM IST

વ્યૂહાત્મક મજબૂતી: ભારતનો પરમાણુ ભંડાર વધીને 190 થયો, પ્રથમ વખત ઓપરેશનલ મોરચે હથિયારો તૈનાત

ગ્લોબલ સિક્યોરિટી અને સૈન્ય હથિયારો પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા 'સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (SIPRI) ના તાજેતરના અહેવાલમાં ભારતની સૈન્ય તાકાતને લઈને મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર ભારતનો પરમાણુ હથિયારોનો ભંડાર 180 થી વધીને હવે 190 પર પહોંચી ગયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારતે ઇતિહાસમાં પ્રથમ વખત પોતાના 12 પરમાણુ હથિયારોને ઓપરેશનલ મોરચે (તૈનાત સ્થિતિમાં) રાખ્યા છે.

આ સાથે જ, વર્ષ 2025 માં ભારતનો કુલ સૈન્ય ખર્ચ USD 92.1 Billion રહ્યો છે, જે તેને સંરક્ષણ પાછળ સૌથી વધુ ખર્ચ કરનારો વિશ્વનો 5 મો સૌથી મોટો દેશ બનાવે છે. અગાઉ વર્ષ 2025 માં ભારતે એક પણ પરમાણુ વોરહેડ તૈનાત સ્થિતિમાં રાખ્યો ન હતો, પરંતુ 2026 ની શરૂઆતથી વ્યૂહાત્મક સુરક્ષાને ધ્યાનમાં રાખીને 12 હથિયારો તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ, પાકિસ્તાનના પરમાણુ ભંડારમાં કોઈ વધારો થયો નથી અને તે 170 પર સ્થિર છે.

ચીન અને પાકિસ્તાન બંને મોરચે સંતુલન પર ભાર

SIPRI ના અહેવાલ મુજબ, ભારત હાલમાં લાંબા અંતરના ઘાતક હથિયારો વિકસાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેથી કરીને જરૂર પડ્યે સમગ્ર ચીન સુધી પહોંચી શકાય. ભારત એકસાથે ચીન અને પાકિસ્તાન એમ બંને સરહદો પર સંતુલિત અને મજબૂત વ્યૂહાત્મક ક્ષમતા જાળવી રાખવા માંગે છે.

આ માટે ભારત નવી પરમાણુ ડિલિવરી સિસ્ટમ્સ (હથિયાર લઈ જવાના માધ્યમો) પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે. જેમાં સૌથી અગત્યની MIRV (મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ) ટેકનોલોજી છે. આ ટેકનોલોજીની મદદથી એક જ બેલિસ્ટિક મિસાઈલ અલગ-અલગ લોકેશન પર રહેલા અનેક લક્ષ્યોને એકસાથે નિશાન બનાવી શકે છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની એક ભૂલે દિલ્હી એરપોર્ટ પર મચાવ્યો હાહાકાર! | પાર્ક કરેલા એર ઇન્ડિયાના વિમાનોને કરોડોનું નુકસાન | Offbeat Stories

સમુદ્રમાં 'સેકન્ડ સ્ટ્રાઈક' ક્ષમતા થઈ મજબૂત

ભારતની દરિયાઈ પરમાણુ તાકાતને પણ રિપોર્ટમાં ખૂબ જ મહત્વની ગણાવવામાં આવી છે. ભારતની સ્વદેશી પરમાણુ સબમરીન, ખાસ કરીને INS અરિહંત, હવે દેશની “સેકન્ડ સ્ટ્રાઈક ક્ષમતા” (દુશ્મનના પહેલા પરમાણુ હુમલા બાદ વળતો જવાબ આપવાની ક્ષમતા) નો મુખ્ય આધાર બની ગઈ છે. સંસ્થાનો અંદાજ છે કે ભારત હવે શાંતિના સમયમાં પણ મર્યાદિત સંખ્યામાં પરમાણુ હથિયારોને પોતાની બેલિસ્ટિક મિસાઈલ સબમરીન પર લોડ રાખવા લાગ્યું છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું પગલું છે.

વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારોની સ્થિતિ

SIPRI યરબુક 2026 અનુસાર, સમગ્ર વિશ્વ અત્યારે એક નવી પરમાણુ સ્પર્ધાના યુગ તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકા, રશિયા અને ચીન સહિતના તમામ પરમાણુ સંપન્ન દેશો પોતાની સિસ્ટમને આધુનિક બનાવી રહ્યા છે.

વૈશ્વિક આંકડા: વર્ષ 2026 ની શરૂઆતમાં દુનિયાના 9 દેશો (અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલ) પાસે મળીને કુલ 12187 પરમાણુ વોરહેડ છે. જેમાંથી 9745 વોરહેડ મિલિટરીના સક્રિય ભંડારમાં છે, જે ઉપયોગ માટે બિલકુલ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવ્યા છે.

જ્યારે મોટાભાગના દેશો હથિયારો વધારી રહ્યા છે, ત્યારે માત્ર ત્રણ દેશો – અમેરિકા (1342 વોરહેડ), રશિયા (1020 વોરહેડ) અને ફ્રાન્સ (80 વોરહેડ) એ પોતાના કેટલાક જૂના પરમાણુ હથિયારોને નિવૃત્ત (કાફલામાંથી બહાર) કર્યા છે. ઇઝરાયલ પાસે 90 પરમાણુ હથિયારોનો જથ્થો છે, જેમાં કોઈ ફેરફાર થયો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now