Home Religion How Many Times Should One Circumambulate Holika Dahan 2025 These 5 Mistakes In Worship Can Be Costly Know The Auspicious Time

Holika Dahan 2026 : હોલિકા દહન સમયે કેટલી વાર પ્રદક્ષિણા કરવી જોઈએ? પૂજામાં આ 5 ભૂલો ભારે પડી શકે છે, જાણો શુભ મુહૂર્ત

Holika Dahan 2026
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 11:05 AM IST

હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. ફાગણ સુદ પૂનમના દિવસે કરવામાં આવતું હોલિકા દહન માત્ર એક પરંપરા નથી, પરંતુ તે 'સત્ય પર અસત્યના વિજય'નું પ્રતીક છે. ભક્ત પ્રહલાદની અતૂટ શ્રદ્ધા અને ભગવાન વિષ્ણુની કૃપાની યાદમાં ઉજવાતા આ પર્વ પર લોકો પોતાના પરિવારની સુખ-શાંતિ માટે અગ્નિ દેવની પૂજા કરે છે. માન્યતા છે કે જો વિધિ-વિધાન અને સાચી રીતે હોલિકા પૂજન કરવામાં આવે તો જીવનમાંથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

જોકે, શાસ્ત્રોમાં હોલિકા દહનને લઈને કેટલાક કડક નિયમો જણાવવામાં આવ્યા છે. ઘણીવાર અજાણતા આપણે નાની ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. આ વર્ષે 2 માર્ચના રોજ હોલિકા દહન ઉજવાશે, પરંતુ ભદ્રાકાળની હાજરી હોવાથી પૂજાના સમય અને પદ્ધતિમાં સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. જો તમે પણ આ વર્ષે પરિવાર સાથે હોળી પૂજન કરવા જઈ રહ્યા છો, તો પ્રદક્ષિણાથી લઈને વસ્ત્રો સુધીના આ 5 મહત્ત્વના નિયમો અવશ્ય જાણી લો.

1. પ્રદક્ષિણાની સંખ્યા અને અર્પણનું મહત્વ

હોલિકા દહનની પૂજામાં પ્રદક્ષિણાનું સૌથી વધુ મહત્વ છે. અગ્નિ પ્રગટાવતા પહેલા કાચા દોરા અથવા કલાવા (નાડાછડી) લઈને હોલિકાની 5 થી 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. પ્રદક્ષિણા દરમિયાન મનમાં ઈષ્ટદેવનું સ્મરણ કરવું. ત્યારબાદ અગ્નિમાં જવ, ચોખા કે ચણા અર્પણ કરવા જોઈએ. ખેતરમાં તૈયાર થયેલા નવા પાક (હોળા) ને અગ્નિમાં શેકીને પ્રસાદ તરીકે ઘરે લાવવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી રહેતી નથી.

2. પૂજા દરમિયાન વસ્ત્રોની પસંદગી

હોલિકા દહન જેવી પવિત્ર વિધિમાં વસ્ત્રોના રંગનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે સફેદ, પીળા કે લાલ રંગના કપડાં પહેરવા સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કાળા રંગના કપડાં કે ચામડાની વસ્તુઓ (જેમ કે બેલ્ટ કે પાકીટ) પહેરીને પૂજામાં ન બેસવું જોઈએ, કારણ કે તેને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. મહિલાઓએ પણ વધુ પડતા ચમકીલા કે ડાર્ક રંગો ટાળવા જોઈએ.

3. અગ્નિની પવિત્ર રાખ અને સ્નાન

ઘણા લોકો હોલિકા દહન કરીને તરત જ ઘરે પરત ફરે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ અગ્નિ પાસે થોડો સમય રોકાવું જોઈએ અને તેના તાપનો સ્વીકાર કરવો જોઈએ. માનવામાં આવે છે કે આનાથી શરીરની આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. બીજા દિવસે સવારે હોલિકાની પવિત્ર રાખ (ભસ્મ) ઘરે લાવીને તેનો તિલક કરવો જોઈએ અને ઘરના ખૂણે-ખૂણે છાંટવી જોઈએ, જેનાથી વાસ્તુદોષ દૂર થાય છે.

4. આહારમાં શુદ્ધતા અને સાત્વિકતા

હોલિકા દહનનો દિવસ આધ્યાત્મિક સાધનાનો દિવસ છે, તેથી આ દિવસે માંસ, મદિરા કે અન્ય તામસિક ખોરાકથી દૂર રહેવું જોઈએ. જે ઘરમાં આ દિવસે સાત્વિક ભોજન બને છે અને લોકો નશાથી દૂર રહે છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. સાત્વિક આહાર મનને શાંત રાખે છે અને પૂજામાં એકાગ્રતા લાવે છે.

5. મહિલાઓ માટે વિશેષ સૂચના

ધાર્મિક માન્યતાઓ મુજબ, હોલિકા દહન પૂજા દરમિયાન મહિલાઓએ પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. એવી માન્યતા છે કે, હોલિકા દહન સમયે નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે અને ખુલ્લા વાળ તેને જલ્દી આકર્ષિત કરી શકે છે. તેથી પૂજા વખતે વાળ વ્યવસ્થિત બાંધેલા રાખવા સલાહભર્યું છે.

હોલિકા દહન 2026: શુભ મુહૂર્ત અને ભદ્રાનો પ્રભાવ

દ્રિક પંચાંગ અનુસાર, આ વર્ષે 2 માર્ચ, 2026ના રોજ હોલિકા દહન કરવામાં આવશે.

  • શુભ મુહૂર્ત: સાંજે 6:22 થી રાત્રે 8:50 વાગ્યા સુધી.

  • ભદ્રા કાળ: 2 માર્ચે સાંજે 05:55 થી શરૂ થઈને 3 માર્ચની સવારે 04:28 સુધી રહેશે.

જ્યોતિષીઓના મતે, આ વખતે ભદ્રાનો વાસ પૃથ્વી લોક પર હોવાથી પ્રદોષ કાળ દરમિયાન કરવામાં આવેલી પૂજા જ શ્રેષ્ઠ ફળ આપશે. આ સમયે ગરીબોને દાન કરવું અને અન્નનું વિતરણ કરવું અત્યંત લાભદાયી નીવડશે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now