Home Gujarat Gujarati Youth Trapped In Russia Job Scam Anand Vadodara 2026

વિદેશમાં કમાવવાની ઘેલછામાં 20 જિંદગીના સપના નર્કમાં ફસાયા : મોસ્કોમાં ગુજરાતીઓ પર અત્યાચાર, બંધક બનાવી રૂમમાં તાળાં માર્યા, ખાવા-પીવા પણ નથી દેતા!

Gujarat Youth Russia
Published by: Viral Patel
Last Updated: Jun 09, 2026, 02:44 PM IST

Vadodara News: વિદેશ જઈને દર મહિને લાખો રૂપિયા કમાવવાની ઘેલછામાં આણંદ અને વડોદરાના ૨૦ જેટલા ગુજરાતી યુવક-યુવતીઓ રશિયામાં એજન્ટોના પાપે નર્ક જેવી જિંદગી જીવવા મજબૂર બન્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એજન્ટ દ્વારા દર મહિને રૂ. ૧.૫૦ લાખના માતબર પગારની લાલચ આપીને આ નિર્દોષ લોકોને મોસ્કો (રશિયા) મોકલવામાં આવ્યા હતા, જ્યાં હવે કંપની દ્વારા તેમનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું છે. ભોગ બનનારાઓએ વિડીયો જાહેર કરીને ભારત સરકાર પાસે વતન પરત લાવવા કરુણ અપીલ કરી છે.

આજવાની સપાટી 206 ફૂટે પહોંચતા પાલિકાનો મોટો નિર્ણય : નર્મદા નિગમ પાસેથી 1 મહિના માટે વધારાનું પાણી લેવાશે

કિયાના ઇન્ટરનેશનલ કંપનીના એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ

આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ પેટલાદનો એજન્ટ રિમ્પલ પટેલ અને તેની પત્ની છે. આણંદના DYSP જે.એન.પંચાલના જણાવ્યા મુજબ, ગત ૫ જૂન ૨૦૨૬ના રોજ શાકિર મિયાં મલેકે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રિમ્પલકુમાર અરવિંદ પટેલે કુલ ૩૩ વ્યક્તિઓ પાસેથી ફિશ પેકિંગ અને ટેલરિંગના કામના બહાને કુલ રૂ. ૭૮ લાખની માતબર રકમ વસૂલી હતી. જેમાંથી ૧૩ વ્યક્તિઓ અગાઉ નવેમ્બર ૨૦૨૫માં રશિયા ગયા હતા, પરંતુ છેતરપિંડી સમજાતાં તેઓ પરત આવી ગયા હતા. ત્યાર બાદ ૨૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ બીજા લોટમાં ૨૦ વ્યક્તિઓને રશિયા મોકલાયા હતા, જેઓ હાલ ત્યાં બંધક છે. આ મામલે પોલીસે એજન્ટ રિમ્પલ પટેલની ધરપકડ કરી લીધી છે.

રૂમમાં પૂરીને ગેટ પર તાળું માર્યું, ૫૦૦ ડોલરની ખંડણી માંગવામાં આવી

વડોદરાથી રશિયા ગયેલી શીતલ મેવાડાએ વિડીયોમાં પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું કે, અમારી પાસેથી રૂ. ૨.૧૦ લાખથી ૨.૫૦ લાખ વસૂલવામાં આવ્યા હતા. અહીં આવ્યા પછી રૂમનું હીટર અને ગરમ પાણી બંધ કરી દેવાયું છે. દર મહિને દોઢ લાખના વચનની સામે મહિલાઓને માત્ર રૂ. ૬,૦૦૦ અને પુરુષોને રૂ. ૧૦,૦૦૦ પગાર અપાયો છે. હવે જો અમારે ભારત પરત જવું હોય તો કંપની દરેક વ્યક્તિ પાસે ૫૦૦ ડોલર (ખંડણી) અને વિમાનની ટિકિટનો ખર્ચ માંગી રહી છે. અમને રૂમમાં પૂરી રાખીને ગેટ પર તાળું મારી દેવાયું છે અને ખાવા-પીવાનું પણ અપાતું નથી. શીતલે વધુમાં જણાવ્યું કે ભારતમાં કેસ થતાં જ રશિયાની કંપની હવે તેઓને ત્યાં જેલમાં ધકેલવાની ધમકી આપી રહી છે અને મોસ્કો સ્થિત ભારતીય એમ્બેસી તરફથી પણ કોઈ ખાસ મદદ મળી નથી.

ગુજરાતની 14 હજારથી વધુ પંચાયતોને આત્મનિર્ભર બનાવવા અભિયાન તેજ : 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી

સાંસદ મિતેશ પટેલ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં

ભોગ બનનારના પરિવારોએ આણંદના સાંસદ મિતેશ પટેલને રજૂઆત કરી હતી. સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે, "પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં ૯ લોકોના પાસપોર્ટ મેળવી લેવાયા છે. આરોપી એજન્ટને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે, જેથી તે રશિયા ફોન કરીને ત્યાં ફસાયેલા તમામ લોકોના પાસપોર્ટ મુક્ત કરાવે અને સૌ હેમખેમ વતન પરત ફરી શકે." હાલ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) આ આંતરરાષ્ટ્રીય હ્યુમન ટ્રાફિકિંગ અને છેતરપિંડીના રેકેટની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now