Home Gujarat Gujarat News Updates Live 28 July 2026

Liveગુજરાતના આજના મહત્ત્વના સમાચાર Live 28 July 2026 : ગુજરાતમાં આકાશી આફતથી લઈને પ્લેનમાં ધુમાડાથી ઈમરજન્સી લેન્ડિંગ સુધી જાણો દરેક અપડેટ

Gujarat News Live
Image Credit: OBS Bureau
Published by: Chintan Chavda
Last Updated: Jul 28, 2026, 06:58 AM IST

Gujarat News Live Updates 28 July 2026: આજે 28 જુલાઈ 2026. ગુજરાતમાં આકાશી આફતથી લઈને પ્લેનમાં ધુમાડાથી ઈમરજન્સી લેન્ડિંગ સુધી જાણો દરેક અપડેટ...અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
12 મિનિટ પહેલા28 જુલાઈ 2026

ગુજરાતમાં વરસાદનો તીવ્ર રાઉન્ડ: 30 જુલાઈથી પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે કારણ કે રાજ્ય પર એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય બનતાં 30 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદનો વધુ એક તીવ્ર રાઉન્ડ શરૂ થઈ શકે છે. અપર એર સર્ક્યુલેશન, બે સક્રિય મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના સંયુક્ત પ્રભાવથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

35 મિનિટ પહેલા28 જુલાઈ 2026

સુરત: નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડ - 2.67 કરોડના સોનાના દાગીના ગાયબ, સંચાલક પિતા-પુત્રો સહિત 3 ઝડપાયા

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી 'નક્ષત્ર સેફ હાઉસ' નામની ખાનગી લોકર સુવિધા સંસ્થામાં ગ્રાહકોના અંદાજે ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ગાયબ થવાનું કરોડો રૂપિયાનું ચોરી કૌભાંડ સામે આવતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે, જેના પગલે અન્ય શાખાઓ પર પણ ગ્રાહકોની ભારે ભીડ ઉમટી હતી. આ પૂર્વઆયોજિત કાવતરામાં સંડોવાયેલા મુખ્ય સંચાલક મહેશ દિયોરા, તેના બે પુત્રો હર્ષ અને હરીકૃષ્ણ તેમજ લોકર તોડવામાં નિષ્ણાત મણીલાલ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે પિતા-પુત્રો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે.

35 મિનિટ પહેલા28 જુલાઈ 2026

વલસાડ: ભિલાડ સ્ટેશન પર વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ખડ્યું - મોટી દુર્ઘટના ટળી, મુંબઈ રૂટની ટ્રેનો મોડી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર આજે વહેલી સવારે વિરારથી ભરૂચ જતી મેમુ (MEMU) ટ્રેન ઊભી રહે તે પહેલાં જ તેનું એન્જિન અચાનક પાટા પરથી નીચે ઊતરી જતાં મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તેના કારણે મુંબઈ રૂટનો ટ્રેન વ્યવહાર ખોરવાતાં વંદે ભારત, શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી સહિતની અનેક ટ્રેનો મોડી પડી હતી, જેનાથી દૈનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બનાવની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમે સ્થળ પર પહોંચી એન્જિનને પુનઃ પાટા પર લાવવાની કવાયત હાથ ધરી હતી અને દુર્ઘટનાના કાયદેસરના કારણો જાણવા તપાસ શરૂ કરી છે.

49 મિનિટ પહેલા28 જુલાઈ 2026

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત: છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં નોંધાયો વરસાદ, પાવીજેતપુરમાં સવા બે ઈંચથી વધુ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેતા કુલ 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં 2.68 ઈંચ અને દાહોદ જિલ્લાના લીમખેડામાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અન્ય 10 તાલુકાઓમાં દોઢ ઈંચથી વધુ અને 15 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાતા રાજ્યના અનેક વિસ્તારોમાં ખેતી અને જળાશયો માટે રાહતરૂપ સ્થિતિ સર્જાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now