ગુજરાતના રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના રાજ્ય જનસંપર્ક કેન્દ્ર અને પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે નાગરિકોની રજૂઆતો, ફરિયાદોના પ્રકાર અને તેના નિકાલની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન ડીજીપી જી.એસ. મલિકે કેન્દ્ર ખાતે પોતાની રજૂઆત લઈને આવેલા નાગરિકો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને ફરિયાદો અંગે સીધો સંવાદ કર્યો હતો. તેમણે વિવિધ જિલ્લાઓમાંથી આવતી અરજીઓ અને ફરિયાદોના સ્વરૂપ અંગે પણ માહિતી મેળવી હતી.
જિલ્લા સ્તરે જ ઉકેલ મળશે તેવી વ્યવસ્થા પર ભાર
ડીજીપી જી.એસ. મલિકે જણાવ્યું હતું કે રાજ્ય જનસંપર્ક કેન્દ્રમાં કયા પ્રકારના પ્રશ્નો વધુ આવે છે અને કયા જિલ્લાઓમાંથી અરજદારોને ગાંધીનગર સુધી આવવું પડે છે તેની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે ગૃહ વિભાગનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નાગરિકોને નાના-મોટા પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગર સુધી આવવાની જરૂર ન પડે અને જિલ્લા કક્ષાએ જ તેમની ફરિયાદોનો સંતોષકારક નિકાલ થઈ શકે. આ માટે વધુ સક્ષમ અને અસરકારક વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નાગરિકોને સ્થાનિક સ્તરે જ ન્યાય અને યોગ્ય પ્રતિસાદ મળી રહે તે માટે પોલીસ તંત્રમાં જરૂરી સુધારાઓ અને સંકલન વધારવામાં આવશે.
ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે કામના સમાચાર!: 14 જૂન સુધી અનેક ટ્રેનો રદ, જાણો કયા રૂટ બદલાયા અને કઈ ટ્રેનો રહેશે કેન્સલ
રજૂઆતોનો ઝડપી અને પારદર્શી નિકાલ
ડીજીપીના જણાવ્યા મુજબ હાલ ગાંધીનગર ખાતે પ્રાપ્ત થતી તમામ રજૂઆતોને તાત્કાલિક સંબંધિત જિલ્લા અથવા જે-તે યુનિટને મોકલી આપવામાં આવે છે. જેથી અરજદારોને ઝડપી, પારદર્શી અને ન્યાયસંગત નિકાલ મળી શકે.
પોલીસ પ્રશાસન દ્વારા ફરિયાદોના અનુસરણ અને તેના પરિણામો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેથી નાગરિકોને વારંવાર રજૂઆતો કરવા માટે મજબૂર ન થવું પડે.જનસંપર્ક કાર્યાલય વિશ્વાસનો સેતુ
જી.એસ. મલિકે જણાવ્યું કે જનસંપર્ક કાર્યાલય માત્ર અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી, પરંતુ તે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનું મહત્વપૂર્ણ માધ્યમ છે. નાગરિકો અને પોલીસ વચ્ચેનો સીધો સંપર્ક વધુ મજબૂત બને તે માટે આવા કેન્દ્રોની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
તેમણે જણાવ્યું કે નાગરિક કેન્દ્રિત અભિગમને વધુ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં જિલ્લા કક્ષાએ પણ જનસંપર્ક વ્યવસ્થાને સશક્ત બનાવવામાં આવશે. જેથી સમગ્ર પોલીસ તંત્ર વધુ લોકભોગ્ય, લોકોપયોગી અને જવાબદાર બની શકે.
કચ્છના મુન્દ્રા પોર્ટમાં ₹17.83 કરોડના કોલસા કૌભાંડનો પર્દાફાશ: ચાર વેપારીઓ સામે ગુનો નોંધાયો
આ મુલાકાતને પોલીસ તંત્રમાં જનસંપર્ક અને ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટેના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.





