ગુજરાતમાં સાયબર ક્રાઈમ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાઓ સામેની લડતમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અને CID ક્રાઈમ દ્વારા સંયુક્ત કામગીરી દરમિયાન આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો, ડાર્ક વેબ ડ્રગ્સ નેટવર્ક અને મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા રૂ. 226 કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી રેકેટનો ભાંડો ફોડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હવે વધુ એક મુખ્ય આરોપી ગુલામઅલી ઇમ્તીયાઝઅહેમદ કુરેશીને ઝડપીને તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે.
ગુજરાત CID ક્રાઈમના વડા શિવાનંદ ઝાની માર્ગદર્શિકા હેઠળ ચાલી રહેલી આ તપાસમાં ટેકનિકલ એનાલિસિસ, બ્લોકચેઈન ટ્રેકિંગ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સમગ્ર નેટવર્કને ટ્રેસ કરવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ક્રિપ્ટોકરન્સી મારફતે “ડર્ટી ક્રિપ્ટો”ને USDTમાં કન્વર્ટ કરીને આતંકવાદી સંગઠનો સુધી ફંડ પહોંચાડતા હતા.
ડ્રગ્સ વેચાણથી શરૂ થયો ખુલાસો
તપાસની શરૂઆત ગેરકાયદેસર ઓનલાઈન નાર્કોટિક્સ વેબસાઈટ ‘ARTEMISLAB.CC’ના ટ્રાન્ઝેક્શનથી થઈ હતી. સાયબર ટીમે નોંધ્યું કે આ વેબસાઈટ સાથે જોડાયેલા ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ગુજરાતના એક વોલેટ સુધી પહોંચતા હતા. આ વોલેટ મોહસીન સદીક મોલાણી નામના વ્યક્તિ સાથે જોડાયેલ હોવાનું બહાર આવ્યું.
આગળની તપાસમાં જાણવા મળ્યું કે મોહસીન મોલાણીના વોલેટથી અન્ય નવ ભારતીય યુઝર્સ સુધી નાણાકીય વ્યવહારો થયા હતા. આ સમગ્ર નેટવર્ક મોનેરો (Monero) જેવી અનટ્રેસેબલ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતું હતું, જેનો ઉપયોગ સામાન્ય રીતે ડાર્ક વેબ, આતંકવાદી ફંડિંગ અને મની લોન્ડરિંગમાં થાય છે. તપાસમાં અંદાજે રૂ. 2 કરોડ જેટલા મોનેરો ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા.
હમાસ અને હુથી સંગઠનો સાથે કનેક્શન
તપાસનો સૌથી ચોંકાવનારો ભાગ ત્યારે સામે આવ્યો જ્યારે આરોપી મોહંમદ ઝુબેર પોપટિયાના વોલેટને ઈઝરાયલની National Bureau for Counter Terror Financing (NBCTF) દ્વારા અગાઉ ફ્રીઝ કરાયેલા વોલેટ્સ સાથે જોડાણ મળ્યું. આ વોલેટ્સ ‘હમાસ’ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અમેરિકાની OFAC (Office of Foreign Assets Control) દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા યમનના હુથી સંગઠન ‘અંસાર અલ્લાહ’, ઈરાનની IRGC-QF અને રશિયાની પ્રતિબંધિત ક્રિપ્ટો એક્સચેન્જ Garantex સાથે પણ ફંડ ટ્રાન્સફરના કનેક્શન મળી આવ્યા છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ સમગ્ર નેટવર્ક આંતરરાષ્ટ્રીય આતંકવાદી ફંડિંગ અને ડ્રગ્સ કારોબાર માટે ભારતમાં બેઠું નાણાકીય ચેનલ તરીકે કામ કરતું હતું.
બ્રિટનમાં બેઠેલું ડ્રગ્સ નેટવર્ક
તપાસ દરમિયાન આરોપી મોહસીન મોલાણીએ સ્વીકાર્યું કે વર્ષ 2023થી બ્રિટનમાં મોટા પાયે ડ્રગ્સ કારોબાર ચલાવવામાં આવતો હતો. તે ટેલિગ્રામ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ડ્રગ્સના ઓર્ડર લેતો અને તે માહિતી દુબઈમાં બેઠેલા મોહંમદ ઝુબેર પોપટિયાને મોકલતો હતો.
ઝુબેર તેના નેટવર્ક મારફતે બ્રિટનમાં ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત સલમાન ગુલામઅલી અન્સારી નામનો આરોપી પણ આ નેટવર્ક સાથે સંકળાયેલ હતો. સલમાન હાલમાં બ્રિટનમાં મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં છ વર્ષની સજા ભોગવી રહ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે જેલમાં બેઠા બેઠા પણ તે નેટવર્ક ઓપરેટ કરતો હતો.
આ પણ વાંચો: સુરત ક્રાઇમ બ્રાંચનો મોટો પર્દાફાશ : પુણે જ્વેલર્સ ચોરી કેસના માસ્ટરમાઇન્ડ સહિત બે ઝડપાયા
રૂ. 226 કરોડના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે બ્લોકચેઇન એનાલિસિસ દરમિયાન કુલ US$ 23,962,383 જેટલા ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યા છે, જેની ભારતીય કિંમત અંદાજે રૂ. 226.54 કરોડ થાય છે. આ નાણાં વિવિધ લેયરિંગ અને હવાલા માધ્યમોથી ફેરવવામાં આવતા હતા. આરોપીઓ આંગડિયા અને મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે રોકડમાં કન્વર્ટ કરીને ફંડ એકબીજા સુધી પહોંચાડતા હતા.
મુખ્ય આરોપીની ધરપકડ
તાજેતરમાં ઝડપાયેલ આરોપી ગુલામઅલી ઇમ્તીયાઝઅહેમદ કુરેશી અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારનો રહેવાસી છે. પોલીસ અનુસાર તે છેલ્લા દોઢ વર્ષથી રાજસ્થાનના ઉદયપુરમાં છુપાઈને રહેતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે દુબઈ જઈ USDT ટ્રેડિંગ શીખ્યો હતો અને બાદમાં પોતાના પિતાના Binance વોલેટ મારફતે આશરે 10થી 15 કરોડ રૂપિયાની USDT ટ્રેડિંગ કરી હતી. તપાસ દરમિયાન તેની સામે રૂ. 42 લાખની ગેરકાયદેસર ફંડિંગના પુરાવા મળ્યા છે.તેના વોલેટમાં હમાસ, હુથી અને અન્ય પ્રતિબંધિત નેટવર્ક સાથે જોડાયેલા વોલેટ્સમાંથી પણ ફંડ ટ્રાન્સફર થયાનું સામે આવ્યું છે.
935 સાયબર ફ્રોડ ફરિયાદો સાથે જોડાણ
તપાસ દરમિયાન આરોપીઓના Binance P2P એકાઉન્ટ્સ સાથે જોડાયેલા બેંક એકાઉન્ટ અંગે NCCRP પોર્ટલ પરથી કુલ 935 સાયબર ફ્રોડ ફરિયાદો પણ સામે આવી છે. પોલીસનું માનવું છે કે આ એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર છેતરપિંડી, મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે કરવામાં આવતો હતો.
કાયદાકીય કાર્યવાહી
આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 111(2)(B), 153, 61 તેમજ IT Act 2008ની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધાયો છે.પોલીસ હવે આ નેટવર્કમાં સંકળાયેલા અન્ય લોકો, હવાલા ઓપરેટરો અને આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે વધુ તપાસ કરી રહી છે.





