Home Gujarat Gujarat Cabinet Meeting Pre Monsoon Work Jitu Vaghani

કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય : સરકારે ખેડૂતોની સહાયમાં કર્યો વધારો, જાણો જીતુ વઘાણીએ શું કહ્યું

જીતુ વઘાણી
Published by: Chintan Chavda
Last Updated: May 27, 2026, 10:31 AM IST

રાજ્ય સરકારની તાજેતરની કેબિનેટ બેઠકમાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ, વિકાસ કામોની ગતિ, ખેડૂતોના હિતો અને સ્વચ્છતા અભિયાન સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ સરકારના વિવિધ નિર્ણયો અને સૂચનાઓની વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં પ્રિ-મોન્સૂન કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા માટે તમામ વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા તમામ વિભાગોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે આગોતરી આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવે. શહેરોમાં વરસાદી પાણીના યોગ્ય સંચાલન માટે તળાવો અને જળાશયોમાં પૂરતું પાણી સંગ્રહ થાય તેની દિશામાં પણ સૂચનાઓ આપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે વિકાસના ચાલી રહેલા કામોને ઝડપથી પૂર્ણ કરવા અને જ્યાં જમીન સંપાદનની પ્રક્રિયા અટવાઈ હોય તેને તાત્કાલિક પૂર્ણ કરવા માટે પણ તંત્રને આદેશ આપવામાં આવ્યા છે. રેવન્યુ વિભાગ માટે અલગથી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SoP) તૈયાર કરવામાં આવી છે જેથી વિવિધ મંજૂરીઓ અને નોન-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવામાં વિલંબ ન થાય.

આ પણ વાંચો: બાજરીની ટેકાના ભાવે ખરીદી ખોરંભે : બારદાનના અભાવે ખેડૂતોની હાલત કફોડી, ભારતીય કિસાન સંઘે કૃષિ મંત્રીને કરી રજૂઆત

એન્જિનિયરિંગ કામોની ગુણવત્તા પર ખાસ ભાર

કેબિનેટ બેઠકમાં રાજ્યભરના એન્જિનિયરિંગ કામોની ગુણવત્તા અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે તમામ વિકાસ કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરવામાં આવે. રોડ, પાણી, નગર વિકાસ કે અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટમાં કામગીરીની સતત દેખરેખ રાખવા માટે પણ વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે.

આ સાથે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અલગથી સ્વચ્છતા હેડ ઉભું કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે, જેમાં ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર ભાર મૂકવામાં આવશે.

ખેડૂતો માટે મહત્વના નિર્ણયો

કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને પણ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે પશુઓ દ્વારા પાકને થતા નુકસાન સામે ખેડૂતોને વધુ રાહત મળે તે માટે રનિંગ ફુટ દીઠ સહાયની રકમ 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારે અંદાજે 240 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) મુજબ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પાક ખરીદી કરવાની સૂચના પણ આપી છે. પાક ખરીદી માટેનું રજિસ્ટ્રેશન કાર્ય શરૂ થઈ ચૂક્યું હોવાનું જણાવાયું હતું. સાથે જ ઉનાળુ મગની ખરીદી પણ રાજ્ય સરકાર કરશે તેવી જાહેરાત કરવામાં આવી.

જીતુ વાઘાણીએ કહ્યું કે ભૂતકાળમાં ખેડૂતોને બારદાન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે રાજ્ય સરકારે તે સમસ્યાનો મોટાભાગે ઉકેલ લાવી દીધો છે. વૈશ્વિક સ્તરે યુદ્ધ અને આર્થિક સંજોગોના કારણે કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત : શારીરિક કસોટીમાં પાસ ઉમેદવારોને લેવાસે લેખિત પરીક્ષા, જાણો તારીખ

પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ પર ફોકસ

રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં આગળ ધપાવવાની દિશામાં પણ ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યભરમાં 1000થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતી અંગે વર્કશોપ યોજાશે, જેમાં ખેડૂતોને નવી પદ્ધતિઓ અને ઓર્ગેનિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂનના રોજ રાજ્યમાં 6 કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનો વિશાળ અભિયાન હાથ ધરાશે. ઉપરાંત 8થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર ભાર મૂકી વિશેષ સ્વચ્છતા અભિયાન પણ યોજાશે.

આ પણ વાંચો: કચ્છના દરિયામાંથી ઝડપાયું અધધ...1000 કરોડનું કોકેઈન! : ATS-કોસ્ટગાર્ડના જોઇન્ટ ઓપરેશનમાં બ્રાઝિલથી ગુજરાત સુધીના ડ્રગ્સ સપ્લાયનો ભાંડો ફૂ્ટ્યો

મોદી સરકારના 12 વર્ષની ઉજવણી

જીતુ વાઘાણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમના મતે, મોદી સરકારએ 2047ના વિકસિત ભારતનું વિઝન આપ્યું છે અને દેશના વિકાસમાં ઐતિહાસિક પરિવર્તન લાવ્યું છે.

આ ઉજવણીનો પ્રારંભ 8 અને 9 જૂનના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને કેન્દ્રીય મંત્રીમંડળની હાજરીમાં થશે. ત્યારબાદ 11 અને 12 જૂનના રોજ મુખ્યમંત્રી અને રાજ્ય મંત્રીમંડળ વિકાસ અને પરિવર્તનના 12 વર્ષ અંગે વિસ્તૃત ચર્ચા કરશે.

દરેક જિલ્લામાં ત્રણ દિવસ સુધી મોદી સરકારની ઉપલબ્ધિઓ અને યોજનાઓ અંગે પ્રદર્શન યોજાશે. ઉપરાંત 12થી 20 જૂન દરમિયાન સેવાસેતુના મોડલ પર રાજ્યવ્યાપી જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે.

યોગ દિવસની પણ રાજ્યવ્યાપી ઉજવણી

21 જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ રાજ્યભરમાં ભવ્ય રીતે કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જનસેવાના ભાવ સાથે આ તમામ ઉજવણીઓ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું.

તેમણે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રીએ તમામ વિભાગોને વાસ્તવિક જરૂરિયાતો અનુસાર કાર્ય કરવાની સૂચના આપી છે. જ્યાં જરૂરી હોય ત્યાં ‘વર્ક ફ્રોમ હોમ’ જેવી વ્યવસ્થાનો પણ ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now