Home Gujarat Gujarat Atmanirbhar Panchayat Program Gandhinagar Workshop

ગુજરાતની 14 હજારથી વધુ પંચાયતોને આત્મનિર્ભર બનાવવા અભિયાન તેજ : 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી

આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 09, 2026, 02:10 PM IST

ગાંધીનગર ખાતે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આયોજિત 'આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ' અંતર્ગત એક દિવસીય રાજ્યસ્તરીય આઉટરીચ વર્કશોપ યોજાઈ હતી, જેમાં ગ્રામ વિકાસ અને સ્થાનિક સ્વરાજ્યને વધુ મજબૂત બનાવવા માટે પંચાયતોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના માર્ગો પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ, ગુજરાત પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયા સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વર્કશોપ દરમિયાન ભાર મૂકવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે હવે ગ્રામ પંચાયતોને માત્ર સરકારી ગ્રાન્ટ અને અનુદાન પર નિર્ભર રહેવાને બદલે પોતાના આવકના સ્ત્રોતો વિકસાવવા પડશે. સ્થાનિક સંસાધનો, પ્રવાસન, કૃષિ આધારિત પ્રવૃત્તિઓ અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ દ્વારા ગ્રામ પંચાયતો પોતાની આવક વધારી શકે છે અને વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી શકે છે.

સ્થાનિક સંસાધનો દ્વારા આવક વધારવા પર ભાર

પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે ભારતે છેલ્લા કેટલાક દાયકાઓમાં આત્મનિર્ભરતાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કોરોના મહામારી દરમિયાન ભારતે માત્ર પોતાના નાગરિકોને જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોને પણ વેક્સિન પૂરી પાડી હતી. આ જ આત્મનિર્ભરતાના મોડલને હવે ગ્રામ સ્તરે લઈ જવાની જરૂર છે.

તેમણે જણાવ્યું હતું કે દેશની અનેક પંચાયતો પહેલેથી જ સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને સારી આવક ઊભી કરી રહી છે. કેટલીક જગ્યાએ પ્રવાસન આધારિત પ્રોજેક્ટ્સ, ગ્રામ હાટ, કૃષિ પ્રોસેસિંગ યુનિટ્સ અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ દ્વારા લાખો રૂપિયાની આવક થઈ રહી છે. આવી પહેલો અન્ય પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

વિવેક ભારદ્વાજે ઉદાહરણ આપતાં જણાવ્યું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, દરિયાકિનારા, કર્કવૃત્ત અને અન્ય ભૌગોલિક વિશેષતાઓ ધરાવતા વિસ્તારોમાં યોગ્ય આયોજન દ્વારા આવકના મોટા સ્ત્રોત ઊભા કરી શકાય છે. આ પ્રકારની નવીન વિચારસરણી પંચાયતોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બનશે.

આ પણ વાંચો: મોરબીના જેતપર ગામે વીજલાઈન કામગીરી અંગે તણાવ : ખેડૂતો અને મહિલાઓ સાથે પોલીસનું થયું ઘર્ષણ

ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી

ગુજરાત પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના 'આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ' હેઠળ ગુજરાતની 71 પંચાયતોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. તેમણે આ પસંદગીને ગૌરવની બાબત ગણાવી હતી, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યનું લક્ષ્ય માત્ર આ 71 પંચાયતો પૂરતું મર્યાદિત નથી.

તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની તમામ 14 હજારથી વધુ પંચાયતોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેમના મતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દેશના વિકાસનો પાયો છે અને 'વિકસિત ભારત-2047'નું સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકશે જ્યારે ગામડાંઓ પણ આર્થિક રીતે મજબૂત બનશે. ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે પંચાયતો માત્ર વહીવટી એકમો નથી, પરંતુ લોકશાહીના જીવંત કેન્દ્રો છે. ગામડાંઓમાંથી જ ભવિષ્યના નેતાઓ ઊભા થાય છે અને સ્થાનિક સ્તરે મજબૂત શાસન દેશના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: કયા સ્ટેશનો હશે? : જાણો ભારતના આગામી 7 બુલેટ ટ્રેન કોરિડોરનું કામ ક્યાં સુધી પહોંચ્યું

ગ્રામીણ વિસ્તારોમાં શહેરી સુવિધાઓ જેવી ગુણવત્તા લાવવાનો પ્રયાસ

વર્કશોપમાં એ મુદ્દે પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે આજનો ગ્રામ્ય નાગરિક પણ શહેર જેવી સુવિધાઓ અને જીવનની ગુણવત્તાની અપેક્ષા રાખે છે. રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા, ડિજિટલ સેવાઓ અને રોજગારી જેવી સુવિધાઓ ગામડાંઓમાં ઉપલબ્ધ કરાવવા માટે પંચાયતોને નાણાકીય રીતે સશક્ત બનાવવી જરૂરી છે.

અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયાએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ પંચાયતોની પોતાની આવક વધારવાનો છે. હાલ 71 પંચાયતોની પસંદગી કરવામાં આવી છે, પરંતુ ભવિષ્યમાં રાજ્યની તમામ 14,650 ગ્રામ પંચાયતોને આ પહેલ સાથે જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે જેમ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પોતાની આવકના આધારે સફળતાપૂર્વક કાર્ય કરે છે, તેમ ગ્રામ પંચાયતોને પણ મજબૂત નાણાકીય વ્યવસ્થાપન તરફ આગળ ધપાવવાની જરૂર છે.

આ પણ વાંચો: અમદાવાદવાસીઓ માટે ખુશખબર! : જેતલપુરના ઐતિહાસિક દેવ સરોવરને મળશે નવો અવતાર, રૂ. 8.50 કરોડના ખર્ચે મળશે અનેક આધુનિક સુવિધાઓ

નાબાર્ડ અને હુડકોનો સહયોગ

વર્કશોપમાં નાબાર્ડના પ્રાદેશિક મહાપ્રબંધક ડૉ. પ્રદીપે જણાવ્યું હતું કે ગ્રામ વિકાસ, કૃષિ સમૃદ્ધિ અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા માટે નાબાર્ડ સતત કાર્યરત છે. ગ્રામ હાટ, કૃષિ ઉત્પાદનોનું સંગ્રહ અને પ્રોસેસિંગ, ગોડાઉન નિર્માણ, પીવાના પાણીની સુવિધાઓ અને નાના ઉદ્યોગો જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પંચાયતોને આવકના નવા સ્ત્રોત મળી શકે છે.

હુડકોના અધિકારી વિમલકુમાર શર્માએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોને ટેકનિકલ માર્ગદર્શન, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવવામાં સહાય અને નાણાકીય આયોજન માટે જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવશે. ઉપરાંત પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ અને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવશે.

આત્મનિર્ભર ગામડાં તરફ આગળ વધતું ગુજરાત

વર્કશોપ દરમિયાન આત્મનિર્ભર પંચાયત પોર્ટલનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને પંચાયતો માટે ટેકનિકલ રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર પંચાયત માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ ગામડાંઓને આર્થિક રીતે મજબૂત અને વિકાસલક્ષી બનાવવાનો એક દીર્ઘકાલીન વિચાર છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને વધુ સશક્ત બનાવીને ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ આપવા માટે શરૂ કરાયેલ આ અભિયાન આગામી વર્ષોમાં રાજ્યના ગામડાંઓના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જો પંચાયતો પોતાના સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને આવકના નવા મોડલ વિકસાવવામાં સફળ થશે, તો ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનમાં ગ્રામ્ય ગુજરાતનું યોગદાન વધુ મજબૂત બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now