Home Religion Gates Of Mahakal Temple Open Despite Chandra Grahan 2026 Lunar Eclipse Big Change In Timings Of Puja Aarti

Chandra Grahan 2026 : ચંદ્રગ્રહણ છતાં ખુલ્લા રહેશે મહાકાલ મંદિરના દ્વાર, પૂજા અને આરતીના સમયમાં થશે મોટો ફેરફાર; જાણો વિગતો

Chandra Grahan 2026
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 09:07 AM IST

હિન્દુ ધર્મમાં ગ્રહણને અશુભ સમય માનવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન દેશના મોટાભાગના મંદિરો પટ (દ્વાર) બંધ કરી દેતા હોય છે. પરંતુ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત ભગવાન શિવનું જ્યોતિર્લિંગ 'મહાકાલેશ્વર' એક એવું ધામ છે જ્યાં ગ્રહણની કોઈ અસર થતી નથી. આગામી 3 માર્ચ, 2026 ના રોજ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે, તેમ છતાં મહાકાલના ભક્તો માટે ખુશીના સમાચાર એ છે કે આ દિવસે મંદિરના દ્વાર બંધ થશે નહીં. શ્રદ્ધાળુઓ ગ્રહણ દરમિયાન પણ બાબા મહાકાલના દર્શન કરી શકશે.

સામાન્ય રીતે ગ્રહણના 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જતો હોય છે, જેમાં શુભ કાર્યો વર્જિત હોય છે. જોકે, મહાકાલેશ્વર મંદિરમાં પરંપરા મુજબ ગ્રહણ દરમિયાન પૂજા-આરતી રોકવામાં આવતી નથી, માત્ર તેની પૂજા પદ્ધતિમાં થોડો બદલાવ કરવામાં આવે છે. આ વખતે હોળી-ધૂળેટીના પર્વ અને ચંદ્રગ્રહણ એક જ સમયે હોવાથી ભક્તોમાં ઉત્સાહની સાથે થોડી મૂંઝવણ પણ છે, પરંતુ મંદિર પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે તમામ પરંપરાઓ વિધિવત રીતે જળવાઈ રહેશે.

પૂજા પદ્ધતિમાં ફેરફાર: ભગવાનને ધરાવાશે માત્ર ખાંડનો ભોગ

3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ સાંજે 6:32 થી 6:46 સુધી રહેશે, પરંતુ તેનો વેધ કાળ સવારથી જ શરૂ થઈ જશે. વેધ કાળને કારણે સવારની 'દદ્યોદક' આરતી અને ભોગ આરતીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે ભગવાનને રાંધેલો ખોરાક નહીં, પરંતુ માત્ર ખાંડનો ભોગ અર્પણ કરવામાં આવશે. જ્યારે સાંજે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારબાદ સમગ્ર મંદિર પરિસરનું શુદ્ધિકરણ કરવામાં આવશે અને ભગવાનને પંચામૃત સ્નાન કરાવીને વિધિવત સંધ્યા આરતી અને ભોગ અર્પણ કરવામાં આવશે.

ધૂળેટી પર્વ અને ભસ્મ આરતીનું વિશેષ મહત્વ

3 માર્ચના રોજ ધૂળેટીનો પર્વ છે. મહાકાલ મંદિરમાં પરંપરા મુજબ સવારે 4 વાગ્યે થતી વિશ્વપ્રસિદ્ધ ભસ્મ આરતીમાં પુજારીઓ ભગવાન મહાકાલને ગુલાલ અર્પણ કરીને હોળીની ઉજવણીની શરૂઆત કરશે. ગ્રહણ હોવા છતાં આ ભસ્મ આરતી તેના નિયત સમયે જ થશે. આ ઉપરાંત, 4 માર્ચથી ચૈત્ર કૃષ્ણ પ્રતિપદા શરૂ થતી હોવાથી ભગવાનની દિનચર્યામાં પણ ફેરફાર થશે. ઉનાળાની શરૂઆત માનવામાં આવતી હોવાથી હવેથી બાબા મહાકાલને ઠંડા જળથી સ્નાન કરાવવામાં આવશે અને દિવસની 5 માંથી 3 આરતીના સમયમાં ફેરફાર થશે.

મંદિર પરિસરમાં હોલિકા દહનનું આયોજન

ચંદ્રગ્રહણના એક દિવસ પહેલા એટલે કે 2 માર્ચની સાંજે મહાકાલ મંદિર પરિસરમાં ભવ્ય હોલિકા દહન કરવામાં આવશે. સંધ્યા આરતી બાદ પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવશે, જ્યાં દેશભરમાંથી આવેલા ભક્તો એકબીજાને ગુલાલ લગાવીને પર્વની ઉજવણી કરશે. મહાકાલ મંદિરમાં ઉજવાતી આ હોળી પ્રત્યેક શ્રદ્ધાળુ માટે અનેરો લ્હાવો હોય છે, કારણ કે અહીં ભગવાન સાથે પર્વ મનાવવાની ખાસ માન્યતા છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now