જો ગેમ રમતી વખતે તમારો લેપટોપ ખૂબ જ ગરમ થઈ જાય છે તો તમે એકલા નથી. દુનિયાભરના અનેક ગેમર્સ આ સમસ્યાનો સામનો કરે છે. શક્તિશાળી પ્રોસેસર અને ગ્રાફિક્સ કાર્ડને કારણે ગેમિંગ લેપટોપમાં વધુ ગરમી ઉત્પન્ન થાય છે. જોકે કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખીને તમે લેપટોપનું તાપમાન નિયંત્રણમાં રાખી શકો છો અને સ્મૂથ ગેમિંગનો આનંદ માણી શકો છો.
ગેમિંગ લેપટોપ સામાન્ય લેપટોપ કરતાં વધુ શક્તિશાળી હાર્ડવેર સાથે આવે છે. તેમાં હાઈ-પરફોર્મન્સ પ્રોસેસર (CPU) અને ડેડિકેટેડ ગ્રાફિક્સ કાર્ડ (GPU) હોય છે, જે ભારે ગેમ્સ ચલાવતી વખતે સતત કામ કરે છે. પરિણામે લેપટોપમાં વધુ ગરમી ઉત્પન્ન થાય છે. જો આ ગરમી સમયસર બહાર ન નીકળે તો લેપટોપ ઓવરહીટ થવા લાગે છે, જેના કારણે પરફોર્મન્સ ઘટી શકે છે, ગેમમાં લેગ આવી શકે છે અને લાંબા ગાળે હાર્ડવેરને પણ નુકસાન થઈ શકે છે.
લેપટોપ ગરમ થવાના મુખ્ય કારણો
1. શક્તિશાળી હાર્ડવેર અને કોમ્પેક્ટ ડિઝાઇન
ગેમિંગ લેપટોપમાં ડેસ્કટોપ લેવલનું હાર્ડવેર આપવામાં આવે છે. શક્તિશાળી CPU અને GPU વધુ હીટ ઉત્પન્ન કરે છે. જ્યારે લેપટોપમાં જગ્યા ઓછી હોવાથી આ ગરમીને બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે તાપમાન ઝડપથી વધી શકે છે.
2. એર વેન્ટ્સમાં ધૂળ જમા થવી
સમય જતાં લેપટોપના એર વેન્ટ્સ, ફેન અને હીટસિંકમાં ધૂળ જમા થઈ જાય છે. જેના કારણે હવાનું યોગ્ય સર્ક્યુલેશન બંધ થઈ જાય છે અને કૂલિંગ સિસ્ટમ અસરકારક રીતે કામ કરી શકતી નથી.
3. સોફ્ટ સપાટી પર ઉપયોગ કરવો
જો તમે લેપટોપને બેડ, કાંબળા, સોફા અથવા કુશન જેવી નરમ સપાટી પર રાખીને ઉપયોગ કરો છો તો નીચેના એર વેન્ટ્સ બ્લોક થઈ શકે છે. જેના કારણે ગરમી વધુ વધી જાય છે.
4. બેકગ્રાઉન્ડમાં ચાલતા પ્રોગ્રામ્સ
ગેમિંગ દરમિયાન ઘણા અનાવશ્યક એપ્સ અથવા બેકગ્રાઉન્ડ પ્રોસેસ ચાલુ હોય તો CPU અને RAM પર વધારાનો ભાર પડે છે. જેના કારણે લેપટોપ વધુ ગરમ થાય છે.
5. જૂના ડ્રાઇવર્સ અને ખોટી સેટિંગ્સ
જો ગ્રાફિક્સ ડ્રાઇવર્સ અપડેટ ન હોય અથવા ગેમની સેટિંગ્સ હાર્ડવેર મુજબ ઓપ્ટિમાઇઝ ન કરવામાં આવી હોય તો પણ સિસ્ટમ પર વધારાનો લોડ આવે છે અને ઓવરહીટિંગની સમસ્યા સર્જાય છે.
લેપટોપને Cool રાખવાના સરળ ઉપાયો
કૂલિંગ પેડનો ઉપયોગ કરો
કૂલિંગ પેડ અથવા કૂલિંગ સ્ટેન્ડ લેપટોપની નીચે વધારાનો એરફ્લો આપે છે. તેનાથી લેપટોપનું તાપમાન અંદાજે 5થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે.
બિનજરૂરી એપ્સ બંધ કરો
ગેમ શરૂ કરતાં પહેલાં બેકગ્રાઉન્ડમાં ચાલતા અનાવશ્યક પ્રોગ્રામ્સ, બ્રાઉઝર ટેબ્સ અને અન્ય એપ્લિકેશન્સ બંધ કરી દો. તેનાથી CPU પરનો ભાર ઘટશે.
નિયમિત સફાઈ કરો
ફેન, એર વેન્ટ્સ અને હીટસિંકને સમયાંતરે સોફ્ટ બ્રશ અથવા કોમ્પ્રેસ્ડ એરથી સાફ કરો. ધૂળ દૂર કરવાથી કૂલિંગ સિસ્ટમ વધુ અસરકારક રીતે કામ કરશે.
યોગ્ય સપાટી પર જ ઉપયોગ કરો
લેપટોપને હંમેશા સમતળ અને કઠોર સપાટી જેવી કે ટેબલ પર રાખીને ઉપયોગ કરો. તેનાથી એર વેન્ટ્સ ખુલ્લા રહેશે અને ગરમી સરળતાથી બહાર નીકળશે.
ફેન અને પાવર સેટિંગ્સ ઓપ્ટિમાઇઝ કરો
મોટાભાગના ગેમિંગ લેપટોપમાં બિલ્ટ-ઇન કંટ્રોલ સોફ્ટવેર આપવામાં આવે છે. તેની મદદથી ફેનની સ્પીડ વધારી શકાય છે અને પાવર મોડને Performance અથવા Balanced મોડમાં સેટ કરીને વધુ સારું કૂલિંગ મેળવી શકાય છે.
ઓવરહીટિંગને અવગણશો નહીં
જો લેપટોપ સતત ખૂબ ગરમ રહેતો હોય, વારંવાર બંધ થઈ જતો હોય અથવા ગેમિંગ દરમિયાન પરફોર્મન્સ ઘટતું હોય તો માત્ર સામાન્ય ઉપાયો પૂરતા ન હોઈ શકે. આવી સ્થિતિમાં સર્વિસ સેન્ટરમાં કૂલિંગ સિસ્ટમ, થર્મલ પેસ્ટ અથવા ફેનની તપાસ કરાવવી યોગ્ય રહેશે.





