FIFA World Cup 2026 : ફિફા વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયો છે. રાઉન્ડ ઓફ 16ના તમામ મુકાબલા પૂર્ણ થયા બાદ હવે ટૂર્નામેન્ટમાં માત્ર આઠ ટીમો જ બાકી રહી છે. વિશ્વભરના ફૂટબોલ ચાહકો હવે ક્વાર્ટર ફાઇનલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યાં દરેક મેચ જીતનાર ટીમને સીધી સેમીફાઇનલમાં સ્થાન મળશે. ખાસ કરીને ભારતીય ચાહકોમાં લિયોનેલ મેસ્સીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની આગામી મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાઉન્ડ ઓફ 16ના અંતિમ દિવસે સ્વિટ્ઝર્લૅન્ડે કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને છેલ્લું ક્વાર્ટર ફાઇનલનું સ્થાન મેળવ્યું હતું. તે પહેલાં આર્જેન્ટિનાએ ઇજિપ્ત સામે રોમાંચક કમબેક જીત નોંધાવી હતી. હવે ટૂર્નામેન્ટમાં ચાર ક્વાર્ટર ફાઇનલ, બે સેમીફાઇનલ, ત્રીજા સ્થાન માટેની એક મેચ અને ગ્રાન્ડ ફાઇનલ સહિત કુલ આઠ મુકાબલા બાકી રહ્યા છે.
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ટીમો
અંતિમ આઠમાં ફ્રાન્સ, મોરોક્કો, નોર્વે, ઈંગ્લેન્ડ, સ્પેન, બેલ્જિયમ, આર્જેન્ટિના અને સ્વિટ્ઝર્લૅન્ડે સ્થાન મેળવ્યું છે. બીજી તરફ પેરાગ્વે, કેનેડા, બ્રાઝિલ, મેક્સિકો, પોર્ટુગલ, અમેરિકા, ઇજિપ્ત અને કોલંબિયા જેવી ટીમોની સફર સમાપ્ત થઈ છે. આ પરિણામો બાદ હવે ટાઇટલની રેસ વધુ ખુલ્લી બની છે અને દરેક મુકાબલો હાઇ-વોલ્ટેજ રહેવાની અપેક્ષા છે. ક્વાર્ટર ફાઇનલના તમામ મુકાબલા ઉત્તર અમેરિકાના અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે. દરેક મેચ નોકઆઉટ હોવાથી હારનાર ટીમ સીધી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે વિજેતા ટીમ સેમીફાઇનલમાં પ્રવેશ કરશે.
આ પણ ખાસ વાંચો : 'મેં તેને સ્પષ્ટતા આપી દીધી છે' : T20 વર્લ્ડ કપના હીરોને બેન્ચ પર રાખવાના નિર્ણય પર ગંભીરે ફરી કરી ગોળ-ગોળ વાત
પ્રથમ બે ક્વાર્ટર ફાઇનલ મેચો
પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે બોસ્ટન સ્ટેડિયમમાં ટક્કર થશે. આ મેચ સ્થાનિક સમય મુજબ 9 જુલાઈએ સાંજે રમાશે, જ્યારે ભારતીય સમય મુજબ 10 જુલાઈએ રાત્રે 1:30 વાગ્યે શરૂ થશે. બીજી ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન અને બેલ્જિયમ આમને-સામને આવશે. લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ 11 જુલાઈએ રાત્રે 12:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો અત્યાર સુધી શાનદાર ફોર્મમાં હોવાથી આ મુકાબલો પણ ખાસ રોમાંચક બનવાની સંભાવના છે.
મેસ્સીની આર્જેન્ટિના ક્યારે રમશે?
ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં નોર્વે અને ઈંગ્લેન્ડ વચ્ચે મિયામીમાં મુકાબલો રમાશે. ભારતીય દર્શકો આ મેચ 12 જુલાઈએ વહેલી સવારે 2:30 વાગ્યે લાઇવ જોઈ શકશે. ચોથી અને અંતિમ ક્વાર્ટર ફાઇનલમાં લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિના સામે સ્વિટ્ઝર્લૅન્ડનો પડકાર રહેશે. કેન્સાસ સિટીમાં રમાનારી આ મેચ સ્થાનિક સમય મુજબ 11 જુલાઈની રાત્રે યોજાશે, જ્યારે ભારતમાં તેનો પ્રસારણ 12 જુલાઈએ સવારે 6:30 વાગ્યે થશે. મેસ્સીના ચાહકો માટે આ સમગ્ર ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડની સૌથી વધુ ચર્ચિત મેચોમાંની એક માનવામાં આવી રહી છે.
આ પણ ખાસ વાંચો : 'વર્લ્ડ કપ ફિક્સ છે...' : આર્જેન્ટિના સામે હાર બાદ ઇજિપ્તના સ્ટાર ખેલાડીનો મોટો આરોપ
સેમીફાઇનલ અને ફાઇનલનું શેડ્યૂલ
ક્વાર્ટર ફાઇનલ બાદ ચાર વિજેતા ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. પ્રથમ સેમીફાઇનલ ભારતીય સમય મુજબ 15 જુલાઈની મધરાતે 12:30 વાગ્યે રમાશે, જ્યારે બીજી સેમીફાઇનલ 16 જુલાઈએ એ જ સમયે યોજાશે. ત્યારબાદ 19 જુલાઈએ ભારતીય સમય મુજબ વહેલી સવારે ત્રીજા સ્થાન માટેનો મુકાબલો રમાશે. ટૂર્નામેન્ટની ગ્રાન્ડ ફાઇનલ 20 જુલાઈએ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગ્યે યોજાશે, જેમાં 2026ના નવા વિશ્વ ચેમ્પિયનનો નિર્ણય થશે.
ક્વાર્ટર ફાઇનલનું શેડ્યૂલ (ભારતીય સમય મુજબ)
ફ્રાન્સ vs મોરોક્કો – 10 જુલાઈ, રાત્રે 1:30 વાગ્યે
સ્પેન vs બેલ્જિયમ – 11 જુલાઈ, રાત્રે 12:30 વાગ્યે
નોર્વે vs ઈંગ્લેન્ડ – 12 જુલાઈ, વહેલી સવારે 2:30 વાગ્યે
આર્જેન્ટિના vs સ્વિટ્ઝર્લૅન્ડ – 12 જુલાઈ, સવારે 6:30 વાગ્યે





