જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું રાશિ પરિવર્તન અને યુતિ માનવ જીવન પર ઊંડી અસરો છોડે છે. વર્ષ 2026ના પ્રારંભમાં જ એક અત્યંત પ્રભાવશાળી અને પડકારજનક યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ફેબ્રુઆરી 2026માં કુંભ રાશિમાં શક્તિશાળી મંગળ અને માયાવી રાહુ ભેગા થશે, જેના કારણે ‘અંગારક યોગ’ રચાશે. આ યોગ જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે, કારણ કે તે અગ્નિ અને વાયુના તત્વોનું મિશ્રણ છે, જે અચાનક ઉથલપાથલ લાવી શકે છે.
ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી રહેશે અંગારક યોગની અસર
જ્યોતિષીય ગણતરી મુજબ, રાહુ અત્યારે કુંભ રાશિમાં બિરાજમાન છે. આગામી 23 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 11:57 કલાકે સાહસ અને ઉર્જાનો કારક મંગળ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ અને રાહુનો આ સંયોગ 2 એપ્રિલ 2026 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન બ્રહ્માંડમાં ઉર્જાનું સ્તર અત્યંત તીવ્ર રહેશે, જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ, ખાસ કરીને 3 રાશિઓ માટે આ સમય અગ્નિપરીક્ષા સમાન સાબિત થઈ શકે છે.
1. મેષ રાશિ (Aries): ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળજો
મેષ રાશિના જાતકો માટે મંગળ અને રાહુની યુતિ આવક અને લાભના સ્થાનમાં થઈ રહી છે. મંગળ તમારો રાશિ સ્વામી હોવાથી આ યોગ તમારા પર સીધી અસર કરશે.
સાવધાની: આ સમયગાળામાં તમારો ગુસ્સો સાતમા આસમાને હોઈ શકે છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો આર્થિક નુકસાન કરાવી શકે છે.
નાણાકીય સ્થિતિ: શેરબજાર, સટ્ટાકીય વ્યવહાર કે પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલા દસ વાર વિચારજો. બિનજરૂરી ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.
ઉપાય: તમારી ઉર્જાને સર્જનાત્મક કામોમાં લગાવો અને બિનજરૂરી દલીલોથી દૂર રહો.
2. વૃશ્ચિક રાશિ (Scorpio): પારિવારિક વિવાદથી બચવું જરૂરી
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અંગારક યોગ પારિવારિક જીવન પર અસર કરી શકે છે.
સંબધો: ઘરમાં નાની-નાની વાતોમાં વિવાદ થવાની સંભાવના છે. તમારી વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, અન્યથા ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ બની શકે છે.
કરિયર અને ધન: આર્થિક બાબતોમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે. જોકે, જૂના અટકેલા કામો પૂર્ણ થવાની પણ શક્યતા છે.
ઉપાય: માનસિક શાંતિ માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધારવો અને ગુસ્સા પર કાબૂ રાખવો.
3. કુંભ રાશિ (Aquarius): આરોગ્ય અને માનસિક તણાવ પર ધ્યાન આપો
કુંભ રાશિમાં જ આ યુતિ થઈ રહી હોવાથી સૌથી વધુ સાવધાની તમારે રાખવાની રહેશે.
સ્વભાવ: તમારા સ્વભાવમાં ચીડિયાપણું અને અહંકાર વધી શકે છે. તમારી જિદને કારણે બનેલા કામ બગડી શકે છે અથવા પ્રિયજનો સાથેના સંબંધોમાં અંતર આવી શકે છે.
આરોગ્ય: આ સમયગાળામાં બ્લડ પ્રેશર, અનિદ્રા કે વધુ પડતા માનસિક તણાવની ફરિયાદ રહી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી.
ઉપાય: જોખમી રોકાણ ટાળવું અને નિયમિત ધ્યાન (Meditation) તથા યોગ કરવાથી ફાયદો થશે.




















