EPF Nominee Update: નોકરીયાત લોકો માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માત્ર બચત યોજના જ નહીં, પરંતુ ભવિષ્યની આર્થિક સુરક્ષાનો મહત્વપૂર્ણ આધાર પણ છે. EPF ખાતામાં જમા થતી રકમ કર્મચારી અને તેના પરિવાર માટે મુશ્કેલ સમયમાં નાણાકીય સહારો પૂરું પાડે છે. આવી સ્થિતિમાં ખાતામાં નોંધાયેલા નોમિનીની માહિતી સાચી અને અપડેટ હોવી અત્યંત જરૂરી બને છે. ઘણા કર્મચારીઓ નોકરીની શરૂઆતમાં માતા-પિતા અથવા અન્ય પરિવારજનોને નોમિની તરીકે નોંધાવે છે. પરંતુ લગ્ન, સંતાનનો જન્મ અથવા પરિવારમાં અન્ય ફેરફારો બાદ નોમિની બદલવાની જરૂરિયાત ઊભી થાય છે. હવે EPFOએ આ સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન બનાવી દીધી છે, જેથી કર્મચારીઓ ઘર બેઠાં સરળતાથી પોતાના EPF ખાતામાં નોમિની અપડેટ કરી શકે છે.
નોમિની બદલતા પહેલાં આ બાબતો ધ્યાનમાં રાખો
EPF ખાતામાં નોમિની અપડેટ કરવા પહેલાં કેટલીક જરૂરી શરતો પૂર્ણ કરવી જરૂરી છે. સૌથી પહેલા તમારું UAN (Universal Account Number) સક્રિય હોવું જોઈએ. UAN આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જરૂરી છે અને આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર પણ ચાલુ હોવો જોઈએ. આ ઉપરાંત EPF પ્રોફાઇલમાં તમારો ફોટો, સરનામું અને અન્ય વિગતો અપડેટ હોવી જોઈએ. નવા નોમિનીનો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ, ફોટો અને સંપૂર્ણ સરનામું પણ તૈયાર રાખવું જરૂરી છે.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી!: રૂ.18,000ની સેલરી સીધી રૂ.68,940 સુધી પહોંચી શકે
ઓનલાઈન નોમિની કેવી રીતે અપડેટ કરશો?
નોમિની બદલવા માટે સૌથી પહેલા EPFOના સભ્ય ઈ-સેવા પોર્ટલ પર લોગિન કરવું પડશે.
લોગિન કર્યા બાદ 'Manage' ટેબમાં જઈ 'e-Nomination' વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ 'Enter New Nomination' પર ક્લિક કરો.
સ્ક્રીન પર તમારી પ્રોફાઇલ વિગતો દેખાશે. અહીં 'Proceed' બટન પર ક્લિક કરીને આગળ વધો.
ફેમિલી ડિક્લેરેશનમાં સાચી માહિતી આપવી જરૂરી
આગળના સ્ટેપમાં 'Family Declaration' વિભાગ આવશે. જો તમારો પરિવાર હોય તો 'Yes' વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ નવા નોમિનીની વિગતો દાખલ કરો અને તેમનો ફોટો અપલોડ કરો. જો તમે એકથી વધુ નોમિની ઉમેરવા માંગતા હોવ તો 'Add Now' વિકલ્પ દ્વારા અન્ય સભ્યોની વિગતો પણ દાખલ કરી શકો છો.
આ પણ વાંચો: AIની સૌથી મોટી કંપનીનો આવશે IPO!: 83 લાખ કરોડના મૂલ્યાંકન સાથે OpenAI માર્કેટમાં કરશે એન્ટ્રી
દરેક નોમિનીનો હિસ્સો નક્કી કરવો પડશે
જો એક કરતાં વધુ નોમિની ઉમેરવામાં આવે તો દરેકને મળનારા હિસ્સાની ટકાવારી નક્કી કરવી જરૂરી રહેશે.
તમામ વિગતો દાખલ કર્યા બાદ 'Save EPF Nomination' પર ક્લિક કરીને માહિતી સેવ કરી શકાય છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, જ્યારે પણ નવું નોમિનેશન કરવામાં આવે છે ત્યારે જૂનું નોમિનેશન આપોઆપ રદ થઈ જાય છે. તેથી જો તમે અગાઉના નોમિનીને પણ રાખવા માંગતા હોવ તો તેમની વિગતો ફરીથી દાખલ કરવી પડશે.
કોણ બની શકે છે EPF નોમિની?
EPFOના નિયમો મુજબ પતિ, પત્ની, સંતાનો અને માતા-પિતા પરિવારના સભ્યો તરીકે ગણાય છે અને તેમને નોમિની બનાવી શકાય છે. જો કોઈ કર્મચારી ભાઈ કે બહેનને નોમિની બનાવવા માંગતો હોય તો તેને 'Having Family' વિભાગમાં 'No' વિકલ્પ પસંદ કરવો પડશે.
ઈ-સાઈન પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત
નોમિનેશન પ્રક્રિયા માત્ર વિગતો ભરવાથી પૂર્ણ થતી નથી. તેને માન્ય બનાવવા માટે ઈ-સાઈન પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. તે માટે 'E-Sign' વિકલ્પ પર ક્લિક કરીને આધાર નંબર અથવા Virtual ID (VID) પસંદ કરવો પડશે. ત્યારબાદ આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર OTP આવશે. OTP દાખલ કરીને 'Submit' પર ક્લિક કરતાની સાથે જ તમારું નવું નોમિનેશન EPFOના રેકોર્ડમાં અપડેટ થઈ જશે.
શા માટે જરૂરી છે નોમિની અપડેટ?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ EPF ખાતામાં યોગ્ય નોમિની નોંધાયેલ હોય તો કર્મચારીના અવસાન જેવી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં પરિવારને ક્લેમ મેળવવામાં સરળતા રહે છે. જો નોમિનીની માહિતી જૂની અથવા ખોટી હોય તો ક્લેમ પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. તેથી સમયાંતરે નોમિનીની વિગતો ચકાસવી અને જરૂર મુજબ અપડેટ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.





