Shah Rukh Khan: શાહરૂખ ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. તમને મળી શકે છે કિંગ ખાનને મળવાનો મોકો. લાંબા સમય બાદ બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન ફરી એકવાર અમદાવાદના મહેમાન બનવાના છે. 17 વર્ષ બાદ ફિલ્મફેર એવોર્ડ્સ પર SRKની ધમાકેદાર વાપસી. તેઓ આગામી 11 ઓક્ટોબર, 2025 ના રોજ અમદાવાદના EKA એરેના ખાતે યોજાનાર 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ 2025 ની યજમાની (હોસ્ટિંગ) કરશે.
17 વર્ષ બાદ શાહરુખની વાપસી-
શાહરુખ ખાને છેલ્લે 2008માં ફિલ્મફેર એવોર્ડ્સને હોસ્ટ કર્યું હતું. આ વર્ષે તેઓ 17 વર્ષ બાદ યજમાન તરીકે ધમાકેદાર વાપસી કરશે. તેમને મનીષ પોલ અને કરણ જોહર સાથે મંચ પર જોવા મળશે. ફિલ્મફેરે પોતાની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શાહરુખની વાપસીની ઘોષણા કરતા લખ્યું, "સુપરસ્ટાર, ધ આઇકોન... તમારું હૈયું હાથમાં રાખજો!" NDTV સાથેની વાતચીતમાં શાહરુખે જણાવ્યું હતુ કે, “ફિલ્મફેર મારા હૃદયની ખૂબ નજીક છે. જ્યારે મેં પહેલી વખત બ્લેક લેડી પકડી હતી, ત્યારથી આ સફર સિનેમા, પ્રેમ અને જાદુથી ભરેલી રહી છે. 70મી વર્ષગાંઠે યજમાની કરવા મળવી મારા માટે ખૂબ ખાસ છે.”
કરણ જોહર પણ જમાવશે રંગઃ
મશહૂર નિર્માતા-નિર્દેશક કરણ જોહરે પણ પોતાની ભાવનાઓ વ્યક્ત કરતાં કહ્યું, “ફિલ્મફેર ફક્ત એવોર્ડ શો નથી; તે ભારતીય સિનેમાનો વારસો છે. 70મી આવૃત્તિમાં તેનો ભાગ બનવું એ મારા માટે ગૌરવની વાત છે.”
નોમિનેશન પર એક નજરઃ
70મા ફિલ્મફેર માટે નોમિનેશન યાદી પણ જાહેર થઈ ગઈ છે:
'લાપતા લેડીઝ' — 13 નોમિનેશન સાથે સૌથી આગળ
'સ્ત્રી 2' — 8 નોમિનેશન
'ભૂલ ભુલૈયા 3' — 5 નોમિનેશનઃ
ક્રિટિક્સ કેટેગરીમાં નિતાંશી ગોયલ અને પ્રતિભા રાંટ જેવી નવી પ્રતિભાઓ, અલિયા ભટ્ટ અને કરીના કપૂર સામે દાવેદારી રજૂ કરી રહી છે. સ્પર્શ શ્રીવાસ્તવ, રણદીપ હુડા અને રાજકુમાર રાવ સાથે શ્રેષ્ઠ અભિનેતા માટે સ્પર્ધામાં છે.
વિજેતાઓની જાહેરાત-
વિજેતાઓની જાહેરાત 11 ઓક્ટોબરના રોજ થશે. નોંધનીય છે કે, ગુજરાતમાં આ એવોર્ડ સમારોહ બીજીવાર યોજાઈ રહ્યો છે, જે રાજ્ય માટે પણ એક ગૌરવની વાત છે.