જ્યોતિષ વિદ્યામાં ગ્રહોનું ગોચર અને તેમની યુતિ માનવ જીવન પર ઊંડી અસર કરે છે. આવતીકાલે એટલે કે 13 ફેબ્રુઆરી 2026 ના રોજ આકાશમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને જ્યોતિષની દ્રષ્ટિએ પડકારજનક એવી ઘટના ઘટવા જઈ રહી છે. સૂર્યદેવ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન સામાન્ય નથી કારણ કે કુંભ રાશિમાં છાયા ગ્રહ રાહુ પહેલેથી જ સ્થિત છે.
જ્યારે પણ તેજસ્વી ગ્રહ સૂર્ય અને ભ્રમ ફેલાવનારા ગ્રહ રાહુનો સંગમ એક જ રાશિમાં થાય છે, ત્યારે તેને 'ગ્રહણ યોગ' કહેવામાં આવે છે. સૂર્ય આત્મવિશ્વાસ, તેજ અને પિતાનો કારક છે, જ્યારે રાહુ અનિશ્ચિતતા અને અચાનક આવતા પરિવર્તનોનો પ્રતીક છે. આ અશુભ યોગને કારણે લોકોમાં આત્મવિશ્વાસની કમી, નિર્ણય લેવામાં વિલંબ અને માનસિક મૂંઝવણ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે આ યોગની અસર દરેક પર અલગ-અલગ હશે, પરંતુ 4 રાશિના જાતકો માટે આગામી સમય પરીક્ષા જેવો સાબિત થઈ શકે છે.
આ 4 રાશિના જાતકોએ લાલબત્તી ધરવાની જરૂર
1. વૃષભ રાશિ (Taurus)
સૂર્ય-રાહુનો ગ્રહણ યોગ તમારા કરિયર અને કાર્યક્ષેત્રમાં અવરોધો લાવી શકે છે. ઓફિસમાં રાજકારણનો ભોગ બનવાની શક્યતા છે અથવા તમારા કામમાં ખોટી ભૂલો કાઢવામાં આવી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે દલીલબાજીમાં ઉતરવાનું ટાળજો. આ સમયે ધીરજ અને શાંતિ જ તમારી સાચી તાકાત સાબિત થશે.
2. સિંહ રાશિ (Leo)
સિંહ રાશિનો સ્વામી સૂર્ય પોતે છે, તેથી તમારા માટે આ યુતિ વિશેષ મહત્વની છે. આ યોગ તમારા દામ્પત્ય જીવન અને ભાગીદારીના વ્યવસાયમાં તણાવ લાવી શકે છે. જીવનસાથી સાથે નાની વાતમાં મોટો વિવાદ થવાની શક્યતા છે. કોઈપણ મહત્વપૂર્ણ કરાર કે દસ્તાવેજ પર સહી કરતા પહેલા બે વાર વિચારજો.
3. વૃશ્ચિક રાશિ (Scorpio)
તમારા માટે આ ગ્રહણ યોગ પારિવારિક સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે. ખાસ કરીને માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે છે. જમીન કે મિલકતને લગતા વિવાદોમાં અત્યારે પડવું નહીં. અંગત જીવનમાં કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે.
4. કુંભ રાશિ (Aquarius)
આ ગ્રહણ યોગ તમારી પોતાની જ રાશિમાં બની રહ્યો છે, તેથી સૌથી વધુ અસર તમારા પર પડશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવી શકો છો. ઉતાવળમાં લેવાયેલો કોઈ પણ નિર્ણય ભવિષ્યમાં આર્થિક ફટકો આપી શકે છે. રોકાણ માટે આ સમય બિલકુલ યોગ્ય નથી.
ગ્રહણ યોગના અશુભ પ્રભાવથી બચવાના ઉપાયો
જો તમારી રાશિ ઉપર આ યોગની નકારાત્મક અસર દેખાઈ રહી હોય, તો નીચે મુજબના ઉપાયો કરવાથી રાહત મળી શકે છે:
સૂર્ય ઉપાસના: દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો અને 'આદિત્ય હૃદય સ્તોત્ર'નો પાઠ કરો.
દાનનું મહત્વ: કાળા તલ, સાત પ્રકારના ધાન્ય (સપ્તધાન્ય) અથવા ધાબળાનું ગરીબોને દાન કરવું લાભદાયક રહેશે.
મહાદેવની શરણ: 'ૐ નમઃ શિવાય' મંત્રનો શાંત ચિત્તે જાપ કરો. શિવજીની પૂજા રાહુના દોષોને શાંત કરે છે.
જીવદયા: પક્ષીઓને ચણ નાખો અને કૂતરાને રોટલી ખવડાવવાથી ગ્રહ પીડામાં રાહત મળે છે.




















