Home National Dk Shivakumar New Karnataka Chief Minister June 2026

ડીકે શિવકુમાર કર્ણાટક કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા : સિદ્ધારમૈયાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી, 3 જૂનના રોજ CM તરીકે લેશે શપથ

ડીકે શિવકુમારની છબી
Image Credit: X.com DK Shivakumar
Published by: Niraj Chokshi
Last Updated: May 30, 2026, 01:39 PM IST

ડીકે શિવકુમાર હવે કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. કર્ણાટકની રાજનીતિમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળો અને સત્તા પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસે અંતે નેતૃત્વ બદલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોંગ્રેસ વિધાનમંડળ દળ (CLP)ની બેઠકમાં ડીકે શિવકુમારના નામ પર સર્વસંમતિથી મંજૂરી મળતા હવે તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમનું શપથ ગ્રહણ 3 જૂનના રોજ બેંગલુરુમાં યોજાશે.

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર રચાયા બાદથી જ મુખ્યમંત્રી પદને લઈને આંતરિક સમીકરણો અને નેતૃત્વ બદલાવ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. અત્યાર સુધી મુખ્યમંત્રી તરીકે કામગીરી સંભાળતા સિદ્ધારમૈયાએ તાજેતરમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતએ તેમનું રાજીનામું સ્વીકારી સમગ્ર મંત્રીમંડળને વિસર્જિત કર્યું હતું.

આ પણ વાંચો: 'ઓપરેશન સિંદૂર 2.0' માટે ભારત તૈયાર : આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું મોટું નિવેદન

વિધાન સૌધામાં યોજાઈ નિર્ણાયક બેઠક

શનિવારે બેંગલુરુના વિધાનસભામાં કોંગ્રેસ વિધાનમંડળ દળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકની દેખરેખ કોંગ્રેસ હાઈકમાન્ડના વરિષ્ઠ નેતાઓ કે. સી. વેણુગોપાલઅને રણદીપ સિંહ સુરજેવાલાએ સંભાળી હતી. બેઠક દરમિયાન તમામ ધારાસભ્યોએ નવા નેતાની પસંદગી માટે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો.

ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં સિદ્ધારમૈયાએ ખુદ ડીકે શિવકુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને જી. પરમેશ્વરએ સમર્થન આપ્યું હતું. બાદમાં હાજર તમામ ધારાસભ્યોએ એકમતથી ડીકે શિવકુમારને વિધાનમંડળ દળના નવા નેતા તરીકે સ્વીકારી લીધા હતા.

આ પણ વાંચો: સોનારપુરમાં મમતા બેનર્જીના ભત્રીજા અને TMC સાંસદ અભિષેક પર હુમલો : ઈંડા-પથ્થરમારા વચ્ચે હેલ્મેટ પહેરી બચાવાયા

સિદ્ધારમૈયાના રાજીનામા બાદ બદલાઈ રાજકીય સ્થિતિ

સિદ્ધારમૈયાએ બેઠક દરમિયાન સ્પષ્ટ કહ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી અને કોંગ્રેસ વિધાનમંડળ દળના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે અને નવા નેતાની પસંદગીનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે. તેમના રાજીનામા સાથે કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે.

કોંગ્રેસે પોતાના ઠરાવમાં સિદ્ધારમૈયાના કાર્યકાળની પ્રશંસા પણ કરી હતી. પાર્ટીએ જણાવ્યું કે તેમણે 2013થી 2018 અને ત્યારબાદ 2023થી 2026 સુધી મુખ્યમંત્રી તરીકે રાજ્ય માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સામાજિક ન્યાય, કલ્યાણકારી યોજનાઓ અને સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠાને કોંગ્રેસે ખાસ બિરદાવી હતી.

3 જૂને થશે શપથ ગ્રહણ

ડીકે શિવકુમારના શપથ ગ્રહણ સમારોહની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. કોંગ્રેસના રાજ્ય નેતાઓએ માહિતી આપી છે કે 3 જૂનના રોજ બેંગલુરુ સ્થિત લોક ભવનના ગ્લાસ હાઉસમાં શપથવિધિ યોજાશે. શરૂઆતમાં ભવ્ય કાર્યક્રમ યોજવાની ચર્ચા હતી, પરંતુ બાદમાં પાર્ટીએ સાદગીપૂર્ણ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ, રાજ્યના ધારાસભ્યો, મંત્રીમંડળના સભ્યો અને હજારો કાર્યકરો હાજર રહે તેવી શક્યતા છે. નવા મંત્રીમંડળની રચના અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં કેટલાક નવા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.

આ પણ વાંચો: IT મેનેજરની લાખોની નોકરી છોડી, હવે રિક્ષા ચલાવે છે મહિલા! : કારણ જાણીને તમે પણ વિચારમાં પડી જશો

કર્ણાટકની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક

ડીકે શિવકુમાર લાંબા સમયથી કોંગ્રેસના પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા છે. રાજ્યમાં કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડવામાં તેમની સંગઠનક્ષમતા અને રાજકીય વ્યૂહરચનાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અત્યાર સુધી તેઓ ઉપમુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા અને હવે મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે.

રાજકીય વિશ્લેષકોના મતે આ પરિવર્તન કોંગ્રેસ માટે આગામી ચૂંટણી અને રાજ્યના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણય છે. કર્ણાટકમાં છેલ્લા 17 વર્ષ બાદ કોંગ્રેસ સરકારમાં આ પ્રકારનું નેતૃત્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે.

ડીકે શિવકુમાર સામે હવે રાજ્યના વિકાસ, બેંગલુરુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી અને ટ્રાફિક જેવી મોટી સમસ્યાઓના ઉકેલ સાથે કોંગ્રેસના વચનોને અમલમાં મૂકવાનો પડકાર રહેશે. બીજી તરફ સિદ્ધારમૈયા ભલે મુખ્યમંત્રી પદેથી વિદાય લઈ રહ્યા હોય, પરંતુ પક્ષમાં તેમનો પ્રભાવ અને માર્ગદર્શન યથાવત રહેવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now