Satluj Film: અભિનેતા દિલજીત દોસાંજ અભિનીત રાજકીય-સામાજિક ફિલ્મ 'Satluj' ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. Zee5 પર રિલીઝ થયાના માત્ર બે દિવસમાં ફિલ્મને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવતા શીખ સમુદાયમાં ભારે અસંતોષ ફેલાયો છે. હવે દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC)એ આ પગલાની સખત નિંદા કરતાં તેને "સત્યને દબાવવાનો પ્રયાસ" ગણાવ્યો છે અને દેશભરમાં ફિલ્મનું જાહેર પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે.
DSGMCનો વિરોધ, ફિલ્મ લોકોને બતાવવાનો નિર્ણય
દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ હરમીત સિંહ કાલકાએ જણાવ્યું કે જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત ફિલ્મને OTT પરથી દૂર કરવાનો નિર્ણય અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમના કહેવા મુજબ ખાલરાએ પંજાબમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન કથિત માનવાધિકાર ઉલ્લંઘનોને લઈને મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કર્યા હતા અને હજારો અજાણ્યા મૃતદેહોના ગેરકાયદેસર અગ્નિસંસ્કારનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યો હતો.
કાલકાએ જણાવ્યું કે આવી ઐતિહાસિક ઘટના પર આધારિત ફિલ્મને લોકો સુધી પહોંચતા અટકાવવી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ઐતિહાસિક સત્ય બંને માટે ચિંતાજનક બાબત છે. તેમણે તમામ ગુરુદ્વારા સભ્યોને ફિલ્મ ઉપલબ્ધ હોય ત્યાંથી ડાઉનલોડ કરીને પોતાના વિસ્તારોમાં જાહેર પ્રદર્શન યોજવાની અપીલ કરી છે. સાથે જ DSGMCએ યુવા પેઢીને જસવંત સિંહ ખાલરાના જીવન અને તેમના યોગદાન વિશે માહિતગાર કરવા માટે પોતાની હેઠળની શાળાઓ અને કોલેજોમાં વિશેષ સેમિનાર અને જાગૃતિ કાર્યક્રમો યોજવાની પણ જાહેરાત કરી છે.
'સતલુજ'ની વાર્તા શું કહે છે?
દિગ્દર્શક હની ત્રેહાનની ફિલ્મ 'સતલુજ' માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દિલજીત દોસાંઝ ખાલરાની ભૂમિકામાં જોવા મળે છે. વાર્તા એક સામાન્ય બેંક ક્લાર્કથી શરૂ થાય છે, જે પછી માનવાધિકાર કાર્યકર્તા બની પંજાબમાં થયેલા કથિત નકલી એન્કાઉન્ટર અને ગુપ્ત રીતે મૃતદેહોના નિકાલ જેવા ગંભીર મુદ્દાઓને ઉજાગર કરે છે. જસવંત સિંહ ખાલરા વર્ષ 1995માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે કેટલાક પંજાબ પોલીસ કર્મચારીઓને તેમના અપહરણ, ત્રાસ અને હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જોકે આજે સુધી તેમનો મૃતદેહ મળી આવ્યો નથી. આ સમગ્ર ઘટનાને ફિલ્મમાં નાટ્યાત્મક પરંતુ ઐતિહાસિક સંદર્ભ સાથે રજૂ કરવામાં આવી છે.
શરૂઆતથી જ વિવાદોમાં રહી ફિલ્મ
આ ફિલ્મનું મૂળ નામ 'પંજાબ 95' હતું. ફિલ્મને રિલીઝ પહેલાં લાંબા સમય સુધી સેન્સર સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મને પ્રમાણપત્ર આપવા માટે લગભગ ચાર વર્ષ સુધી પ્રક્રિયા ચાલી હતી અને સેન્સર બોર્ડ તરફથી મોટી સંખ્યામાં કટ્સ સૂચવવામાં આવ્યા હોવાની ચર્ચા થઈ હતી. તાજેતરમાં ફિલ્મને નવા નામ 'સતલુજ' હેઠળ Zee5 પર કોઈ મોટા પ્રચાર કે ટ્રેલર વિના રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ માત્ર બે દિવસ બાદ જ તેને પ્લેટફોર્મ પરથી દૂર કરી દેવામાં આવી, જેના કારણે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ. મીડિયા અહેવાલો મુજબ, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે ફિલ્મને દૂર કરવા પાછળ ટેક્નિકલ અને નિયમનકારી કારણોનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક અહેવાલોમાં માહિતી ટેક્નોલોજી (IT) નિયમોના પાલન સાથે સંબંધિત મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે ફિલ્મને હટાવવાના ચોક્કસ કારણ અંગે સત્તાવાર વિગતવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી.
શા માટે મહત્વનો છે આ વિવાદ?
'સતલુજ'ને લઈને ઊભો થયેલો વિવાદ માત્ર એક ફિલ્મ પૂરતો મર્યાદિત નથી. આ ચર્ચા અભિવ્યક્તિની સ્વતંત્રતા, ઐતિહાસિક ઘટનાઓના ચિત્રણ, માનવાધિકાર અને ડિજિટલ પ્લેટફોર્મની જવાબદારી જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને સ્પર્શે છે.
શીખ સમુદાયના એક મોટા વર્ગનું માનવું છે કે જસવંત સિંહ ખાલરાના જીવન અને તેમના સંઘર્ષ વિશે નવી પેઢીને જાણકારી મળવી જોઈએ. બીજી તરફ OTT પ્લેટફોર્મ પર કન્ટેન્ટના નિયમન અને કાનૂની પાલન અંગે પણ ચર્ચા તેજ બની છે.
આવનારા દિવસોમાં ફિલ્મ ફરી OTT પર ઉપલબ્ધ થશે કે નહીં અથવા તેના સંબંધમાં કોઈ નવી કાનૂની કાર્યવાહી થશે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.





