ઓટો કોમ્પોનન્ટ ક્ષેત્રની અગ્રણી કંપની Dhoot Transmission એ IPO મારફતે ફંડ એકત્ર કરવા માટે બજાર નિયામક Securities and Exchange Board of India (SEBI) સમક્ષ અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યો છે. કંપની IPO દ્વારા મોટા પાયે મૂડી ભેગી કરવાની તૈયારીમાં છે, જેમાં નવા ઇક્વિટી શેર જારી કરવા ઉપરાંત ઓફર ફોર સેલ (OFS)નો પણ સમાવેશ થાય છે.
સેબી પાસે દાખલ કરાયેલા દસ્તાવેજો મુજબ પ્રસ્તાવિત IPO હેઠળ કંપની ₹1400 કરોડના નવા ઇક્વિટી શેર જારી કરશે. તેની સાથે પ્રમોટર્સ અને હાલના શેરહોલ્ડર્સ દ્વારા 1.63 કરોડ સુધીના ઇક્વિટી શેરોની વેચાણ ઓફર પણ કરવામાં આવશે. IPO બજારમાં આવતાં ઓટો કોમ્પોનન્ટ સેક્ટરમાં ફરી એકવાર રોકાણકારોની નજર આકર્ષાઈ શકે છે.
કયા રોકાણકારો વેચશે હિસ્સેદારી?
ઓફર ફોર સેલ અંતર્ગત અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ Bain Capital તેની સહયોગી કંપની BC Asia Investments XV Limited મારફતે અંદાજે 1.32 કરોડ ઇક્વિટી શેર વેચશે. ઉપરાંત મંગલમ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, જે અગાઉ મંગલમ કોઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી, તે પણ લગભગ 31.18 લાખ શેર વેચશે.
આ IPO દ્વારા કંપનીને માત્ર મૂડી જ નહીં પરંતુ બજારમાં બ્રાન્ડ મૂલ્ય અને રોકાણકારોમાં વિશ્વાસ વધારવાની પણ અપેક્ષા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં વાયરિંગ સિસ્ટમ્સ અને ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે આ સેક્ટરની કંપનીઓ માટે વૃદ્ધિના નવા અવસર ઉભા થયા છે.
આ પણ વાંચો: 119 કરોડના બેંક કૌભાંડમાં ત્રાટક્યું CBI! : અમદાવાદ સહિત 7 સ્થળોએ દરોડા, અનેક મહત્વના અને શંકાસ્પદ દસ્તાવેજો
દેવું ઘટાડવા અને નવા પ્લાન્ટ માટે થશે ફંડનો ઉપયોગ
કંપની IPOમાંથી મળનારી રકમનો મોટો ભાગ કર્જ ઘટાડવા માટે ઉપયોગમાં લેશે. મળતી માહિતી મુજબ અંદાજે ₹493.9 કરોડનો ઉપયોગ કંપની પોતાનું કર્જ ચૂકવવા માટે કરશે. સાથે જ તેની સહાયક કંપનીઓ - ધૂત ઓટોકોમ્પોનન્ટ્સ, ધૂત ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ, ધૂત ઓટોમોટિવ સિસ્ટમ્સ અને ધૂત ટ્રાન્સમિશન યુકે લિમિટેડના લોન ચૂકવવા માટે ₹272.58 કરોડ ફાળવવામાં આવશે.
આ ઉપરાંત કંપની હરિયાણાના ઝઝ્જર અને તમિલનાડુના હોસુર ખાતે નવા વાયરિંગ હાર્નેસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે પણ રોકાણ કરશે. આ માટે અંદાજે ₹150 કરોડ ફાળવવામાં આવ્યા છે. કંપનીના વિસ્તરણના આ પગલાંને ભવિષ્યમાં વધતી ઓટોમોબાઇલ માંગ સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.
વર્ષ 1999માં સ્થાપિત ધૂત ટ્રાન્સમિશન મુખ્યત્વે ‘વાયરિંગ હાર્નેસ’ના ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ક્ષેત્રમાં કાર્યરત છે. કંપની ઇલેક્ટ્રોનિક સેન્સર, કંટ્રોલર, સ્વિચ, ટર્મિનલ, કનેક્ટર, જંક્શન બોક્સ, હાઈ વોલ્ટેજ ઇન્ટરકનેક્શન સિસ્ટમ અને ડેટા કેબલ ઇન્ટિગ્રેશન જેવા મહત્વપૂર્ણ ઓટો કોમ્પોનન્ટ્સ પૂરાં પાડે છે.
વિત્તીય પ્રદર્શન રહ્યું મજબૂત
કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. FY2023થી FY2025 દરમિયાન કંપનીની આવક અને નફામાં નોંધપાત્ર વધારો થયો છે. કંપનીનું ઓપરેશનલ રેવન્યુ FY2023 ના ₹2,125.86 કરોડથી વધીને FY2025માં ₹3,444.86 કરોડ થયું છે, જે લગભગ 62 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
તે જ સમયગાળામાં કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) ₹163.91 કરોડથી વધીને ₹353.89 કરોડ થયો છે, જે દોગણા કરતાં વધુ છે. EBITDA પણ ₹298.68 કરોડથી વધીને ₹590.96 કરોડ સુધી પહોંચ્યું છે. EBITDA માર્જિન 14.05 ટકાથી વધીને 17.15 ટકા થયું છે, જ્યારે PAT માર્જિન 7.69 ટકાથી વધીને 10.19 ટકા સુધી પહોંચ્યું છે.
31 ડિસેમ્બર 2025 સુધીના નવ મહિનામાં કંપનીના ગ્રાહકોની સંખ્યા 477 હતી, જ્યારે FY2025માં 466, FY2024માં 436 અને FY2023માં 453 ગ્રાહકો હતા. ગ્રાહકોની વધતી સંખ્યા કંપનીના માર્કેટ વિસ્તરણ અને મજબૂત બિઝનેસ નેટવર્ક તરફ સંકેત આપે છે.
આ પણ વાંચો: CNG Price: પેટ્રોલ-ડીઝલ પછી CNGના ભાવમાં પણ ભડકો : વહેલી સવારે આટલા રૂપિયા વધી ગયો રેટ
કયા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સંભાળશે IPO?
આ IPO માટે અનેક અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક્સને બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમાં Axis Capital, Jefferies India Private Limited, Kotak Mahindra Capital Company, Nomura Financial Advisory and Securities India, SBI Capital Markets અને 360 ONE WAM Limitedનો સમાવેશ થાય છે.
IPO માટેની તારીખો અને પ્રાઈસ બેન્ડ અંગેની સત્તાવાર જાહેરાત આગામી સમયમાં થવાની શક્યતા છે. બજાર નિષ્ણાતોના મતે, ઓટો કોમ્પોનન્ટ સેક્ટરમાં કંપનીની મજબૂત સ્થિતિને કારણે IPO રોકાણકારો માટે આકર્ષક બની શકે છે.





