Dholka flood: અમદાવાદ અને જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદ બાદ ધોળકા વિસ્તારમાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિમાં આધુનિક ડ્રોન ટેક્નોલોજીએ રાહત અને બચાવ કામગીરીને નવી દિશા આપી છે. મહેસાણા સ્થિત સ્ટાર્ટઅપ 'પ્રાઈમ યુએવી' (Prime UAV)ની વિશેષ ડ્રોન ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને ફસાયેલા લોકોનું લોકેશન શોધવાથી લઈને ફૂડ પેકેટ અને પીવાનું પાણી પહોંચાડવા સુધીની મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. પૂરના કારણે ધોળકાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કેટલીક જગ્યાએ શાળાઓમાં બાળકો અને સ્થાનિક નાગરિકો ફસાઈ ગયા હતા, જ્યારે રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા પરંપરાગત વાહનો માટે ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું હતું. આવી કટોકટીની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા માટે મહેસાણાના સ્ટાર્ટઅપ 'પ્રાઈમ યુએવી'ની નિષ્ણાત ડ્રોન ટીમ તાત્કાલિક ધોળકા પહોંચી હતી.
ટ્રેક્ટર અને હોડી મારફતે પહોંચાડવામાં આવ્યા અત્યાધુનિક ડ્રોન
પૂરના પાણીનું સ્તર એટલું ઊંચું હતું કે અનેક વિસ્તારોમાં સામાન્ય વાહનો જઈ શકતા ન હતા. ટીમે સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને ટ્રેક્ટર અને હોડી મારફતે પોતાના અત્યાધુનિક ડ્રોન, ઓપરેટિંગ સિસ્ટમ અને જરૂરી સાધનોને અસરગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચાડ્યા હતા. ત્યારબાદ ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારનું સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું અને બચાવ કામગીરીને ઝડપી બનાવવામાં આવી.
GPS ટ્રેકિંગથી ફસાયેલા લોકોનું લોકેશન શોધાયું
ડ્રોનમાં લગાવવામાં આવેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને GPS સિસ્ટમની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોનું ચોક્કસ લોકેશન શોધવામાં આવ્યું હતું. આ માહિતી તાત્કાલિક રેસ્ક્યૂ ટીમો, બોટ ઓપરેટરો અને સ્થાનિક વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં આવી, જેના કારણે બચાવ કામગીરી વધુ અસરકારક બની. ખાસ કરીને જ્યાં પાણીનું પ્રમાણ વધુ હતું અને લોકો સુધી સીધું પહોંચવું મુશ્કેલ હતું ત્યાં ડ્રોન દ્વારા મળેલી માહિતી જીવનરક્ષક સાબિત થઈ.
જ્યાં બોટ પણ ન પહોંચી ત્યાં ડ્રોને પહોંચાડ્યું ભોજન
રાહત કામગીરી દરમિયાન ડ્રોનની મદદથી પીવાનું પાણી અને ફૂડ પેકેટ્સ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા હતા. ડ્રોન સાથે ખાસ તૈયાર કરાયેલા સુરક્ષિત પેલોડ બોક્સનો ઉપયોગ કરીને પાણી અને વોટરપ્રૂફ પેકિંગમાં તૈયાર કરાયેલ ભોજન એવા વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યું જ્યાં બોટ અથવા અન્ય વાહનો પહોંચી શકતા નહોતા. આ કામગીરીથી અનેક લોકો સુધી સમયસર જરૂરી સહાય પહોંચાડી શકાયી.
દિવસ-રાત સતત ચાલી બચાવ કામગીરી
પ્રાઈમ યુએવીની ટીમે દિવસ અને રાત બંને સમયે કામગીરી ચાલુ રાખી હતી. રાત્રિના અંધકારમાં પણ વિશેષ સર્વેલન્સ ડ્રોન દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે બચાવ ટીમોને યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદ મળી. ડ્રોન દ્વારા મળતી રિયલ-ટાઈમ માહિતીના આધારે પાણીમાં ગરકાવ થયેલા રસ્તાઓ, મકાનો અને જોખમી વિસ્તારોની ઓળખ સરળ બની હતી.
માનવતાની સેવામાં ટેક્નોલોજી
પ્રાઈમ યુએવી સામાન્ય રીતે કૃષિ, ફોરેસ્ટ મેનેજમેન્ટ, મચ્છર નિયંત્રણ, પાણી ભરાયેલા વિસ્તારોની ઓળખ તેમજ દવા છંટકાવ જેવી સેવાઓ માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. જોકે ધોળકાની કટોકટીની પરિસ્થિતિમાં કંપનીએ પોતાની ટેક્નોલોજી માનવતાની સેવામાં સમર્પિત કરવાનો નિર્ણય લીધો.
આ સમગ્ર કામગીરી કોઈપણ વ્યાવસાયિક લાભ વિના, સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે અને સામાજિક જવાબદારીના ભાવ સાથે હાથ ધરવામાં આવી હતી.
"લોકોના જીવ બચાવવા ટેક્નોલોજી કામ આવે એ જ અમારી સફળતા"
પ્રાઈમ યુએવીના ફાઉન્ડર અને સીઈઓ પ્રદીપ પટેલે જણાવ્યું કે, "આપત્તિના સમયે આધુનિક ટેક્નોલોજી લોકોના જીવ બચાવવામાં મદદરૂપ બને, એ જ અમારી ટેક્નોલોજીની સાચી સફળતા છે. ધોળકામાં બાળકો અને નાગરિકો ફસાયા હોવાની જાણ થતાં જ અમારી ટીમ તરત જ ડ્રોન સાથે પહોંચી ગઈ હતી. માનવતાની આ સેવા કરવાનો અમને ગર્વ છે."
2019માં શરૂ થયેલું સ્ટાર્ટઅપ આજે બની રહ્યું છે રાહત કામગીરીનો સહયોગી
મહેસાણા ખાતે વર્ષ 2019માં શરૂ થયેલી 'Prime UAV' કેન્દ્ર સરકારના DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ છે. કંપની કસ્ટમાઇઝ્ડ ડ્રોન નિર્માણ ઉપરાંત સર્વેલન્સ, મેપિંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્શન અને રેસ્ક્યૂ ઓપરેશન માટે આધુનિક ડ્રોન સોલ્યુશન્સ પૂરા પાડે છે. ધોળકાની બચાવ કામગીરી દરમિયાન કંપનીના પ્રદીપ પટેલ, હિતેન પટેલ, ઓપરેશન હેડ યાજ્ઞિક લખતરિયા તેમજ ટીમના રાહુલ, દીપક અને હર્ષિલ પટેલે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને સતત કામગીરી સંભાળી હતી.
આ પણ વાંચો: દોઢ વર્ષથી શ્વાસનળીમાં ફસાયેલો હતો દાંત : અમદાવાદ સિવિલમાં માત્ર 2 મિનિટમાં થયો ચમત્કારિક ઈલાજ
આપત્તિમાં આશાનું નવું કિરણ
ધોળકાની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યારે આધુનિક ટેક્નોલોજી અને માનવતા એકસાથે કાર્ય કરે છે ત્યારે આપત્તિ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અનેક જીવ બચાવી શકાય છે. ડ્રોન ટેક્નોલોજી હવે માત્ર સર્વેલન્સ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ આપત્તિ વ્યવસ્થાપન, રાહત સામગ્રી પહોંચાડવા અને જીવ બચાવવા માટે પણ અત્યંત અસરકારક સાધન તરીકે ઉભરી રહી છે.





