Home International Cluster Bomb Cost Destruction Lethality Iran Israel War

ક્લસ્ટર બોમ્બની કિંમત અને વિનાશક ક્ષમતા : જાણો એક મિસાઈલ કેટલા વિસ્તારમાં ફેલાવી શકે છે મોતનું તાંડવ

ક્લસ્ટર બોમ્બની કિંમત અને વિનાશક ક્ષમતા
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 04:00 PM IST

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવમાં ક્લસ્ટર વોરહેડ ધરાવતી બેલેસ્ટિક મિસાઈલોના ઉપયોગના અહેવાલોએ વિશ્વભરમાં ચિંતા જગાવી છે. ઈઝરાયેલના અધિકારીઓએ દાવો કર્યો છે કે ઈરાને તેમના વિસ્તારોને નિશાન બનાવવા માટે ક્લસ્ટર હથિયારોનો પ્રયોગ કર્યો છે. આ હથિયારો સામાન્ય બોમ્બ કરતા કેટલા અલગ છે અને તેને બનાવવા પાછળ કેટલો ખર્ચ થાય છે, તે અંગેની વિગતો ખૂબ જ ચોંકાવનારી છે.

એક ક્લસ્ટર બોમ્બની અંદાજિત કિંમત

ક્લસ્ટર હથિયારોની કિંમત તેની ટેકનોલોજી અને મારક ક્ષમતા પર નિર્ભર હોય છે. એક સાધારણ 155 mm આર્ટિલરી શેલની કિંમત અંદાજે $500 થી $3000 ની વચ્ચે હોય છે. ભારતીય ચલણમાં આ રકમ આશરે ₹42000થી ₹2.5 લાખ જેટલી થાય છે. જોકે, આધુનિક અને સ્માર્ટ ક્લસ્ટર મ્યુનિશનની કિંમત ઘણી વધારે હોય છે. દાખલા તરીકે, SMArt 155 જેવા હાઈટેક શેલની કિંમત પ્રતિ યુનિટ $80000 સુધી પહોંચી શકે છે. જ્યારે આ વોરહેડને બેલેસ્ટિક મિસાઈલ સાથે જોડવામાં આવે ત્યારે તેની કુલ કિંમતમાં મોટો ઉછાળો આવે છે.

કઈ રીતે કામ કરે છે આ ઘાતક હથિયાર?

ક્લસ્ટર બોમ્બની કાર્યપ્રણાલી સામાન્ય વિસ્ફોટકો કરતા ભિન્ન છે. આ બોમ્બ એક મોટું કન્ટેનર હોય છે, જેને ‘ડિસ્પેન્સરી’ પણ કહેવામાં આવે છે. જ્યારે તેને લોન્ચ કરવામાં આવે છે, ત્યારે તે હવામાં જ ખુલી જાય છે અને તેની અંદર રહેલા સેંકડો નાના બોમ્બ (સબમ્યુનિશન અથવા બોમ્બલેટ) જમીન પર ફેલાઈ જાય છે. આ નાના બોમ્બ જમીન પર પછડાતાની સાથે જ મોટા વિસ્તારમાં એકસાથે વિસ્ફોટ કરે છે.

વિનાશનો વ્યાપ અને જોખમ

ક્લસ્ટર બોમ્બની સૌથી ભયાનક બાબત તેનો પ્રહાર વિસ્તાર છે. એકવાર હવામાં ડિસ્પેન્સરી ફાટ્યા પછી, તેની અંદરના બોમ્બલેટ્સ ફૂટબોલના અનેક મેદાન જેટલા મોટા વિસ્તારમાં પથરાઈ જાય છે. એક જ કન્ટેનરમાંથી 9 થી લઈને સેંકડોની સંખ્યામાં સબમ્યુનિશન નીકળી શકે છે. દરેક નાનો બોમ્બલેટ 50 થી 100 મીટરના વિસ્તારમાં જાનમાલનું ભારે નુકસાન પહોંચાડવા સક્ષમ હોય છે.

યુદ્ધ પછીનું કાયમી જોખમ

આ હથિયાર માત્ર યુદ્ધ દરમિયાન જ નહીં, પણ યુદ્ધ પછી પણ જોખમી રહે છે. આંકડા મુજબ, આશરે 2% થી 40% જેટલા બોમ્બલેટ્સ પ્રહાર સમયે ફાટતા નથી. આ વણફૂટ્યા બોમ્બ જમીન પર લેન્ડમાઈન (જમીની સુરંગ) ની જેમ પડ્યા રહે છે, જે વર્ષો પછી પણ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને વર્ષ 2008માં 111 દેશોએ આ હથિયારો પર પ્રતિબંધ મૂકતી આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, ઈરાન અને ઈઝરાયેલ જેવા દેશો આ સંધિમાં સામેલ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now