Home National Chhattisgarh Bjp Leader Bharat Singh Burnt Alive Sand Mining Dispute Koriya

છત્તીસગઢમાં ખાણ વિવાદે લીધો ભયાનક વળાંક : BJP નેતા સહિત 3 લોકોને જીવતા સળગાવ્યા, વિસ્તારમાં તણાવનો માહોલ

Chhattisgarh BJP Leader burnt Alive
Image Credit: @labheshghosh
Published by: Nirali Gohil
Last Updated: Jun 18, 2026, 10:11 AM IST

Chhattisgarh BJP Leader burnt Alive: છત્તીસગઢના કોરિયા જિલ્લામાં રેતી ખનનના વિવાદે હિંસક અને ભયાનક સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ભાજપના નેતા અને પૂર્વ જનપદ પંચાયત પ્રમુખ ભરત સિંહ ઉર્ફે લલ્લા સિંહ સહિત ત્રણ લોકોના જીવતા સળગી જવાના બનાવે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ હુમલાખોરોએ તેમની SUVને ટ્રકો વચ્ચે ફસાવી પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. આ ઘટના સોનહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌગઈન ગામ નજીક મંગળવાર મોડી રાત્રે બની હતી. બનાવ બાદ સમગ્ર કોરિયા જિલ્લામાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સમાધાન માટે ગયા હતા, પરંતુ ફસાઈ ગયા કથિત ષડયંત્રમાં

મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર ભરત સિંહ રેતી ખાણના સંચાલનને લઈને ચાલી રહેલા વિવાદનું સમાધાન લાવવા માટે બેઠકમાં જોડાવા ગયા હતા. જોકે તેમને કથિત રીતે પૂર્વ આયોજનબદ્ધ ષડયંત્ર હેઠળ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. પરિવારનો આરોપ છે કે સ્થળ પર પહોંચ્યા બાદ તેમની ફોર્ચ્યુનર SUVને ઘેરી લેવામાં આવી હતી અને તેમને બહાર નીકળવાની કોઈ તક આપવામાં આવી નહોતી. થોડા જ સમયમાં વાહન આગની લપેટમાં આવી ગયું હતું.

SUVને ટ્રકો વચ્ચે ઘેરી સળગાવ્યાનો આરોપ

તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ ભરત સિંહ અને તેમના સાથીદારો જે ફોર્ચ્યુનર કારમાં મુસાફરી કરી રહ્યા હતા, તેને કથિત રીતે આગળ અને પાછળ ટ્રક ઉભા રાખીને રોકી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવો આરોપ છે કે ત્યારબાદ વાહન પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દેવામાં આવી હતી. આગ એટલી ભયાનક હતી કે કારમાં સવાર લોકો બહાર નીકળી શક્યા નહોતા. આ હુમલામાં ભરત સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના સાથી વીરેન્દ્ર સિંહે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ત્રીજા મૃતક નગેન્દ્ર સિંહ હતા, જે વ્યવસાયે શિક્ષક અને ભરત સિંહના સંબંધમાં ભાઈ હતા.

આ પણ વાંચો: મમતા બેનર્જીને હાઈકોર્ટમાંથી મળ્યો મોટો ઝટકો! : બળવાખોર ઋતબ્રત બેનર્જી બનશે બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા

એક વ્યક્તિની હાલત ગંભીર

આ હુમલામાં કારમાં સવાર મયંક સિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના માથા અને ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલ બિલાસપુરની એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટરો તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર,વિસ્તારમાં રેતી ખાણનો કોન્ટ્રાક્ટ ભરત સિંહના પરિવારને મળ્યો હતો. ત્યારબાદ રેતીના પરિવહન, વસૂલાત અને ખાણ સંચાલનને લઈને વિવિધ જૂથો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. સોનહાટ, કૈલાશપુર, ટેલીમુડા, બેલિયા અને છિંગુરા વિસ્તારોમાં રેતી પરિવહન અને તેની આવકને લઈને લાંબા સમયથી તણાવ ચાલતો હતો. અહેવાલો અનુસાર ભરત સિંહના જૂથ અને ભાજપ સાથે સંકળાયેલા મનોજ ત્રિપાઠીના પરિવાર વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો હતો.

ચાર આરોપીઓની ધરપકડ, અન્યની શોધખોળ

પોલીસે આ કેસમાં અત્યાર સુધી અક્ષત ત્રિપાઠી, વિશાલ ત્રિપાઠી, સત્યપ્રકાશ ત્રિપાઠી અને મન્નુ ત્રિપાઠીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે કુલ નવ નામજોગ આરોપીઓ સામે હત્યા, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર ઘટનાની વિવિધ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા હતા ભરત સિંહ

ભરત સિંહ સ્થાનિક રાજકારણમાં જાણીતું નામ હતા. તેઓ અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ બાદમાં છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સરકારના કાર્યકાળ દરમિયાન ભાજપમાં જોડાયા હતા. આ ઘટનાએ માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત

ત્રણ લોકોના મોત બાદ કોરિયા જિલ્લામાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા પોલીસ અને વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં ખાણ વ્યવસાય સાથે જોડાયેલ જૂનો વિવાદ હત્યાકાંડનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓની તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now