ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે હવે નવા ખુલાસાઓ સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા અકસ્માત પહેલાંના ટાંકીના ફોટા જાહેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે સ્થાનિક રહીશોએ વર્ષ 2023માં જ આ જર્જરિત ટાંકી ઉતારી લેવા માટે ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆત કરી હતી. તેમ છતાં સમયસર કાર્યવાહી ન થતાં આખરે 7 જૂનના રોજ ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.
આ ઘટનાને લઈને ગ્રામ પંચાયત, સ્થાનિક તંત્ર અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે ટાંકીની જોખમી સ્થિતિ અંગે વારંવાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં માત્ર ઉપરછલ્લા સમારકામથી કામ ચલાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ બેડામાં 14 PI ની અરસપરસ બદલી : અનેક પોલીસ મથકોને મળ્યા કાયમી પોલીસ ઇન્સ્પેક્ટર
2023 માં અરજી છતાં ટાંકી ઉતારાઈ નહીં
ભડકોદ્રા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રંજન વસાવાએ સ્વીકાર્યું હતું કે ટાંકી બાબતે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ ટાંકી જર્જરિત હોવાનું ધ્યાનમાં લઈને તેને વર્ષ 2024-25ના આયોજનમાં નવી ટાંકી માટે સમાવેશ કરવામાં આવ્યો હતો.
જો કે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2023માં અરજી મળ્યા બાદ પંચાયતે સ્થાનિકોને જવાબ આપ્યો હતો કે ટાંકી સોસાયટી અથવા ખાનગી માલિકીની છે અને તેને ઉતારવાની જવાબદારી સંબંધિત માલિકોની છે. પંચાયત તરફથી તે સમયે ટાંકી ઉતારવાની સીધી કાર્યવાહી કરવામાં આવી નહોતી.
આ નિવેદન બાદ હવે સવાલ ઊભો થયો છે કે જો ટાંકી ખાનગી માલિકીની હતી તો બાદમાં પંચાયતે એ જ ટાંકીના સ્થાને નવી ટાંકી બનાવવા માટે સરકારી આયોજન અને મંજૂરી કેવી રીતે મેળવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની રાહત : આગામી 2 દિવસ વરસાદની શક્યતા,13 જૂનથી સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ બદલાશે માહોલ
જર્જરિત ટાંકી પર કરવામાં આવ્યું હતું સમારકામ
રંજન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ટાંકી અત્યંત જર્જરિત હોવાથી નવી ટાંકીના આયોજન સુધી તેને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સમારકામ કરવામાં આવતું હતું. પંચાયતના જણાવ્યા મુજબ આ સમારકામ સાવચેતીના પગલાં તરીકે હાથ ધરવામાં આવ્યું હતું.
જોકે કોંગ્રેસે આ દાવા સામે વાંધો ઉઠાવતા જણાવ્યું છે કે જોખમી ટાંકી ઉતારવાને બદલે તેના પર સમારકામ કરવામાં આવ્યું હતું અને તે પણ પાણી ભરેલી સ્થિતિમાં કરવામાં આવતું હતું. કોંગ્રેસના મતે આ નિર્ણય ગંભીર બેદરકારી સમાન છે.
કોંગ્રેસે અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી
કોંગ્રેસ અગ્રણી Sherkhan Pathan એ સમગ્ર મામલે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગામલોકોએ વારંવાર ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓને ટાંકીની જોખમી સ્થિતિ અંગે ચેતવણી આપી હતી. છતાં કોઈએ યોગ્ય ધ્યાન આપ્યું નહીં.
તેમણે આક્ષેપ કર્યો કે ટાંકીનું વીજ બિલ ભરવું, પાણી ભરવું અને તેની જાળવણી સહિતની તમામ જવાબદારી પંચાયતની હતી. તેથી ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને ગ્રામ પંચાયતના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
કોંગ્રેસે ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે જેથી બેદરકારી માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી થઈ શકે.
આ પણ વાંચો: ઈન્ડિયન આર્મીની નોકરી છોડી ગુનાખોરીની દુનિયામાં મૂક્યો હતો પગ : ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે નામ ખૂલ્યું હતું, જાણો કોણ હતો મહાવીરસિંહ સિંધવ
300 થી વધુ મકાનો પર પાણી સંકટ
ટાંકી ધરાશાયી થતાં ભડકોદ્રા ગામના આશરે 300 મકાનોમાં પાણી પુરવઠાની સમસ્યા ઊભી થઈ છે. ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ હાલ બોરવેલમાંથી ડાયરેક્ટ કનેક્શન આપી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત જરૂર પડ્યે ટેન્કર મારફતે પણ પાણી પુરવઠો કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. જોકે ગામલોકો કાયમી ઉકેલ અને નવી પાણીની ટાંકીના ઝડપી નિર્માણની માંગ કરી રહ્યા છે.
હાલ સમગ્ર મામલે તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ વધુ તેજ બની છે. ટાંકી ધરાશાયી થવા પાછળની બેદરકારી અને વહીવટી ખામીઓ અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.






