BCCI : IPL 2026 ની ધૂમ વચ્ચે મુંબઈથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે જોડાયેલા અને હાલમાં ચાલી રહેલી IPL મેચોના બ્રોડકાસ્ટિંગની જવાબદારી સંભાળતા બ્રિટિશ એન્જિનિયર ઇયાન વિલિયમ લેંગફોર્ડનો મૃતદેહ દક્ષિણ મુંબઈની જાણીતી હોટલમાંથી મળી આવતા ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ઘટનાની વિગત : હોટલના રૂમમાં મળ્યો મૃતદેહ
બ્રિટિશ નાગરિક ઇયાન વિલિયમ લેંગફોર્ડ ગત 24 માર્ચથી મુંબઈની પ્રતિષ્ઠિત ટ્રાઈડેન્ટ હોટલમાં રોકાયા હતા. તેઓ IPL ના ટેકનિકલ કવરેજ માટે BCCI ની ટીમ સાથે કામ કરી રહ્યા હતા. 29 માર્ચના રોજ પોતાની ફરજ પૂરી કરીને તેઓ રાત્રે હોટલ પરત ફર્યા હતા. જોકે, બીજા દિવસે એટલે કે, 30 માર્ચના રોજ જ્યારે હોટલ રિસેપ્શન દ્વારા તેમને વારંવાર કોલ કરવામાં આવ્યા, ત્યારે કોઈ જવાબ મળ્યો નહોતો.
તપાસ : માસ્ટર કીથી રૂમ ખોલાયો
રૂમની અંદરથી લાંબા સમય સુધી કોઈ પ્રતિસાદ ન મળતા હોટલ સ્ટાફને શંકા ગઈ હતી. અંતે હોટલ મેનેજમેન્ટે માસ્ટર કીનો ઉપયોગ કરીને રૂમ ખોલ્યો હતો. રૂમની અંદર પ્રવેશતા જ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો, કારણ કે ઇયાન લેંગફોર્ડ ફ્લોર પર બેભાન અવસ્થામાં પડેલા હતા. તાત્કાલિક હોટલના ઇન-હાઉસ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા, જેમણે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ કાર્યવાહી : ADR નોંધવામાં આવ્યો
આ ઘટનાની જાણ થતાં જ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલમાં પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો રિપોર્ટ (ADR) દાખલ કર્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આ કુદરતી મૃત્યુ છે કે અન્ય કોઈ કારણ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.





