Ahemdabad Dev Sarovar Lake Beautification: અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં નાગરિકોને વધુ સારી જાહેર સુવિધાઓ અને હરિયાળું વાતાવરણ પૂરું પાડવા માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) સતત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરી રહ્યું છે. આ જ દિશામાં હવે જેતલપુર ખાતે આવેલા ઐતિહાસિક ‘દેવ સરોવર’ તળાવના આધુનિક વિકાસ અને સૌંદર્યીકરણની મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. લગભગ 1.89 લાખ ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા દેવ સરોવર તળાવને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવા માટે AUDA દ્વારા અંદાજે રૂ. 8.50 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. હાલમાં તળાવના બ્યુટિફિકેશન અને વિકાસની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે અને જૂન-2026ના અંત સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કુદરત અને આધુનિકતાનો અનોખો સમન્વય
દેવ સરોવરના વિકાસ પાછળનો મુખ્ય હેતુ માત્ર તળાવનું સૌંદર્ય વધારવાનો નથી, પરંતુ સ્થાનિક નાગરિકોને આરોગ્યપ્રદ અને કુદરતી વાતાવરણમાં સમય વિતાવવા માટે ઉત્તમ સ્થળ ઉપલબ્ધ કરાવવાનો પણ છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેવ સરોવર માત્ર તળાવ નહીં રહે, પરંતુ પરિવાર, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને યુવાનો માટે એક સંપૂર્ણ મનોરંજન અને આરામનું કેન્દ્ર બની જશે.
વોકિંગ અને જોગિંગ માટે ખાસ વ્યવસ્થા
ફિટનેસ પ્રેમીઓ માટે તળાવની ફરતે વિશાળ અને સુવ્યવસ્થિત વોક-વે તથા જોગિંગ ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે. સવાર અને સાંજના સમયે લોકો કુદરતી વાતાવરણ વચ્ચે વોકિંગ અને જોગિંગનો આનંદ માણી શકશે. આ ટ્રેકને ધ્યાનમાં રાખીને આસપાસ હરિયાળી અને લેન્ડસ્કેપિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

બાળકો માટે આકર્ષક પ્લે એરિયા
તળાવના વિકાસમાં બાળકોને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં આધુનિક રમત-ગમતના સાધનોથી સજ્જ ચિલ્ડ્રન પ્લે એરિયા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સુવિધા બાળકો માટે મનોરંજન અને શારીરિક વિકાસનું ઉત્તમ કેન્દ્ર સાબિત થશે. મુલાકાતીઓ કુદરતી સૌંદર્ય વચ્ચે આરામથી સમય વિતાવી શકે તે માટે તળાવ પરિસરમાં બે આકર્ષક ગઝેબો બનાવવામાં આવી રહ્યા છે. આ ગઝેબો પરિવાર અને મિત્રોને સાથે લઈને આવનારા મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ બનશે. મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આધુનિક ટોઇલેટ બ્લોક, સુશોભિત ગાર્ડન અને લેન્ડસ્કેપિંગ દ્વારા સમગ્ર પરિસરને વધુ આકર્ષક બનાવવામાં આવી રહ્યું છે.
મિયાવાકી પદ્ધતિથી તૈયાર થઈ રહ્યો છે ગ્રીન ઝોન
દેવ સરોવર પ્રોજેક્ટની સૌથી વિશેષ બાબતોમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા કરવામાં આવેલું પ્લાન્ટેશન સામેલ છે. તળાવની ફરતે ઘનિષ્ઠ વનસ્પતિ વિકસે તે માટે મિયાવાકી ટેક્નિકથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ઉપરાંત વોક-વેની આસપાસ રંગબેરંગી શોભાના છોડ અને કમ્પાઉન્ડ વોલની બાજુએ મોટા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ આયોજનના કારણે સમગ્ર વિસ્તાર ગ્રીન ઝોનમાં પરિવર્તિત થઈ રહ્યો છે, જે પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

નાગરિકોને મળશે નવું પિકનિક ડેસ્ટિનેશન
AUDAના આ પ્રોજેક્ટના પૂર્ણ થયા બાદ જેતલપુર અને આસપાસના વિસ્તારોના નાગરિકોને એક સુંદર અને આધુનિક પિકનિક સ્પોટ મળશે. કુદરતી સૌંદર્ય, હરિયાળી, મનોરંજન અને આરોગ્યપ્રદ સુવિધાઓના સમન્વયથી દેવ સરોવર આગામી સમયમાં અમદાવાદ નજીકનું મહત્વપૂર્ણ ફેમિલી ડેસ્ટિનેશન બની શકે છે. સ્થાનિક રહેવાસીઓ માટે આ પ્રોજેક્ટ માત્ર વિકાસ કાર્ય નહીં, પરંતુ જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવતું એક મહત્વપૂર્ણ જાહેર સ્થળ સાબિત થવાની અપેક્ષા છે.





