આજે 18 February 2026 ના રોજ ‘એશ વેડનેસડે’ એટલે કે રાખ બુધવાર સાથે ખ્રિસ્તી સમુદાયના સૌથી પવિત્ર ગણાતા ‘લેન્ટ’ (Lent) કાળની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયગાળો ખ્રિસ્તી ધર્મના લોકો માટે આત્મ-નિરીક્ષણ, પશ્ચાતાપ અને ઈશ્વરની નજીક જવાનો એક મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે. આજથી શરૂ કરીને આગામી 40 દિવસો સુધી (રવિવાર સિવાય) મસીહી સમાજના લોકો પ્રાર્થના, ઉપવાસ અને દાન-પુણ્ય જેવા કાર્યોમાં મગ્ન રહેશે. આ પવિત્ર કાળની પૂર્ણાહુતિ ઇસ્ટર સન્ડેના દિવસે થશે.
રાખ બુધવારનું ધાર્મિક મહત્વ
રાખ બુધવાર એ 40 દિવસના કઠિન ઉપવાસ કાળનો પ્રથમ દિવસ છે. આ દિવસે ચર્ચમાં પાદરી શ્રદ્ધાળુઓના માથા પર રાખથી ‘ક્રોસ’નું ચિહ્ન બનાવે છે. આ પરંપરા મનુષ્યને તેની નશ્વતાનો અહેસાસ કરાવે છે અને યાદ અપાવે છે કે માનવ શરીર માટીનું બનેલું છે અને અંતે માટીમાં જ મળી જવાનું છે. જોકે ઉપવાસ રાખવા માટે કોઈ દબાણ હોતું નથી, પરંતુ લોકો પોતાની સ્વેચ્છાએ ભક્તિભાવ સાથે આ વ્રત રાખે છે. આ દરમિયાન સૂર્યાસ્ત પછી માત્ર એક જ વાર ભોજન લેવાનો રિવાજ છે.
બુધવારથી જ લેન્ટની શરૂઆત કેમ?
લેન્ટનો સમયગાળો 40 દિવસનો હોય છે, પરંતુ તેની શરૂઆત બુધવારથી કરવા પાછળ પણ ઇતિહાસ છે. પ્રારંભિક ચર્ચ દ્વારા ઇસ્ટરની તારીખ નક્કી કર્યા પછી લેન્ટના પર્વને સાર્વત્રિક માન્યતા મળી હતી. વર્ષ 325 માં નાઇસિયા પરિષદમાં એ વાત પર સંમતિ બની હતી કે ઇસ્ટર વસંત વિષુવ પછીની પ્રથમ પૂર્ણિમા બાદ આવતા રવિવારે મનાવવામાં આવશે. ત્યારબાદ લેટિન ચર્ચમાં પ્રચલિત થયા પછી બુધવારને ધાર્મિક કેલેન્ડરમાં સામેલ કરવામાં આવ્યો હતો.
40 દિવસના ઉપવાસ પાછળનું બાઈબલનું જોડાણ
બાઈબલમાં 40 અંકનું વિશેષ મહત્વ છે અને આવી અનેક ઘટનાઓ છે જેમાં 40 દિવસનો ઉલ્લેખ મળે છે:
મૂસાએ સિનાઈ પર્વત પર 40 દિવસ અને રાત પરમેશ્વર પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
નૂહ અને તેમના સાથીઓએ 40 દિવસ સુધી વરસાદ રોકાવાની રાહ જોઈ હતી.
ઈસુએ બાપ્તિસ્મા લીધા પછી રણ વિસ્તારમાં 40 દિવસ અને રાત વિતાવ્યા હતા.
આવી જ પવિત્ર માન્યતાઓના આધારે ખ્રિસ્તી સમુદાયમાં લેન્ટના ઉપવાસ 40 દિવસ સુધી રાખવામાં આવે છે, જેની પૂર્ણાહુતિ પ્રભુ ઈસુના પુનરુત્થાનના પર્વ એટલે કે ઇસ્ટર સાથે થાય છે.




















