એન્ટાર્કટિકાના બરફમાંથી મળેલા પથ્થરનો નીકળ્યો ચંદ્રયાન-3 સાથે સંબંધ, ભારતીય વૈજ્ઞાનિકોનો મોટો દાવો
અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક અત્યંત રોમાંચક અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આશરે 40 વર્ષ કરતાં પણ વધુ સમય પહેલા એન્ટાર્કટિકાના બરફમાંથી મળી આવેલા એક ચંદ્ર ઉલ્કાપિંડ (Lunar Meteorite) નો સીધો સંબંધ ભારતના ઐતિહાસિક મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) ના લેન્ડિંગ સાઇટ સાથે હોવાનું સામે આવ્યું છે.
ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે, જે પ્રસિદ્ધ જર્નલ 'NPJ સ્પેસ એક્સપ્લોરેશન' માં પ્રકાશિત થયો છે.
શું છે આ ઉલ્કાપિંડ અને ચંદ્રયાન-3 નો સંબંધ?
વર્ષ 1981 માં એન્ટાર્કટિકાના એલન હિલ્સ (Allan Hills) વિસ્તારમાંથી એક ઉલ્કાપિંડ મળી આવ્યું હતું, જેને વૈજ્ઞાનિકોએ ALHA 81005 નામ આપ્યું હતું. આ પથ્થર વૈજ્ઞાનિક જગતમાં ખૂબ જ ખાસ છે કારણ કે તે પૃથ્વી પર મળેલો એવો પહેલો પથ્થર હતો જે સત્તાવાર રીતે ચંદ્ર પરથી આવ્યો હોવાનું સાબિત થયું હતું.
હવે, ભારતીય વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ ઉલ્કાપિંડના રાસાયણિક તત્વો બિલકુલ એવા જ છે, જે તત્વો ચંદ્રયાન-3 ના પ્રજ્ઞાન રોવર (Pragyan Rover) ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આવેલા 'શિવ શક્તિ સ્ટેશન' (Shiv Shakti Station) પર સંશોધન દરમિયાન મળ્યા હતા.
પ્રજ્ઞાન રોવરના ડેટાથી થયો ખુલાસો
વર્ષ 2023 માં ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યા બાદ, પ્રજ્ઞાન રોવરે તેના ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ Alpha Particle X-ray Spectrometer (APXS) ની મદદથી ત્યાંની માટી અને ખડકોનું રાસાયણિક પૃથ્થકરણ કર્યું હતું. PRL ના વૈજ્ઞાનિકોએ આ ડેટાની સરખામણી વિશ્વભરમાંથી મળેલા 66 લુનર ઉલ્કાપિંડના ડેટા સાથે કરી હતી. આ તમામમાંથી એન્ટાર્કટિકાનું ALHA 81005 ઉલ્કાપિંડ શિવ શક્તિ પોઇન્ટની માટી સાથે સૌથી સચોટ રીતે મેચ થયું છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, બંને જગ્યાએ એલ્યુમિનિયમ, આયર્ન અને મેગ્નેશિયમનું પ્રમાણ અદભુત રીતે સમાન છે. ખાસ કરીને અહીંની માટીમાં મેગ્નેશિયમનો નંબર Mg# 70 જોવા મળ્યો છે, જે ચંદ્રના સામાન્ય હાઇલેન્ડ વિસ્તાર કરતા ઘણો વધારે છે અને આ જ તેની ખાસ ઓળખ છે.
ચંદ્રના ઊંડા રહસ્યો ખુલશે
PRL ના ડાયરેક્ટર અનિલ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ શોધ ચંદ્રના અબજો વર્ષ જૂના ભૌગોલિક ઇતિહાસ અને તેની સપાટીની રચનાને સમજવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. ચંદ્રનો આ દક્ષિણ ધ્રુવ વિસ્તાર ખૂબ જ મહત્વનો છે કારણ કે ભૂતકાળમાં થયેલા મોટા ઉલ્કાપાતોને કારણે ચંદ્રના પેટાળમાં રહેલા ઊંડા સ્તરના પદાર્થો બહાર આવી ગયા છે. આ શોધથી સાબિત થાય છે કે ચંદ્રયાન-3 એ જે જગ્યાએ સંશોધન કર્યું છે તે માટી ચંદ્રના અંદરના ભાગ (Lower Crust અને Upper Mantle) ની હોઈ શકે છે.
આ સંશોધન પત્ર ડ્વિજેશ રાય, રિશિતોષ કે. સિંહા, સંતોષ વી. વડાવલે, એમ. શન્મુગમ અને અનિલ ભારદ્વાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેણે વૈશ્વિક સ્તરે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનો ડંકો વગાડ્યો છે.






