Home Gujarat Ambaji Temple Theft Donation Cctv Security

અયોધ્યા બાદ હવે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાં દાનચોરી! : CCTVમાં ઝડપાયો આરોપી; સુરક્ષા વ્યવસ્થા કરાઈ વધુ કડક

Ambaji Temple Theft
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jul 13, 2026, 06:34 AM IST

Ambaji Temple Theft: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાનની ગણતરી અને કથિત ગેરરીતિના મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ આરાસુરી અંબાજી મંદિરમાં પણ દાનચોરીનો અગાઉ સામે આવેલો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. એપ્રિલ મહિનામાં પ્રકાશમાં આવેલી આ ઘટનાએ મંદિરોમાં દાનની સુરક્ષા અને ગણતરી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને અનેક સવાલો ઉભા કર્યા હતા. ઘટના બાદ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અંબાજી મંદિર દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને અહીં દાનરૂપે મોટી રકમ એકત્રિત થાય છે. આવી સ્થિતિમાં દાનની સુરક્ષા અને તેની ગણતરીની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. દાનચોરીના કેસ સામે આવ્યા બાદ ટ્રસ્ટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અનેક નવા પગલાં લીધા છે.

CCTV ફૂટેજમાં સામે આવ્યો દાનચોરીનો કિસ્સો

અંબાજી મંદિરમાં દાનની ગણતરી દરમિયાન એપ્રિલ મહિનામાં ચોરીનો મામલો સામે આવ્યો હતો. તપાસ દરમિયાન CCTV ફૂટેજમાં મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર નોટોના બંડલ છુપાવતો જોવા મળ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. તપાસ અનુસાર, 7 મેના રોજ આરોપીએ આશરે રૂ. 1.04 લાખનું નોટોનું બંડલ પોતાના ખિસ્સામાં છુપાવી બાથરૂમ જવાના બહાને બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બનાસકાંઠાના અધિક કલેક્ટરની ફરિયાદના આધારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રામ મંદિરના દાન ચોરી કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી : તપાસ અંગે આવી શકે છે મોટો નિર્ણય

ત્રણ આરોપીઓની ધરપકડ, હાલ જામીન પર મુક્ત

દાનચોરીના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ કાનૂની કાર્યવાહી દરમિયાન આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. તપાસ દરમિયાન દાનની ગણતરી પ્રક્રિયા, કર્મચારીઓની જવાબદારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ઘટનાએ મંદિરોમાં દાનની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું.

વિવાદ બાદ ટ્રસ્ટે અમલમાં મૂકી નવી સુરક્ષા વ્યવસ્થા

આ ઘટનાના પગલે આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્રે દાનની ગણતરી પ્રક્રિયામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.

ભંડાર રૂમમાંથી વર્ગ-4 અને આઉટસોર્સિંગ કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત સમગ્ર દાન ગણતરી વિસ્તારને આવરી લેતા આશરે 20 હાઇટેક CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી દરેક પ્રક્રિયા પર સતત નજર રાખી શકાય.

આ પણ વાંચો: કોલકાતા એરપોર્ટની 136 વર્ષ જૂની મસ્જિદમાં એન્ટ્રી બેન : રનવે વિસ્તરણ વચ્ચે નમાઝ પણ બંધ


દાન ગણતરીનું લાઈવ પ્રસારણ શરૂ કરાયું

શ્રદ્ધાળુઓમાં વિશ્વાસ વધે અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે ટ્રસ્ટે દાનની ગણતરી પ્રક્રિયાનું મંદિર પરિસરમાં આવેલી LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ શરૂ કર્યું છે. આ ઉપરાંત દર અઠવાડિયે મંદિરના વહીવટદાર અને મામલતદાર દ્વારા રૂબરૂ નિરીક્ષણ, કર્મચારીઓ માટે ફરજિયાત હાજરી રજિસ્ટર, મંજૂરી વિના રાત્રિ રોકાણ પર પ્રતિબંધ તેમજ અન્ય સુરક્ષા નિયમો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે.

અંબાજી મંદિર અગાઉ પણ વિવાદમાં રહ્યું હતું

આ પહેલા વર્ષ 2023માં અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને પણ વિવાદ સર્જાયો હતો. તે સમયે પરંપરાગત મોહનથાળના બદલે ચીક્કી પ્રસાદ આપવાના નિર્ણયનો વિરોધ થયો હતો. આ મુદ્દે અનેક દિવસો સુધી ચર્ચા ચાલી હતી, ત્યારબાદ રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ મોહનથાળ અને ચીક્કી બંને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દાનચોરીના કેસ બાદ મંદિર તંત્ર સુરક્ષા અને પારદર્શિતાને વધુ મજબૂત બનાવવા માટે સતત સુધારાત્મક પગલાં લઈ રહ્યું છે. શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે અને દાન વ્યવસ્થામાં વિશ્વાસ વધે તે માટે નવી વ્યવસ્થાઓ અમલમાં લાવવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now