Home Gujarat Ahmedabad Ahmedabad Rbi Currency Chest 8 70 Crore Theft Bank Of Baroda

RBIની તિજોરીમાંથી 9 બોક્સ ભરીને 8.70 કરોડની ઉઠાંતરી : ભંગારના બોક્સમાં રૂપિયા ભરીને લઈ ગયો કસ્ટોડિયન

RBIની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 24, 2026, 10:53 AM IST

અમદાવાદમાં કરોડોની રોકડ સાથે જોડાયેલા એક હાઈપ્રોફાઈલ કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો થયો છે. Bank of Barodaની ગાંધીરોડ બ્રાંચમાં આવેલી RBI કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને બેંકના કસ્ટોડિયન હરસિદ્ધ કડિયારની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવેલા CCTV ફૂટેજ અને પોલીસની કાર્યવાહીથી ખુલ્યું છે કે આરોપીએ ખૂબ જ ચાલાકીથી ભંગારના બોક્સની આડમાં કરોડો રૂપિયાની રોકડ બેંકની બહાર કાઢી હતી.

પોલીસે આરોપી પાસેથી અત્યાર સુધીમાં 2.20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. સાથે જ તેના બે સાથીદારો સુલતાન અને ઝુલ્ફીકારની પણ અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કેસે બેંકિંગ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે.

CCTVમાં કેદ થયો ‘ભંગાર’નો ખેલ

તપાસ દરમિયાન 13 જાન્યુઆરી 2026ની રાત્રિના CCTV ફૂટેજ સામે આવ્યા છે. રાત્રે લગભગ 9:12 વાગ્યે આરોપી હરસિદ્ધ કડિયાર અને તેના બે સાથીઓ મોટા બોક્સ લઈને બેંકની બહાર નીકળતા જોવા મળે છે. આરોપીએ સુરક્ષા કર્મચારીઓને કહ્યું હતું કે આ બોક્સમાં ભંગાર ભરેલો છે અને તેને બહાર ફેંકવા લઈ જવામાં આવી રહ્યો છે.

પરંતુ હકીકતમાં આ બોક્સમાં કરોડો રૂપિયાની રોકડ હતી. CCTVમાં સુલતાન અને ઝુલ્ફીકાર પણ આરોપીને મદદ કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પોલીસે બંનેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. અન્ય આરોપીઓ પાસેથી પણ આશરે 50 લાખ રૂપિયાની રોકડ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના સાયલામાં નકલી DYSP ઝડપાયો : વર્ધીના ફોટા-વીડિયો મૂકી રોફ જમાવતો હોવાનો આરોપ

જેની પાસે જવાબદારી હતી, તેણે જ કરી ચોરી

આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ચોરી કરનાર વ્યક્તિ જ કરન્સી ચેસ્ટની દેખરેખ માટે જવાબદાર હતો. બેંકના ચીફ મેનેજર હરીહર દેવ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ અનુસાર RBI દ્વારા બેંકમાં કરન્સી ચેસ્ટ રાખવામાં આવી હતી, જ્યાંથી અન્ય બેંકોને જરૂરી મુજબ રોકડ મોકલવામાં આવતી હતી.

કરોડો રૂપિયાની આ રોકડની જવાબદારી મુખ્ય કસ્ટોડિયન સંજય શર્મા અને જોઈન્ટ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયાર પર હતી. જ્યારે બેંકમાં ઓડિટ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે રૂપિયા 500ના દરની કુલ 174 રીલ ઓછી હોવાનું સામે આવ્યું હતું. તેની કુલ કિંમત 8.70 કરોડ રૂપિયા થતી હતી. તપાસ આગળ વધતા CCTV ચેક કરવામાં આવ્યા અને ત્યારબાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો.

90 દિવસ સુધી નોકરી ચાલુ રાખી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ જાન્યુઆરી મહિનામાં જ ચોરી કરી હતી. પરંતુ તેણે ખૂબ જ ચાલાકીથી ચોરી બાદ પણ નોકરી ચાલુ રાખી હતી. આરોપીને લાગતું હતું કે 90 દિવસ પછી CCTV ફૂટેજ ડિલીટ થઈ જશે અને ત્યારબાદ કોઈ પુરાવો નહીં રહે.

તેથી તેણે લગભગ ત્રણ મહિના સુધી નિયમિત રીતે નોકરી કરી. ત્યારબાદ તેણે તબિયત ખરાબ હોવાનું કહી રજા લીધી. 13 એપ્રિલે ચીફ મેનેજરને મેસેજ કરીને એક દિવસની રજા લીધી અને પછી પાંચ દિવસની મેડિકલ લીવ પર ગયો. 20 એપ્રિલ પછી તે અચાનક ગાયબ થઈ ગયો હતો.

આ પણ વાંચો: "મને મયંક નાયકથી નફરત છે, પહેલાં પ્રશાંત કોરાટ અમને પગે પડતો" : "તારી છઠ્ઠીનું ધાવણ તું બતાવજે, તારા જેવા 17 દુશ્મનોને પિન્ટુભાઈ પી ગયા" વાયરલ ઓડિયોથી ભાજપમાં ભૂકંપ

કરોડોની ચોરી બાદ વૈભવી જીવનની તૈયારી

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ચોરીના પૈસાથી આરોપીએ વૈભવી સંપત્તિઓ ખરીદવાની શરૂઆત કરી દીધી હતી. તેણે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અંદાજે 2 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો. ઉપરાંત 1.40 કરોડ રૂપિયાની દુકાનો અને 15 લાખ રૂપિયાનો ‘છોટા હાથી’ ટેમ્પો પણ ખરીદ્યો હતો. આરોપીએ સાથે કામ કરતી વૈશાલી નામની મહિલાને પણ મકાન ખરીદવા માટે 23 લાખ રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત તેણે 1 કરોડથી વધુનું રોકાણ ક્રિપ્ટોકરન્સીમાં પણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મનાલી ફરવા ગયો, પછી થયો ફરાર

આરોપીની પત્ની Railway Protection Forceમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપી પરિવાર સાથે મનાલી ફરવા ગયો હતો. ત્યાં તેને જાણ થઈ કે પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ત્યારબાદ તેણે બહાનું બનાવી મનાલીમાંથી પણ પલાયન કર્યું હતું. જોકે આખરે પોલીસે તેને અમદાવાદના સોલા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પોલીસને સોલામાં આવેલ ઔડાના મકાન નીચે પાર્ક કરેલી કારમાંથી 2.20 કરોડ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદના નિકોલ સેલ્સ ગર્લ ચોરી કેસમાં મોટો વળાંક : આરોપી યુવતીએ પોલીસ પર જ લગાવ્યા ગંભીર આક્ષેપ

15 વર્ષથી બેંકમાં નોકરી કરતો હતો આરોપી

હરસિદ્ધ કડિયાર છેલ્લા 15 વર્ષથી બેંક ઓફ બરોડામાં નોકરી કરતો હતો. વર્ષો સુધી બેંકિંગ સિસ્ટમમાં કામ કર્યા બાદ તેણે ઝડપી પૈસા કમાવી આરામદાયક જીવન જીવવા માટે ચોરી કરવાનો રસ્તો અપનાવ્યો હોવાની કબૂલાત કરી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે બેંકના અન્ય કોઈ કર્મચારી અથવા અધિકારીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હતા કે નહીં. આરોપીની પત્નીની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.

બેંકિંગ સુરક્ષા પર મોટા સવાલ

આ ઘટનાએ બેંકિંગ સુરક્ષા અને આંતરિક મોનીટરીંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. કરોડોની રોકડ રાખવામાં આવતી કરન્સી ચેસ્ટમાંથી કોઈ કર્મચારી આટલી મોટી ચોરી કરી શકે અને મહિના સુધી કોઈને ખબર ન પડે, તે બાબતે પણ ચર્ચા શરૂ થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now