Home Gujarat Ahmedabad Food Processing Policy Dialogue Chirag Paswan Jitu Vaghani

અમદાવાદમાં ફૂડ પ્રોસેસિંગ પર બે દિવસીય નીતિ સંવાદ શરૂ : ચિરાગ પાસવાન અને જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત

ચિરાજ પાસવાન અને જીતુ વઘાણી
Published by: Chintan Chavda
Last Updated: Jun 09, 2026, 07:15 AM IST

અમદાવાદ ખાતે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ, રોજગારી સર્જન અને ટકાઉ આર્થિક વૃદ્ધિને કેન્દ્રમાં રાખીને બે દિવસીય ઉચ્ચસ્તરીય પ્રાદેશિક નીતિ સંવાદનો પ્રારંભ થયો છે. ભારત સરકારના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય, ગુજરાત સરકાર અને વર્લ્ડ બેંક ગ્રૂપના SAPLING પ્લેટફોર્મના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં દક્ષિણ એશિયાના વિવિધ દેશોના નીતિનિર્માતાઓ, ઉદ્યોગ અગ્રણીઓ, સંશોધકો અને નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.

‘Unlocking Value: Advancing Food Processing for Employment Generation and Sustainable Growth in South Asia’ વિષય પર યોજાયેલા આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન અને ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: કચ્છના મુન્દ્રા પોર્ટમાં ₹17.83 કરોડના કોલસા કૌભાંડનો પર્દાફાશ : ચાર વેપારીઓ સામે ગુનો નોંધાયો

ભારત વૈશ્વિક ફૂડ પ્રોસેસિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે: ચિરાગ પાસવાન

ઉદ્ઘાટન સત્રને સંબોધતા ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે ભારત આજે વૈશ્વિક ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં ઝડપથી અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે મૂલ્યવર્ધન, આધુનિક ટેક્નોલોજીનો વધતો ઉપયોગ અને પ્રાદેશિક સહયોગ જેવા પરિબળો દક્ષિણ એશિયાની ખાદ્ય અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહ્યા છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનું એક મજબૂત સેતુ છે. આ ક્ષેત્ર ખેડૂતોની આવકમાં વધારો કરવા, પાક બાદ થતા નુકસાનને ઘટાડવા, ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવા અને મોટા પ્રમાણમાં રોજગારીની નવી તકો ઊભી કરવા માટે સક્ષમ છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિગત સુધારા અને રોકાણને પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે ભારત વૈશ્વિક ફૂડ વેલ્યૂ ચેઈનમાં વધુ સ્પર્ધાત્મક બની રહ્યું છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત : ગુજરાતના એક જ પરિવારના 5 સભ્યોના મોત, સગાઈનો પ્રસંગ માતમમાં ફેરવાયો

ગુજરાત કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગોમાં અગ્રેસર: જીતુ વાઘાણી

આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ગુજરાત કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગોના વિકાસમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. તેમણે ખાસ કરીને સહકારી ક્ષેત્રના સફળ મોડેલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે Amul મોડેલે ખેડૂતોને સશક્ત બનાવવામાં અને તેમની આવક વધારવામાં વૈશ્વિક સ્તરે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમણે જણાવ્યું કે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માત્ર કૃષિ ઉત્પાદનોના મૂલ્યવર્ધન માટે જ નહીં પરંતુ ખેડૂતોને વધુ સારા ભાવ અપાવવામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી સર્જવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

રાજ્ય સરકાર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોસેસિંગ યુનિટ્સ, કોલ્ડ ચેઈન અને સપ્લાય ચેઈન મજબૂત બનાવવા માટે વિવિધ પહેલો અમલમાં મૂકી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું.

ગુજરાતમાં NIFTEM કેમ્પસ સ્થાપવાની માંગ

જીતુ વાઘાણીએ ગુજરાતમાં ‘રાષ્ટ્રીય ખાદ્ય ટેકનોલોજી ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપન સંસ્થાન’ (NIFTEM)ની સ્થાપના પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમના મતે રાજ્યમાં NIFTEM કેમ્પસ સ્થાપવામાં આવે તો સમગ્ર પશ્ચિમ ભારત માટે એગ્રો-ફૂડ ટેક્નોલોજી, સંશોધન, નવાચાર અને કૌશલ્ય વિકાસનું મુખ્ય કેન્દ્ર વિકસી શકે.

તેમણે જણાવ્યું કે આવી સંસ્થા રાજ્યના યુવાનોને નવી કારકિર્દીની તકો પૂરી પાડશે તેમજ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં કુશળ માનવબળ તૈયાર કરવામાં મદદરૂપ બનશે. સાથે જ ભારતને વૈશ્વિક ફૂડ પ્રોસેસિંગ નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

આ પણ વાંચો: ચોમાસા પહેલાં જામનગરમાં મોટું એક્શન : 80 વર્ષ જૂની જોખમી ઈમારત તોડવાની કામગીરી શરૂ

દક્ષિણ એશિયાઈ સહયોગ અને રોકાણ પર રહેશે ફોકસ

બે દિવસીય કાર્યક્રમ દરમિયાન ફૂડ પ્રોસેસિંગ ઇકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે વિવિધ વ્યૂહાત્મક સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વૈશ્વિક સફળ મોડેલ્સ, રોજગારી સર્જન, ટકાઉ આર્થિક વિકાસ અને દક્ષિણ એશિયાના ભવિષ્યના રોડમેપ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધોરણો (Codex Standards), Blended Finance, Public-Private Partnership (PPP) મોડલ, રોકાણ વધારવા માટેની વ્યૂહરચનાઓ અને દક્ષિણ એશિયાઈ દેશો વચ્ચે નીતિગત સહયોગ મજબૂત બનાવવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર પર તૈયાર કરાયેલા એક વિશેષ અભ્યાસ અહેવાલનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ‘Innovation Fair’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અદ્યતન ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ સોલ્યુશન્સ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના નવીન પ્રયોગોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ સંવાદ દ્વારા દક્ષિણ એશિયામાં કૃષિ, ઉદ્યોગ અને ટેક્નોલોજી વચ્ચે વધુ મજબૂત જોડાણ ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now