Home Gujarat Ahmedabad Ahmedabad Amc Seizes Suspected Duplicate Ghee Worth Rs 31 Lakh

અમદાવાદમાં શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી સામે AMC ની મોટી કાર્યવાહી : મોટી બ્રાન્ડના નામચે ચાલતો ₹31.81 લાખનો જથ્થો સીઝ!

વચનામૃત નકલી ઘી
Published by: Chintan Chavda
Last Updated: Jun 09, 2026, 12:20 PM IST

અમદાવાદમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેચાણ કરવામાં આવી રહેલા શંકાસ્પદ ઘી સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 8 જૂન, 2026ના રોજ દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડ વિસ્તારમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન AMCની ટીમે શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોએથી કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી સીઝ કર્યું છે. જપ્ત કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત ₹31.81 લાખથી વધુ હોવાનું જણાવાયું છે.

AMCના ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફૂડ સેફ્ટી અધિકારીઓને મળેલી બાતમીના આધારે ઇન્દ્રપુરી વિસ્તારમાં આવેલા લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અહીંથી ‘રિધમ કાઉ ઘી’ અને ‘વચનામૃત કાઉ ઘી’ બ્રાન્ડના આશરે 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ₹21.31 લાખ થાય છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ સ્થળે અરવિંદભાઈ ત્રિકમચંદ નાગર બંને બ્રાન્ડના સુપર સ્ટોકિસ્ટ તરીકે કામગીરી કરી રહ્યા હતા. AMCની ટીમે બંને બ્રાન્ડના ઘીના નમૂનાઓ લઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. સાથે જ સમગ્ર જથ્થાનું વેચાણ તાત્કાલિક સ્થગિત કરીને સ્થળને સીલ કરવામાં આવ્યું છે.

પાલડી-કાકંજ સ્થિત યુનિટ સુધી પહોંચી તપાસ

તપાસ દરમિયાન AMC ને જાણવા મળ્યું હતું કે ‘રિધમ કાઉ ઘી’ અને ‘વચનામૃત કાઉ ઘી’નું ઉત્પાદન દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામ નજીક ઓડે-પીરાણા રોડ પર આવેલા પ્લોટ નંબર-53માં આવેલી સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવે છે.

આ માહિતીના આધારે સમગ્ર મામલાની વિગતો રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને મોકલી આપવામાં આવી છે, જેથી ઉત્પાદન એકમની કામગીરી અને ગુણવત્તા ધોરણોની પણ તપાસ થઈ શકે.
સાવલી નજીક દુર્લભ ‘વનયાર’ નો વાહનની ટક્કરથી અકસ્માત: ગંભીર હાલતમાં વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ

વટવા અને દૂધેશ્વરમાં પણ દરોડા

AMC ની તપાસ દરમિયાન અમદાવાદમાં આ જ બ્રાન્ડના અન્ય વિતરકો અંગે પણ માહિતી મળી હતી. જેમાં વટવા વિસ્તારમાં આવેલી વીરકૃપા ટ્રેડિંગ અને દૂધેશ્વર વિસ્તારમાં આવેલી ત્રિશાલા એજન્સીનો સમાવેશ થાય છે.

માહિતી મળતા જ AMCની અલગ-અલગ ટીમોએ બંને સ્થળોએ તપાસ હાથ ધરી હતી. અહીંથી આશરે 1,600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹10.49 લાખ જેટલી હોવાનું જણાવાયું છે. આ જથ્થાનું વેચાણ પણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

આમ, શહેરના ત્રણ સ્થળોએ કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં કુલ 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
ગુજરાતના 207 જળાશયોમાં 51% પાણીનો જથ્થો: જાણો, તમારા વિસ્તારનાં જળાશયમાં પાણીની સ્થિતી...સરદાર સરોવર રાજ્ય માટે સૌથી મોટો આધાર

ભાવમાં મોટા તફાવતથી ઉઠી શંકા

AMC ના ઇન્ચાર્જ એડિશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉ. તેજસ શાહે જણાવ્યું હતું કે ઘીના ડબ્બા પર દર્શાવેલી કિંમત અને ઉત્પાદક દ્વારા સ્ટોકિસ્ટને આપવામાં આવતી કિંમત વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. આ તફાવતને આધારે શંકા જતાં ફૂડ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

તેમણે જણાવ્યું કે બંને બ્રાન્ડના નમૂનાઓ ફૂડ સેફ્ટી ધોરણો મુજબ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ-2006 હેઠળ સંબંધિત વેપારીઓ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદીઓ સાચવજો!: ચોમાસામાં શહેરના આ 16થી વધુ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા, AMCએ જાહેર કર્યો રિપોર્ટ

ગ્રાહકોમાં ચિંતા, AMCની અપીલ

શહેરમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા ગ્રાહકોમાં પણ ચિંતા વ્યાપી છે. AMC એ નાગરિકોને માત્ર વિશ્વસનીય અને પ્રમાણિત બ્રાન્ડના ખાદ્ય પદાર્થો ખરીદવાની સલાહ આપી છે. સાથે જ કોઈપણ શંકાસ્પદ ખાદ્ય સામગ્રી અંગે તાત્કાલિક ફૂડ વિભાગને જાણ કરવા અપીલ કરી છે.

હાલ સમગ્ર મામલે લેબોરેટરીના પરીક્ષણ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ બાદ જ ઘીની ગુણવત્તા અને તેમાં કોઈ ભેળસેળ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now