Home Religion After Death Beliefs Life After Death Major Religions World Faiths

મૃત્યુ પછી શું થાય છે? : દુનિયાના મુખ્ય ધર્મોમાં પરલોક વિશેની અનોખી માન્યતાઓ

મૃત્યુ પછી શું થાય છે?
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 03:41 PM IST

માનવ ઇતિહાસમાં 'મૃત્યુ પછી શું?' એ પ્રશ્ન સૌથી વધુ ચર્ચાયેલો છે. ધર્મ આ બાબતે સ્વર્ગ, નર્ક કે પુનર્જન્મના આધારે ઉત્તર આપે છે. વિશ્વના મુખ્ય 20 ધર્મોમાં આ અંગે વિશિષ્ટ માન્યતાઓ છે, જેમાંથી કેટલાક મહત્વના ધર્મોના દ્રષ્ટિકોણ નીચે મુજબ છે.

હિન્દુ અને જૈન ધર્મ: કર્મ અને પુનર્જન્મનું ચક્ર

હિન્દુ ધર્મમાં એવી પ્રબળ માન્યતા છે કે આત્મા ક્યારેય મરતો નથી, તે માત્ર શરીર બદલે છે. આ પ્રક્રિયાને 'સંસાર' અથવા 'પુનર્જન્મ' કહેવામાં આવે છે. વ્યક્તિ પોતાના કર્મોના આધારે મનુષ્ય અથવા પ્રાણીના રૂપમાં ફરી જન્મ લે છે. આ ચક્રમાંથી કાયમી મુક્તિ મેળવવી તેને 'મોક્ષ' કહેવામાં આવે છે. જૈન ધર્મ પણ આત્માના અસ્તિત્વ અને પુનર્જન્મમાં માને છે. અહીં અહિંસક જીવન અને કર્મોથી મુક્તિ મેળવીને મોક્ષ પ્રાપ્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ: ન્યાય અને પરલોક

ખ્રિસ્તી ધર્મ મુજબ મૃત્યુ એ જીવનનો અંત નથી પરંતુ નવી શરૂઆત છે. એવી માન્યતા છે કે દેવ (God) આત્માનો ન્યાય કરશે અને કર્મોના આધારે વ્યક્તિ સ્વર્ગ (Heaven) અથવા નર્ક (Hell) માં સ્થાન મેળવશે. ઇસ્લામ ધર્મ શીખવે છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી કારણ કે તે અંતિમ મુકામ નથી. ઇસ્લામમાં માન્યતા છે કે કયામતના દિવસ સુધી આત્મા 'બરઝખ'માં રહે છે અને અલ્લાહના દૂત આત્માની કસોટી કરે છે.

શીખ અને બૌદ્ધ ધર્મ: જ્ઞાન અને મુક્તિ

શીખ ધર્મ અનુસાર આત્મા પોતાના કર્મોના ફળ સ્વરૂપે પુનર્જન્મ ધારણ કરે છે. અહંકાર પર નિયંત્રણ અને પરમાત્માના સ્મરણ દ્વારા આ ચક્રમાંથી મુક્તિ મેળવી શકાય છે. બૌદ્ધ ધર્મમાં જીવન અને મૃત્યુને એક સતત ચાલતી પ્રક્રિયા માનવામાં આવે છે. વ્યક્તિના સંચિત કર્મો જ નક્કી કરે છે કે તેનો આગામી જન્મ ક્યાં અને કયા સંજોગોમાં થશે.

યહૂદી અને બહાઈ ધર્મ: આત્માની અવિરત સફર

યહૂદી ધર્મમાં એવી માન્યતા છે કે મૃત્યુ એ અસ્તિત્વનો અંત નથી અને ભવિષ્યમાં મૃતકોનું પુનરુત્થાન થવાની સંભાવના પણ આ ધર્મનો પાયો છે. બીજી તરફ બહાઈ ધર્મ માને છે કે શરીર માટીમાં ભળી જાય છે પરંતુ આત્મા મુક્ત થઈને આધ્યાત્મિક વિશ્વમાં પોતાની યાત્રા શરૂ કરે છે. તેઓ મૃત્યુને ડરવાની નહીં પણ આત્માની પ્રગતિની એક ક્ષણ માને છે.

ઝોરોસ્ટ્રિયન અને શિન્ટો ધર્મ: ન્યાયનો પુલ અને પવિત્ર આત્મા

ઝોરોસ્ટ્રિયન (પારસી) ધર્મમાં 'ચિનવટ બ્રિજ'ની માન્યતા છે, જ્યાં આત્માનો ન્યાય થાય છે. સારા વિચારો અને કર્મો કરનાર આત્મા અંતે શુદ્ધ થઈને ઈશ્વર પાસે પહોંચે છે. જાપાનના શિન્ટો ધર્મમાં એવી માન્યતા છે કે શરીરના મૃત્યુ પછી પણ આત્મા જીવંત રહે છે અને પવિત્ર આત્મા બનીને જીવતા લોકોની રક્ષા કરે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now