Bollywood News: બોલીવૂડના સુપરસ્ટાર અને ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતા આમિર ખાન ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. થોડા મહિનાઓ પહેલાં પોતાના 60મા જન્મદિવસે આમિરે મીડિયા સમક્ષ પોતાની પાર્ટનર ગૌરી સ્પ્રેટનો પરિચય કરાવ્યો હતો. હવે અહેવાલો અનુસાર બંનેએ પોતાના સંબંધને લગ્નના બંધનમાં ફેરવવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આમિર અને ગૌરી છેલ્લા ઘણા સમયથી એકબીજાની નજીક છે અને છેલ્લા એક વર્ષથી પરિવારની જેમ સાથે જીવન વિતાવી રહ્યા છે. બંને વચ્ચેનો સંબંધ હવે વધુ મજબૂત બનતા તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
5 જુલાઈએ થઈ શકે છે લગ્ન
આમિર ખાનના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કપલ 5 જુલાઈએ લગ્ન કરી શકે છે. ખાસ વાત એ છે કે આ સમારોહ કોઈ ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ કે ફાઇવ સ્ટાર હોટલમાં નહીં પરંતુ આમિરના નિવાસસ્થાને જ યોજાય તેવી શક્યતા છે. બંને પરિવારોની હાજરીમાં આ પ્રસંગને સાદગીભર્યા અને ખાનગી રીતે ઉજવવાની તૈયારી ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
શાહરૂખ અને સલમાન બની શકે છે ખાસ મહેમાન
જોકે મહેમાનોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ બોલીવૂડ વર્તુળોમાં એવી ચર્ચા છે કે આમિરના નજીકના મિત્રો સલમાન ખાન અને શાહરૂખ ખાન આ પ્રસંગે હાજરી આપી શકે છે. ત્રણેય ખાનને એકસાથે જોવા માટે ચાહકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: યશે કેમ પસંદ કર્યો રાવણનો રોલ?: ખુલ્યું 4000 કરોડની 'રામાયણ'નું મોટું રહસ્ય! કારણ સાંભળીને રહી જશો દંગ!
સંબંધ અંગે આમિરે શું કહ્યું હતું?
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં આમિર ખાને ગૌરી સાથેના પોતાના સંબંધ અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લગ્ન માત્ર સંબંધનું એકમાત્ર પ્રમાણપત્ર નથી. આમિરે કહ્યું હતું કે, “ગૌરી અને હું એકબીજા માટે ખૂબ જ ગંભીર છીએ. અમે એક પ્રતિબદ્ધ સંબંધમાં છીએ. મારા દિલમાં તો હું પહેલેથી જ તેની સાથે પરિણીત છું. હવે તેને સત્તાવાર સ્વરૂપ આપવું કે નહીં તે સમય નક્કી કરશે.”
14 વર્ષનો ઉંમરનો તફાવત, છતાં મજબૂત સંબંધ
61 વર્ષીય આમિર ખાન અને 46 વર્ષીય ગૌરી સ્પ્રેટ વચ્ચે અંદાજે 14 વર્ષનો ઉંમરનો તફાવત છે. તેમ છતાં બંને વચ્ચે મજબૂત સમજણ અને વિશ્વાસ જોવા મળે છે. અનેક પ્રસંગોએ બંનેને સાથે જોવામાં આવ્યા છે. આમિર ખાને વર્ષ 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ 2002 સુધી ચાલ્યો હતો. બંનેને જુનેદ ખાન અને ઇરા ખાન નામના બે સંતાનો છે. ત્યારબાદ વર્ષ 2005માં આમિરે ફિલ્મમેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને આઝાદ નામનો પુત્ર છે. જોકે 2021માં બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. જોકે છૂટાછેડા બાદ પણ આમિર અને કિરણ વચ્ચે સારા સંબંધો યથાવત્ છે અને બંને અનેક ફિલ્મી પ્રોજેક્ટ્સમાં સાથે કામ કરતા જોવા મળે છે.
જીવનનો નવો અધ્યાય શરૂ કરવાની તૈયારી
જો 5 જુલાઈએ લગ્ન અંગેના અહેવાલો સાચા સાબિત થાય તો આમિર ખાનના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત થશે. ચાહકો હવે આ સમાચારની સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે અને બોલીવૂડમાં આ લગ્ન વર્ષની સૌથી ચર્ચિત ઘટના બની શકે છે.





